Home Gujarat Gujarat Board Class 9 10 New Subject Structure Nep 2020

ધોરણ-9 અને 10માં મોટો ફેરફાર : હવે 10 નહીં, 8 ફરજિયાત વિષયો; 2026-27થી અમલમાં આવશે નવું માળખું

NEP-2020
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2026, 02:37 PM IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નીતિ (NEP-2020) અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE)ના અમલને ધ્યાનમાં રાખીને ધોરણ-9 અને 10ના વિષય માળખામાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગની મંજૂરી મળ્યા બાદ જાહેર કરાયેલા નવા માળખા અનુસાર શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ-10માં અને વર્ષ 2027-28થી ધોરણ-9માં આ વ્યવસ્થા અમલમાં આવશે. અત્યાર સુધી ધોરણ-10ના વિદ્યાર્થીઓએ કુલ 10 વિષયોનો અભ્યાસ કરવો પડતો હતો, પરંતુ નવા માળખા અંતર્ગત હવે માત્ર 8 મુખ્ય વિષયો ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પરના અભ્યાસના વધતા ભારણને ઘટાડવાનો તેમજ શિક્ષણને વધુ અસરકારક અને જીવનમૂલ્યો આધારિત બનાવવાનો છે.

‘વ્યક્તિ અને સમાજજીવન’ વિષયનો પ્રથમ વખત સમાવેશ

નવા અભ્યાસક્રમમાં અત્યાર સુધી ફરજિયાત રહેલો વ્યાવસાયિક શિક્ષણનો વિષય દૂર કરવામાં આવ્યો છે. તેના સ્થાને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સામાજિક સમજ વધારવા માટે ‘વ્યક્તિ અને સમાજજીવન (Individual in Society)’ નામનો નવો વિષય ઉમેરવામાં આવ્યો છે. આ વિષય દ્વારા વિદ્યાર્થીઓને સમાજમાં પોતાની ભૂમિકા, નાગરિક જવાબદારીઓ, સામાજિક મૂલ્યો, સહઅસ્તિત્વ, માનવ અધિકારો અને જીવનકૌશલ્ય જેવા મુદ્દાઓ અંગે વધુ વ્યાપક સમજ પ્રાપ્ત થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. નવી શિક્ષણ નીતિનો મુખ્ય ઉદ્દેશ પણ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

ત્રિ-ભાષા સૂત્રમાં સ્પષ્ટતા, વિદ્યાર્થીઓને મળશે વધુ વિકલ્પો

ગુજરાત બોર્ડે નવી વ્યવસ્થા હેઠળ ત્રિ-ભાષા સૂત્રને વધુ વ્યવસ્થિત અને સ્પષ્ટ બનાવ્યું છે. પ્રથમ ભાષા તરીકે શાળા જે માધ્યમમાં કાર્યરત હશે તે ભાષા ફરજિયાત રહેશે. એટલે કે ગુજરાતી માધ્યમની શાળાઓમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી પ્રથમ ભાષા તરીકે રાખવી ફરજિયાત રહેશે. બીજી ભાષા માટે વિદ્યાર્થીઓને ગુજરાતી અથવા અંગ્રેજીનો વિકલ્પ મળશે. જો કે, પ્રથમ ભાષા તરીકે પસંદ કરાયેલી ભાષાને બીજી ભાષા તરીકે ફરીથી પસંદ કરી શકાશે નહીં. ત્રીજી ભાષા તરીકે વિદ્યાર્થીઓ હિન્દી, સંસ્કૃત, અરબી, સિંધી અથવા ઉર્દૂ જેવી ભાષાઓમાંથી પોતાની પસંદગીનો વિષય પસંદ કરી શકશે. આ પગલાથી ભાષાકીય વૈવિધ્યને પ્રોત્સાહન મળવાની સાથે વિદ્યાર્થીઓને બહુભાષી શિક્ષણની તક પણ મળશે.

બોર્ડ પરીક્ષામાં તમામ વિષયોમાં પાસ થવું રહેશે ફરજિયાત

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ જે વિષયો પસંદ કરશે તે તમામ વિષયોમાં બોર્ડ પરીક્ષામાં સફળ થવું ફરજિયાત રહેશે. અર્થાત્, પસંદ કરાયેલા દરેક વિષયનું મૂલ્યાંકન થશે અને તમામ વિષયોમાં નિર્ધારિત ધોરણ મુજબ સફળતા મેળવવી આવશ્યક રહેશે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને માધ્યમિક શાળાઓને આ અંગે જરૂરી માર્ગદર્શિકા મોકલી આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now