Home Gujarat Ahmedabad Roboforex Investment Fraud Cid Arrests Five Accused Gujarat

મેટ્રિમોનીયલ સાઇટથી શરૂ થયેલી મિત્રતા : RoboForexમાં રોકાણના નામે રૂ.2.30 કરોડની ઠગાઈ: CIDએ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા

મેટ્રિમોનીયલ એપથી શરૂ થઈ કરોડોની છેતરપિંડી
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2026, 02:56 PM IST

Ahmedabad News: ઓનલાઈન મિત્રતા અને ઝડપથી નફો કમાવાની લાલચ હવે સાયબર ગુનેગારોનું સૌથી મોટું હથિયાર બની રહી છે. મેટ્રિમોનીયલ પ્લેટફોર્મ પર પરિચય વધારી ફોરેક્સ ટ્રેડિંગમાં ભારે કમાણી કરાવવાના વાયદા સાથે એક વ્યક્તિ પાસેથી કુલ રૂ.2.30 કરોડની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ કરવામાં ગુજરાત CID ક્રાઇમના Cyber Centre of Excellenceને મોટી સફળતા મળી છે.

મેટ્રિમોનીયલ એપથી શરૂ થઈ કરોડોની છેતરપિંડી

ગુજરાત CID ક્રાઇમના Cyber Centre of Excellence દ્વારા હાથ ધરાયેલી “મ્યુલ હન્ટ 2.0” કામગીરી દરમિયાન આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ‘જિગ્યાસા કપૂર’ નામની ઓળખ અપનાવી અને Dilsafar નામની એપ્લિકેશન મારફતે ફરિયાદી સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો. બાદમાં વિશ્વાસ કેળવી ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ભારે નફો થશે તેવી લાલચ આપવામાં આવી હતી. ફરિયાદીને RoboForex નામના પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલાવવાનું કહેવામાં આવ્યું અને ટ્રેડિંગ માટે માર્ગદર્શન આપવાના બહાને શરૂઆતમાં રૂ.50,000નું રોકાણ કરાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં થોડી રકમ પર નફો પણ દર્શાવવામાં આવ્યો અને વિથડ્રૉલ કરાવી વિશ્વાસ વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: PSI ભરતી અંગે સૌથી મોટું અપડેટ : 10,930 ઉમેદવારોના પેપર-2ની ચકાસણી થશે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડે જાહેર કરી યાદી

આ પછી આરોપીઓએ ટેલિગ્રામ મારફતે વિવિધ બેંક ખાતાઓની વિગતો મોકલી વધુ રોકાણ કરવા દબાણ કર્યું. ફરિયાદીએ વિશ્વાસમાં આવી કુલ રૂ.1.47 કરોડ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ રોકાણ સામે મોટો નફો દેખાડવામાં આવ્યો પરંતુ RoboForex એકાઉન્ટ લોક થઈ ગયું હોવાનું જણાવી તેને અનલોક કરાવવા માટે વધુ રૂ.83 લાખની માંગણી કરવામાં આવી હતી. આ રીતે કુલ રૂ.2.30 કરોડની રકમ ફરિયાદી પાસેથી વસૂલવામાં આવી છતાં કોઈ નાણાં પરત આપવામાં આવ્યા નહોતા અને છેતરપિંડીનો ભોગ બન્યાનું બહાર આવ્યું હતું.

બેંક ખાતા, કમિશન અને નેટવર્ક મારફતે ચલાવાતો ગેરકાયદેસર ધંધો

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપીઓ માત્ર ઓનલાઈન ટ્રેડિંગના બહાને લોકોને ફસાવતા નહોતા, પરંતુ બેંક ખાતાઓ ઉપલબ્ધ કરાવવાની સુવ્યવસ્થિત ચેન પણ ઉભી કરવામાં આવી હતી. પોલીસ અનુસાર આરોપી રાજ અતુલભાઈ પડસાલાના નામે R.P. Chemicalsના નામે બેંક ખાતું ખોલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ખાતાની કિટ અન્ય આરોપીઓને કમિશનના આધારે આપવામાં આવી હતી.

તપાસમાં ડો. જયદીપકુમાર બટુકલાલ આરદેસણા સહિતના અન્ય આરોપીઓની ભૂમિકા પણ સામે આવી છે. તેઓ મારફતે અલગ અલગ વ્યક્તિઓનો સંપર્ક કરીને ખાતાઓ અને બેંકિંગ માધ્યમોનો ઉપયોગ છેતરપિંડીની રકમ એકત્ર કરવા માટે કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકારની ગતિવિધિઓમાં સામાન્ય રીતે “મ્યુલ એકાઉન્ટ” તરીકે ઓળખાતા બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ગુનેગારો પોતાના નામે ખાતા ન ખોલાવી અન્ય લોકોના નામે અથવા વ્યવસાયિક એકમોના નામે ખાતા ચલાવી ગેરકાયદેસર નાણાંની હેરફેર કરતા હોય છે.

આ પણ વાંચો: ધોરણ-9 અને 10માં મોટો ફેરફાર : હવે 10 નહીં, 8 ફરજિયાત વિષયો; 2026-27થી અમલમાં આવશે નવું માળખું

31 સાયબર ફ્રોડ કેસો સાથે જોડાણ

CIDની તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા R.P. Chemicals સંબંધિત બેંક ખાતાની વિગતો NCCRP પોર્ટલ પર તપાસવામાં આવતા સમગ્ર દેશમાં કુલ 31 સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ તમામ કેસોમાં અંદાજે રૂ.15.31 કરોડથી વધુની સાયબર છેતરપિંડી થઈ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ આંકડો દર્શાવે છે કે ઓનલાઈન રોકાણના નામે કાર્યરત આવા ગેંગો એક રાજ્ય પૂરતા મર્યાદિત નથી પરંતુ દેશવ્યાપી નેટવર્ક તરીકે કામ કરી રહ્યા છે.

પાંચ આરોપીઓની ધરપકડ, મોબાઇલ અને દસ્તાવેજો કબ્જે

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આ કેસમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં આનંદના રાજ અતુલભાઈ પડસાલા, રાજકોટના યાજ્ઞિક અશોકભાઈ રામાણી, વાઘેલા લક્ષ્મણ જયંતીલાલ, ડો. જયદીપકુમાર બટુકલાલ આરદેસણા અને સાગર ભીમજીભાઈ ગોકાણીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી સાત મોબાઇલ ફોન ઉપરાંત એક આધારકાર્ડ અને એક પાનકાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજો પણ કબ્જે કર્યા છે. આ સમગ્ર કામગીરી CID ક્રાઇમના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પ્રેસ નોટ અનુસાર સુરત ઝોનની ટીમે પણ તપાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now