Surat Road Collapse: સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત સાથે જ વિકાસના દાવાઓની હકીકત પણ સામે આવવા લાગી છે. ગઈકાલ રાતથી શરૂ થયેલા ભારે વરસાદ અને વાવાઝોડા જેવી પવનની અસર વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, વૃક્ષો ધરાશાયી થવા અને ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ જેવી સમસ્યાઓ ઉભી થઈ છે. જોકે આ તમામ વચ્ચે સૌથી ચોંકાવનારી ઘટના મોટા વરાછા વિસ્તારમાં સામે આવી છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો હેવન રિવરફ્રન્ટ રોડ અચાનક ધસી પડ્યો છે. માત્ર સામાન્ય વરસાદમાં જ આશરે 400 મીટર લાંબો રોડ બેસી જતાં રસ્તા પર ચારથી પાંચ જેટલા વિશાળ ભૂવા પડી ગયા હતા. આ ભૂવાઓ એટલા મોટા હતા કે તેમાં આખેઆખી કાર સમાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. એક કારના આગળના બંને ટાયર રસ્તામાં ધસી જતાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ સમગ્ર ઘટનાએ સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી, રોડ નિર્માણની ગુણવત્તા અને દેખરેખ પ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ચાલતી કાર અચાનક ભૂવામાં ફસાઈ ગઈ
મોટા વરાછાના હેવન રિવરફ્રન્ટ રોડ પરથી રોજની જેમ વાહનવ્યવહાર ચાલુ હતો ત્યારે એક પરિવાર કાર લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ રોડનો મોટો ભાગ ધસી પડતાં કારના આગળના બંને ટાયર રસ્તામાં ખૂંપી ગયા હતા. કારચાલકે સમયસર બ્રેક મારી દેતાં અને કારમાં બેઠેલા લોકો તરત બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોનું કહેવું છે કે જો કાર વધુ ઝડપે ચાલી રહી હોત અથવા કોઈ બાઈકસવાર ત્યાંથી પસાર થઈ રહ્યો હોત તો જીવલેણ અકસ્માત સર્જાઈ શક્યો હોત.
400 મીટરનો આખો રસ્તો બેસી ગયો
સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે માત્ર એક સ્થળે જ નહીં, પરંતુ આશરે 400 મીટરના આખા પટ્ટામાં રસ્તો નીચે બેસી ગયો છે. આ વિસ્તારમાં ચારથી પાંચ જેટલા વિશાળ ભૂવા પડ્યા હતા, જેમાંથી કેટલાક એટલા ઊંડા હતા કે આખેઆખી કાર સમાઈ શકે. પ્રાથમિક નિરીક્ષણમાં એવું જણાયું છે કે રસ્તાની નીચેનો માટીનો ભાગ વરસાદના પાણી સાથે ધોવાઈ ગયો હતો અને ઉપરનો ડામરનો પાતળો પડ જ ટકેલો રહ્યો હતો, જે અંતે તૂટી પડતાં આખો માર્ગ ધસી ગયો.
ડ્રેનેજ કામગીરી બાદ સામે આવી નબળી ગુણવત્તા
આ માર્ગ પર થોડા સમય પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજનું કામ પૂર્ણ થયા બાદ રોડનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ પહેલા જ વરસાદમાં રસ્તો ધસી પડતાં કામની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, રોડના રિપેરીંગ અને પુરાણની કામગીરીમાં યોગ્ય તકનીકી ધોરણોનું પાલન કરવામાં આવ્યું નહોતું. જેના કારણે સામાન્ય વરસાદમાં જ આખો રોડ પત્તાના મહેલની જેમ બેસી ગયો છે.

ભુવો પૂરવા આવેલી પાલિકાની ટ્રક પણ ફસાઈ
આ સમગ્ર ઘટનામાં વધુ ચોંકાવનારી બાબત ત્યારે સામે આવી જ્યારે ભૂવા પૂરવા માટે પાલિકા દ્વારા મોકલવામાં આવેલી મટીરીયલ ભરેલી ટ્રક પણ રસ્તામાં ધસી ગઈ હતી. માહિતી અનુસાર, સમારકામ માટે મોકલાયેલી ટ્રક રસ્તા પર આગળ વધી રહી હતી ત્યારે નબળા રોડનો વધુ એક ભાગ ધસી પડ્યો અને ટ્રકનો પાછળનો ભાગ ભૂવામાં ફસાઈ ગયો હતો. ઘટનાના દૃશ્યો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જે બાદ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
પાલિકાએ રસ્તો બંધ કરી શરૂ કરી કામગીરી
ઘટનાની ગંભીરતા જોતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે સમગ્ર 400 મીટરના રસ્તાને બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થળ પર જેસીબી, ક્રેન અને અન્ય ભારે મશીનરી તૈનાત કરવામાં આવી છે. ભૂવામાં ફસાયેલી કાર અને ટ્રકને બહાર કાઢવાની કામગીરી સાથે રસ્તાના તાત્કાલિક સમારકામનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.
ભારે પવનથી શહેરમાં વૃક્ષો ધરાશાયી
સુરતમાં પડેલા ભારે વરસાદ અને તોફાની પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં 10થી વધુ વૃક્ષો ધરાશાયી થયાની ઘટનાઓ પણ સામે આવી છે. કેટલાક વિસ્તારોમાં રસ્તા પર વૃક્ષો પડી જતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી, જ્યારે અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. ફાયર બ્રિગેડની ટીમો સતત એક્શન મોડમાં રહી હતી અને કટર મશીન તથા ક્રેનની મદદથી રસ્તાઓ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સુરતીઓમાં રોષ, જવાબદારો સામે કાર્યવાહીની માંગ
મોટા વરાછાની આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાના વિકાસના દાવાઓ પર મોટો સવાલ ઊભો કર્યો છે. નાગરિકોનું કહેવું છે કે માત્ર સમારકામ કરીને મામલો દબાવી દેવો પૂરતો નથી, પરંતુ નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો અને બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કડક પગલાં લેવા જરૂરી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે, સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં જો પ્રથમ જ વરસાદમાં આવી સ્થિતિ સર્જાય છે તો આગામી ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ કેવી રહેશે તે ચિંતાનો વિષય છે. હાલ પાલિકા દ્વારા રસ્તાના નુકસાનના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને તેની ગુણવત્તા અંગે ગંભીર ચર્ચા જગાવી છે.





