અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં સોમવારે સાંજે ગંભીર મેડિકલ ઈમરજન્સી સર્જાતા પાયલટે તાત્કાલિક સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ફ્લાઇટ દરમિયાન ત્રણ વર્ષનું બાળક અચાનક બેભાન થઈ જતાં મુસાફરોમાં ચિંતા ફેલાઈ હતી. પ્લેનમાં હાજર બે ડોક્ટરોએ બાળકને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થિતિમાં સુધારો ન થતાં પાયલટે એર ટ્રાફિક કંટ્રોલને મેડિકલ ઈમરજન્સીની જાણ કરી સુરતમાં લેન્ડિંગની મંજૂરી મેળવી હતી. સમયસર સારવાર મળતાં બાળકનો જીવ બચી ગયો હતો.
પ્લેનમાં અચાનક સર્જાઈ મેડિકલ ઈમરજન્સી
29 જૂન 2026ના રોજ સાંજે અંદાજે 8:20 વાગ્યે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E-7018 અમદાવાદથી મુંબઈ જવા માટે ઉડાન ભરી હતી. મુસાફરી દરમિયાન ફ્લાઇટમાં સવાર માસ્ટર સૌરભ નામના ત્રણ વર્ષના બાળકની તબિયત અચાનક લથડવા લાગી હતી અને થોડા જ સમયમાં તે બેભાન થઈ ગયો હતો. બાળકની સ્થિતિ ગંભીર બનતાં કેબિન ક્રૂએ તરત જ જાહેર કર્યું કે જો કોઈ ડોક્ટર ફ્લાઇટમાં હાજર હોય તો મદદ માટે આગળ આવે.
ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા બે તબીબોએ બાળકને તપાસી જરૂરી પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો ન જોવા મળતાં પાયલટે વધુ જોખમ ન લેતા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે તાત્કાલિક સંપર્ક સાધ્યો અને સુરત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી.
સુરત એરપોર્ટ પર તંત્ર થયું એલર્ટ
મેડિકલ ઈમરજન્સીની માહિતી મળતાં જ સુરત એર ટ્રાફિક કંટ્રોલે સમગ્ર એરપોર્ટ તંત્રને એલર્ટ કરી દીધું હતું. CISF, એરપોર્ટ ઓથોરિટી, મેડિકલ ટીમ અને ઇન્ડિગોની ગ્રાઉન્ડ સ્ટાફે સંયુક્ત રીતે ઝડપી કામગીરી હાથ ધરી હતી.
વિમાન લેન્ડ થાય તે પહેલાં જ રનવે નજીક એમ્બ્યુલન્સ, ડોક્ટરો અને જરૂરી મેડિકલ સાધનો સાથેની ટીમ તૈયાર રાખવામાં આવી હતી, જેથી લેન્ડિંગ બાદ બાળકને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સારવાર આપી શકાય.
CISF અને મેડિકલ ટીમનું ઉત્તમ સંકલન
ફ્લાઇટ સુરક્ષિત રીતે સુરત એરપોર્ટ પર ઉતરતાં જ મેડિકલ ટીમ તરત જ વિમાનમાં પહોંચી હતી. CISFના જવાનોએ ગ્રીન કોરિડોર જેવું સુવ્યવસ્થિત સંકલન ઊભું કરી બાળકને ઝડપથી વિમાનમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. એરપોર્ટ પર જ બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ સ્ટેન્ડબાય રાખવામાં આવેલી એમ્બ્યુલન્સ મારફતે તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હાલ બાળક નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમયસર લેવાયેલા નિર્ણય અને ઝડપી કામગીરીના કારણે બાળકનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
ફ્લાઇટ બાદ મુંબઈ માટે ફરી રવાના
બાળકને હોસ્પિટલ ખસેડ્યા બાદ એરપોર્ટ સત્તાધીશો અને ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જરૂરી ટેકનિકલ તેમજ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ ફ્લાઇટ નંબર 6E-7018 ફરીથી તેના નિર્ધારિત ગંતવ્ય મુંબઈ માટે રવાના થઈ હતી.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર ઈમરજન્સી ઓપરેશન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યું હતું. જેના કારણે સુરત એરપોર્ટના અન્ય ફ્લાઇટ ઓપરેશન અથવા મુસાફરોને કોઈ પ્રકારની અસર પહોંચી નહોતી.





