અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વનવિસ્તારમાં આવેલા દલખાણીયા રેન્જમાં એક સિંહબાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. દલખાણીયાના રેવન્યુ વિસ્તાર સ્થિત એક મંદિર પાછળ સિંહબાળ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર ઘટનાએ સિંહપ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા વધારી છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિંહબાળના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ (PM) કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
તપાસ પર સૌની નજર
પ્રાથમિક તબક્કે વન વિભાગે કોઈપણ કારણ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી. કુદરતી કારણો, અન્ય જંગલી પ્રાણીનો હુમલો, ઇજા અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે અંગે પોસ્ટમોર્ટમ અને વૈજ્ઞાનિક તપાસ બાદ જ સ્પષ્ટતા થશે. તાજેતરના સમયમાં ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના હુમલાના બનાવો તેમજ સિંહોના મોતની કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર સિંહબાળના મોતની ઘટનાએ વન વિભાગની કામગીરી અને વન્યજીવ સંરક્ષણ વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં સિંહબાળના મોત કેસમાં મોટી કાર્યવાહી! : વન વિભાગના સર્ચ ઓપરેશન બાદ આરોપી ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા
વનમંત્રી અમરેલીમાં હોવા વચ્ચે ઘટના ચર્ચાનું કેન્દ્ર
નોંધનીય છે કે રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા આજે અમરેલી જિલ્લાના પ્રવાસે છે. તે દરમિયાન જ ધારી ગીર પૂર્વ વિસ્તારમાં સિંહબાળના મોતની ઘટના સામે આવતા આ બનાવે વધુ ધ્યાન ખેંચ્યું છે. વન વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને પીએમ રિપોર્ટ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ અધિકારીઓ તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહ્યા છે.






