Home Gujarat Ahmedabad Acb Trap Bopal Police Station Rs5 Lakh Bribery Case Ahmedabad

બોપલ પોલીસ સ્ટેશનમાં ACBનો સફળ ટ્રેપ : PSI સહિત બે સામે રૂ.5 લાખની લાંચ કેસમાં કાર્યવાહી

bopal-anti-corruption
Image Credit: ai
Published by: OBS Bureau
Last Updated: Jun 26, 2026, 03:52 PM IST

અમદાવાદ: ગુજરાત ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો (ACB)એ શુક્રવાર, 26 જૂન 2026ના રોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા લાંચ કેસમાં સફળ ટ્રેપ ગોઠવી રૂ.5 લાખની લાંચ સ્વીકારવાના આરોપસર એક પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી પાડ્યો છે. જ્યારે મહિલા PSI સ્થળ પરથી મળી આવી નહોતી. સમગ્ર કાર્યવાહી ખેડા ACB પોલીસ સ્ટેશન, નડિયાદની ટીમે હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે ACB સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે તેમની વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીની તપાસ ચાલી રહી હતી. આ તપાસ દરમિયાન તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં ન આવે તે માટે બોપલ પોલીસ સ્ટેશનના PSI સુશ્રી પ્રિતલબેન જશુભાઈ ચૌધરી અને શીલજ બીટમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર મફતભાઈ ભોઈએ શરૂઆતમાં રૂ.10 લાખની લાંચની માંગણી કરી હતી.

રકઝક બાદ રૂ.5 લાખમાં સોદો નક્કી થયો

ફરિયાદી દ્વારા રકમ અંગે વાટાઘાટ કરવામાં આવતા બંને આરોપીઓએ અંતે રૂ.5 લાખ લાંચ સ્વીકારવા સંમતિ દર્શાવી હોવાનો ACBનો આક્ષેપ છે. ફરિયાદી લાંચની રકમ ચૂકવવા ઇચ્છતા ન હોવાથી તેમણે ખેડા ACB પોલીસ સ્ટેશન, નડિયાદનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

ફરિયાદના આધારે ACBએ બે પંચ સાક્ષીઓને સાથે રાખી 26 જૂનના રોજ ટ્રેપ ગોઠવ્યો હતો.

AHCએ સ્વીકારી લાંચ, PSI સાથે સ્પીકર ફોન પર થઈ વાત

ACBના જણાવ્યા મુજબ, ટ્રેપ દરમિયાન આરોપી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર મફતભાઈ ભોઈએ ફરિયાદી પાસેથી રૂ.5 લાખની લાંચની રકમ સ્વીકારી હતી. ત્યારબાદ તેણે પોતાના મોબાઇલ ફોનથી PSI પ્રિતલબેન ચૌધરીને ફોન કરી સ્પીકર મોડ પર વાતચીત કરી હતી. ACBના આક્ષેપ મુજબ, ફોન પર આરોપી નં.2એ લાંચની રકમ મળી ગઈ હોવાનું જણાવતાં PSIએ તેની સંમતિ દર્શાવી હતી. આ બાદ ACBની ટીમે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલને સ્થળ પરથી ઝડપી લીધો હતો.

ટ્રેપ દરમિયાન PSI સુશ્રી પ્રિતલબેન જશુભાઈ ચૌધરી સ્થળ પર હાજર મળી આવી નહોતી. ACBએ જણાવ્યું છે કે બંને આરોપીઓએ સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગુનાહિત ગેરવર્તણૂક આચરી હોવાના આરોપ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ટ્રેપ બોપલ પોલીસ સ્ટેશનના શીલજ બીટ વિસ્તારમાં આવેલી સાયબર ક્રાઇમ ઓફિસ ખાતે ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન રૂ.5 લાખની સંપૂર્ણ લાંચની રકમ પણ રિકવર કરવામાં આવી હોવાનું ACBએ જણાવ્યું છે.

ACB અધિકારીઓની દેખરેખ હેઠળ કાર્યવાહી

આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી ખેડા ACB પોલીસ સ્ટેશન, નડિયાદના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન અમદાવાદ ACB એકમના મદદનીશ નિયામક એમ.એચ. પુવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ઇન્ચાર્જ અધિકારી તરીકે નાયબ નિયામક હરેશ મેવાડા માર્ગદર્શન આપી રહ્યા હતા.

ACB દ્વારા હવે બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર સંબંધિત જોગવાઈઓ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન વધુ પુરાવા, સંજોગો અને અન્ય સંડોવણી અંગે પણ તપાસ આગળ વધારવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now