અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર સામે કાર્યવાહી કરતાં મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના કબજામાંથી 27 ગ્રામ મેફેડ્રોન સહિત કુલ ₹86 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને એનડિપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે દાણીલીમડાના અલ્લાનગર વિસ્તારમાં રહેમાની મહોલ્લા ખાતે આવેલા એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી વિના રાખવામાં આવેલો 27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આશરે ₹81 હજાર જાણવા મળ્યું છે.
એક આરોપીની ધરપકડ, અન્યને વોન્ટેડ જાહેર
આ કેસમાં પોલીસે 27 વર્ષીય આસિફ ઉર્ફે હાજી રફીકભાઈ હસનભાઈ શેખ, રહેવાસી રહેમાની મહોલ્લા, અલ્લાનગર, દાણીલીમડાની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવણી સામે આવતા આરિફ ઉર્ફે ચાચી યુસુફભાઈ શેખને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપી સામે અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડિપીએસ એક્ટની કલમ 8(સી), 22(બી) અને 29 હેઠળ ગુનો નોંધ્યો છે. હવે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને સપ્લાય થવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું ડ્રગ્સ નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાંથી ATS દ્વારા ડ્રગ્સનું મોટું કૌભાંડ ઝડપાયું : 9 થી 10 કરોડના ટ્રેમાડોલ ડ્રગ્સ સાથે એકની ધરપકડ





