Home Gujarat Ahmedabad Ahmedabad Muharram Taziya Procession Communal Harmony

અમદાવાદમાં મોહરમની શ્રદ્ધાભેર ઉજવણી : ભવ્ય તાજિયાના જુલૂસે ભાઈચારા અને કોમી એકતાનો આપ્યો સંદેશ

AHMEDABAD MAHORAM COMI EKTA SANDESH
Published by: OBS Bureau
Last Updated: Jun 26, 2026, 02:38 PM IST

કાલુપુર, દરિયાપુર, શાહપુર અને જમાલપુર સહિતના વિસ્તારોમાંથી નીકળેલા તાજિયા લાલ દરવાજા ખાતે પહોંચ્યા; પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે ઉજવણી સંપન્ન

અમદાવાદ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે પરંપરાગત શ્રદ્ધા, ગમગીન માહોલ અને ધાર્મિક આસ્થાની વચ્ચે ભવ્ય તાજિયાના જુલૂસ નીકળ્યા હતા. શહેરના કાલુપુર, દરિયાપુર, શાહપુર, જમાલપુર સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં તાજિયા પરંપરાગત રીતે બહાર નીકળ્યા હતા. વિવિધ વિસ્તારોમાંથી આવેલા તાજિયા લાલ દરવાજા ખાતે એકત્રિત થયા બાદ શહેરના મુખ્ય માર્ગો પરથી શાંતિપૂર્ણ રીતે પસાર થયા હતા.

જુલૂસ દરમિયાન શ્રદ્ધાળુઓએ "યા હુસૈન"ના નાદ સાથે ઈમામ હુસૈનની શહાદતને યાદ કરી હતી. વિવિધ અખાડાઓ દ્વારા પરંપરાગત લાઠી અને તલવારબાજીના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને જોવા માટે માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું હતું.

કોમી એકતા અને સેવા ભાવનાનું અનોખું દૃશ્ય

મોહરમના જુલૂસ દરમિયાન વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા માર્ગ પર ઠેર-ઠેર શરબત, પાણી અને અન્ય પીણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ સમાજના લોકો દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બની કોમી એકતા, ભાઈચારા અને માનવસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

અમદાવાદની ગંગા-જમુની તહેઝીબને ઉજાગર કરતી આ ઉજવણીમાં વિવિધ સમાજના લોકો પરસ્પર સહયોગ અને સદભાવના સાથે જોડાયા હતા. શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો કાર્યક્રમ

મોહરમના જુલૂસને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિત સમગ્ર રૂટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે જુલૂસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નહોતી.

મોડી સાંજે સાબરમતી નદી કિનારે ધાર્મિક વિધિ અનુસાર તાજિયાને ઠંડા કરવાની પરંપરા સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં પૂર્ણ થયો હતો અને અમદાવાદની સાંસ્કૃતિક સહઅસ્તિત્વની પરંપરાને વધુ મજબૂત બનાવતો રહ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now