Gandhinagar News: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. કુડાસણ સ્થિત એક ફિટનેસ જીમ પાસે સોમવારે (29 જૂન) રાત્રે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. આ ગુનામાં પકડાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જે પૂર્વ ઇન્ચાર્જ DGPના આદેશોનું સરેઆમ ઉલ્લંઘન દર્શાવે છે.
₹1.10 કરોડની છેતરપિંડી અને જૂની અદાવત
ઈન્ફોસિટી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આ સમગ્ર વિવાદની શરૂઆત એપ્રિલ 2025માં થઈ હતી. આરોપી મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડે સરકારી કંપની GACLમાંથી ડીલરશીપ અપાવવાના બહાને ફરિયાદી ઉત્સવ પટેલના પિતા પાસેથી ₹15 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ મહેન્દ્રસિંહે રાજસ્થાન સરકારમાં પોતાની વગ હોવાનો દાવો કરી ઉત્સવના પિતાના મિત્ર શિવુજીલાલ ચૌધરીને રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (RTDC)માં ચેરમેન બનાવવાની ખાતરી આપી હતી. આ કામ પેટે મહેન્દ્રસિંહ અને તેના પુત્ર અભિમન્યુસિંહે એડવાન્સ ₹50 લાખ મેળવ્યા હતા. આમ, ટુકડે-ટુકડે કુલ ₹1 કરોડ 10 લાખ પડાવી લેવાયા હોવા છતાં કામ થયું નહોતું. નાણાં પરત માંગતા ગત 17 મેના રોજ કોબા સર્કલ ખાતે પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.
જીમ બહાર પૂર્વ આયોજિત લોહિયાળ હુમલો
નાણાકીય વિવાદનું સમાધાન કરવા માટે ઉત્સવ પટેલના મિત્ર ભરતસિંહ ચંદાવતે મહેન્દ્રસિંહને કુડાસણ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં આવેલા ‘આરહા ફિટનેસ જીમ’ ખાતે બોલાવ્યા હતા. જ્યાં ઉત્સવ, તેના પિતા રોહિતકુમાર અને ભરતસિંહ હાજર હતા. તે જ સમયે મહેન્દ્રસિંહ અને તેનો દીકરો અભિમન્યુસિંહ પૂર્વ આયોજિત પ્લાન મુજબ બીજા ૧૦ જેટલા માણસોને હથિયારો સાથે બાઈક પર લઈને ધસી આવ્યા હતા. ટોળાએ "કેમ અવારનવાર રૂપિયા માંગો છો, આજે તમને તમારા રૂપિયા આપી દઈએ" તેમ કહીને તીક્ષ્ણ હથિયારોથી તૂટી પડ્યા હતા. ભારે બૂમાબૂમ થતાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને કોઈકે ૧૦૮ તથા પોલીસને જાણ કરતા હુમલાખોરો ધમકી આપી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ભરતસિંહ હાલ કે.ડી. હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે.
પોલીસ એક્શન: અમદાવાદ-ગાંધીનગરથી 11 શખસો ઝડપાયા
ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એ. શાહે ગુનો નોંધીને કુલ 11 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે.
આરોપીનું નામ | ઉંમર | વિસ્તાર |
મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડ | 52 વર્ષ | સેક્ટર-2, ગાંધીનગર |
રામચંદ્રસિંહ ગોવિંદસિંહ રાઠોડ | 50 વર્ષ | સેક્ટર-2, ગાંધીનગર |
પ્રકાશસિંહ ખેમચંદ રાઠોડ | 47 વર્ષ | સેક્ટર-2, ગાંધીનગર |
હેમંત ઉર્ફે લાલાભાઈ ચૌહાણ | 46 વર્ષ | બહેરામપુરા, અમદાવાદ |
સુનીલ રણછોડભાઈ ચૌહાણ | 31 વર્ષ | બહેરામપુરા, અમદાવાદ |
સાહીલ બાબુભાઈ મન્સુરી | 27 વર્ષ | સંજરી પાર્ક, પેથાપુર |
સમીર ઈસ્માઈલભાઈ મન્સુરી | 50 વર્ષ | સંજરી પાર્ક, પેથાપુર |
રીશી કનુભાઈ વાઘેલા | 28 વર્ષ | જમાલપુર, અમદાવાદ |
પ્રદિપ દિલીપભાઈ ચૌહાણ | 29 વર્ષ | જમાલપુર, અમદાવાદ |
શાહબાઝ અકબરભાઈ અજમેરી | 21 વર્ષ | જમાલપુર, અમદાવાદ |
હિતેશ સંજયભાઈ dંતાણી | 21 વર્ષ | જમાલપુર, અમદાવાદ |
DGPના આદેશનો ઉલાળિયો: વીડિયો રી-કન્સ્ટ્રક્શન કે ગુંડાઓનો વરઘોડો?
આ કેસમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જોકે, આ પ્રક્રિયા દરમિયાન જાહેરમાં આરોપીઓનું સરઘસ નીકળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અંદાજિત ૨ મહિના પહેલાં જ ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવએ એક કડક લેખિત આદેશ જાહેર કર્યો હતો કે, કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવું નહીં અને આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.
આરોપી ભલે ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય, તેનું આત્મસન્માન જળવાય અને માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થાય તે જોવાની જવાબદારી પોલીસની છે. તેમ છતાં ગાંધીનગરમાં જ પૂર્વ ડીજીપીના નિયમોને નેવે મૂકીને ગુંડાઓનો 'વરઘોડો' કાઢવામાં આવતા પોલીસ બેડામાં અને જાહેર જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે.






