અમરેલી અને બૃહદ ગીર વિસ્તારમાં તાજેતરમાં સિંહોના હુમલામાં માનવ મૃત્યુના બનાવો બાદ વન વિભાગ દ્વારા સિંહોને પકડવાની કાર્યવાહી તેજ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન અલગ-અલગ રેન્જમાંથી આશરે 30 જેટલા એશિયાટિક સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ આંકડા અંગે વન વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ મહુવા રેન્જમાંથી ત્રણ, ખાંભા રેન્જના ચતુરી ગામ વિસ્તારમાંથી 12, સાવરકુંડલા નજીકના જુનાસાવર વિસ્તારમાંથી એક, જસાધાર રેન્જમાંથી છ, બગસરાના ઘટિયાણ વિસ્તારમાંથી ચાર તેમજ રાજુલા તાલુકાના કોવાયા અને હિંડોરણા વિસ્તારોમાંથી કુલ છ સિંહોને કબજામાં લેવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. સમગ્ર કાર્યવાહી અંગે વન વિભાગે હજી સુધી વિગતવાર સ્પષ્ટતા કરી નથી.
સિંહપ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો
સિંહપ્રેમી મયંક ભટ્ટે આક્ષેપ કર્યો છે કે માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોની ઓળખ કર્યા વિના અન્ય વિસ્તારોમાંથી પણ સિંહોને પકડવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, "કોઈ પણ જાતનું વાઈલ્ડલાઇફ એકટનું પાલન થતું નથી અને અત્યાર સુધી માહિતી મળતા ૩૦એક જેટલા સિંહોને અલગ-અલગ વિસ્તારમાંથી પાંજરે પૂરવામાં આવ્યા છે. તો આ ખૂબ જ ગંભીર બાબત છે."
તેમણે વધુમાં દાવો કર્યો કે "અત્યારે જે વિવાદ થયો છે કે મનુષ્ય પરના હુમલાનો, તો એ બાબતમાં કોઈ પણ જાતના સંશોધનો કર્યા વગર માત્ર ને માત્ર ધારી ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝન, આ જે બંને વિસ્તારની અંદર સિંહોને ધડાધડ પકડવામાં આવી રહ્યા છે અને અત્યારે એવી પોઝીશન કરી છે કે 'સિંહ દેખો ત્યાંથી એને પકડો', આ રીતની જે નીતિ વનવિભાગે અમલમાં મૂકી છે તે ખૂબ જ ગંભીર બાબત છે."
આ પણ વાંચો: અમરેલીમાં ફરી સિંહણનો હુમલો : રાજુલાના વડગામે મહિલાને ઈજા, છેલ્લા એક મહિનામાં પાંચમી ઘટના
સરકાર પાસેથી સ્પષ્ટતા માંગ
સિંહપ્રેમી વિપુલ લહેરીએ પણ સમગ્ર ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે માનવ મૃત્યુ અત્યંત દુઃખદ ઘટના છે અને જવાબદાર સિંહ સામે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ જો મોટી સંખ્યામાં અન્ય સિંહોને પણ પકડવામાં આવ્યા હોય તો તેમને ક્યાં રાખવામાં આવશે તે અંગે સરકાર સ્પષ્ટતા કરે. તેમણે જણાવ્યું કે જો સિંહોને ગીરના જંગલમાં અન્ય ટેરિટરીમાં છોડવામાં આવશે તો તેના કારણે સિંહો વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેમણે વન વિભાગને સમગ્ર આયોજન જાહેર કરવાની માંગ કરી છે.
નિષ્ણાતે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની આપી સલાહ
વન્યજીવ નિષ્ણાત ભૂષણ પંડયાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓ ચિંતાજનક છે અને તેના મૂળ કારણોનું વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ થવું જોઈએ. તેમણે જણાવ્યું કે મોટાભાગની ઘટનાઓ રાત્રિના સમયે બની હોવાથી ગ્રામજનો રાત્રે બહાર નીકળે ત્યારે ટોર્ચ અને લાકડી સાથે સાવચેતી રાખે તો જોખમ ઘટાડી શકાય છે. તેમણે ગેરકાયદેસર "લાયન શો"ને પણ ગંભીર સમસ્યા ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ, આવા શોમાં સિંહોને વાહનોથી ઘેરી લેવામાં આવે છે, જેના કારણે તેમના કુદરતી વર્તનમાં ફેરફાર થવાની શક્યતા રહે છે. આવા ગેરકાયદેસર કૃત્યો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો: અમરેલીના ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત : વન વિભાગ તપાસમાં; વનમંત્રીની મુલાકાત વચ્ચે ઘટના ચર્ચામાં
ભૂષણ પંડયાએ એ પણ જણાવ્યું કે જો સંઘર્ષમાં સામેલ ન હોય તેવા સિંહોને પણ મોટા પ્રમાણમાં પકડીને સ્થળાંતર કરવામાં આવશે તો તેનાથી નવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેમના મતે સમગ્ર પરિસ્થિતિનું નિરાકરણ વૈજ્ઞાનિક અભ્યાસ, વ્યવસ્થિત મોનિટરિંગ અને વન્યજીવ સંરક્ષણની માન્ય માર્ગદર્શિકાના આધારે લાવવામાં આવવું જોઈએ.
વન વિભાગના સત્તાવાર પક્ષની રાહ
સમાચાર લખાય છે ત્યાં સુધી વન વિભાગે કેટલા સિંહોને પકડવામાં આવ્યા છે, તેમને ક્યાં ખસેડવામાં આવ્યા છે અને કાર્યવાહી કયા માપદંડો મુજબ કરવામાં આવી રહી છે તે અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. આ મુદ્દે સરકાર અને વન વિભાગની સ્પષ્ટતા બાદ સમગ્ર ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.





