Home Gujarat Amreli Rajula Lion Attack Sakkarbaug Zoo Lifetime Captivity

અમરેલીના કોવાયા ગામે સિંહ હુમલા કેસમાં મોટો ખુલાસો : વન વિભાગની રિપોર્ટમાં સાબિત થયા 'માનવભક્ષી', 4 સિંહોને 'આજીવન કેદ'

પાંજરામાં પુરાયેલો સિંહ
Published by: Chintan Chavda
Last Updated: Jun 27, 2026, 12:30 PM IST

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક ઉત્તરાખંડના એક યુવક પર થયેલા જીવલેણ સિંહ હુમલાના કેસમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. વન વિભાગ દ્વારા ઘટનાના અનુસંધાને પકડવામાં આવેલા ચાર સિંહોના સેમ્પલની તપાસમાં ચારેય સિંહોએ માનવ માંસ આરોગ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટના આધારે વન વિભાગે ચારેય સિંહોને જીવનભર જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવાનો નિર્ણય લીધો છે.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે ઉત્તરાખંડના પ્રકાશ ચંદ્ર નામના યુવાન પર કોવાયા ગામ નજીક સિંહોએ હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે યુવકનું મૃત્યુ થયું હતું અને બાદમાં તેનું માથું તથા એક પગ અલગ હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર ગીર પંથકમાં ભારે ચિંતા ફેલાવી હતી.

આ પણ વાંચો: જૂનાગઢમાં સિંહબાળના મોત કેસમાં મોટી કાર્યવાહી! : વન વિભાગના સર્ચ ઓપરેશન બાદ આરોપી ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા

ચાર સિંહોને પકડી સેમ્પલ તપાસ માટે મોકલાયા

ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલામાં સંડોવણીની શંકાના આધારે ચાર સિંહોને પાંજરે પૂર્યા હતા. ત્યારબાદ તેમના જૈવિક સેમ્પલ સાસણ ખાતે વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટમાં ચારેય સિંહોએ માનવ માંસ આરોગ્યું હોવાની પુષ્ટિ થતાં વન વિભાગે તેમને ફરીથી ગીરના જંગલ અથવા માનવ વસાહતોની નજીક છોડવાનો નિર્ણય ન લેતા, કાયમી કેદમાં રાખવાનો નિર્ણય કર્યો છે."

હવે સક્કરબાગ ઝૂમાં રહેશે

વન વિભાગના નિર્ણય મુજબ, પકડાયેલા ચારેય સિંહોને જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જીવનભર રાખવામાં આવશે. તેમને ફરી કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવશે નહીં, જેથી ભવિષ્યમાં માનવજીવન માટે જોખમ ઊભું ન થાય. વન્યજીવ નિષ્ણાતોના મતે, જો કોઈ સિંહ માનવ પર વારંવાર હુમલો કરે અથવા માનવ માંસનો સ્વાદ લઈ લે, તો તેને ફરી જંગલમાં છોડવાથી માનવ-વન્યજીવ સંઘર્ષ વધવાનો ભય રહે છે. તેથી આવા કિસ્સાઓમાં સિંહોને કાયમી કેદમાં રાખવાનો નિર્ણય લેવામાં આવે છે.

આ પણ વાંચો: અમરેલીના ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત : વન વિભાગ તપાસમાં; વનમંત્રીની મુલાકાત વચ્ચે ઘટના ચર્ચામાં

ગીર વિસ્તારમાં વધતા માનવ-સિંહ સંઘર્ષ પર ફરી ચર્ચા

તાજેતરના વર્ષોમાં ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યા વધવાની સાથે માનવ વસાહતોની નજીક તેમની અવરજવર પણ વધી છે. તેના કારણે પશુઓ પર હુમલા તેમજ ક્યારેક માનવો પર હુમલાના બનાવો પણ સામે આવે છે. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ, સિંહોની હિલચાલ પર સતત નજર અને સ્થાનિક લોકોને સતર્ક રહેવા અંગે માર્ગદર્શન આપવાની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now