Home Gujarat Surat Surat Rander Car Fell Into Pit Smc Roadwork Controversy

SMC એ તો ગજબની બુધ્ધિ વાપરી! : ખાડામાં પડેલી કાર સાથે જ કર્યું સમારકામ, હવે Video વાયરલ

ખાડામાં ફસાયેલી કાર
Published by: Chintan Chavda
Last Updated: Jun 30, 2026, 01:19 PM IST

સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે રસ્તાઓની સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે. રાંદેર વિસ્તારની ઝઘડિયા ચોકડી નજીક વહેલી સવારે વરસાદ દરમિયાન એક કાર રસ્તા પર ખોદવામાં આવેલા ખાડામાં પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સુરત મહાનગરપાલિકા (SMC)ની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, કારને ખાડામાંથી બહાર કાઢવાની કાર્યવાહી કરતાં પહેલાં પાલિકા દ્વારા ખાડો જ પુરી દેવામાં આવ્યો હતો, જેના કારણે કાર પણ માટી અને કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે અને પાલિકાની કામગીરીની ટીકા થઈ રહી છે. જોકે, આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.

થોડા દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું ખોદકામ

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઝઘડિયા ચોકડી નજીક થોડા દિવસ પહેલાં પાલિકા દ્વારા કોઈ કામગીરી માટે રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું. વરસાદ પડતાં ખાડો પાણીથી ભરાઈ ગયો હતો, જેના કારણે રસ્તા પરથી પસાર થતી કારનો ચાલક ખાડાનો અંદાજ લગાવી શક્યો ન હતો અને વાહન તેમાં ખાબક્યું હતું. ઘટના બાદ સ્થાનિકોએ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે ખોદકામ બાદ સ્થળ પર પૂરતી ચેતવણી, બેરિકેડિંગ અથવા પ્રતિબિંબિત સૂચક ચિહ્નોની વ્યવસ્થા હોત તો આવી ઘટના ટાળી શકાય તેમ હતી.

આ પણ વાંચો: પહેલાં જ વરસાદે બગાડી સુરતની 'સૂરત', ઠેર-ઠેર ભુવા : બેસી ગયો 400 મીટરનો રોડ, ખૂંપી ગઇ પૂરાણ કરવા આવેલી ટ્રક

SMC તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નહીં

ઘટના અંગે સુરત મહાનગરપાલિકા તરફથી સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેથી કારને બહાર કાઢ્યા વગર ખાડો પુરવામાં આવ્યો હોવાના દાવા અંગે પાલિકાનું વર્ઝન હજુ સામે આવ્યું નથી. જો પાલિકા તરફથી સ્પષ્ટતા અથવા તપાસ બાદ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે, તો ઘટનાની સંપૂર્ણ હકીકત વધુ સ્પષ્ટ થઈ શકશે. હાલ આ ઘટનાએ ચોમાસા દરમિયાન રસ્તાઓની સલામતી, ખોદકામ બાદની વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષાને લઈને ફરી ચર્ચા જગાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now