Home Gujarat Ahmedabad Gujarat Ats Seizes 2 Lakh Tramadol Tablets Rs 8 32 Crore

અમદાવાદમાં કરોડોના ડ્રગ્સ કેસમાં ATS ના ખુલાસા : અંકલેશ્વર-રાજસ્થાન ડ્રગ્સ નેટવર્ક; વાપીના મેફેડ્રોન કેસ સાથે પણ છે આરોપીના તાર!

ગુજરાત ATS
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jun 26, 2026, 02:28 PM IST

ગુજરાતમાં નશાના કાળા કારોબાર સામે ચાલી રહેલી ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને વધુ એક મોટી સફળતા મળી છે. ATSએ ગેરકાયદેસર સાયકોટ્રોપિક સબસ્ટન્સ ટ્રામાડોલની કુલ 2,08,000 ટેબલેટ જપ્ત કરી છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રૂ. 8.32 કરોડ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. સમગ્ર કાર્યવાહી ગુપ્ત બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હાથ ધરવામાં આવી હતી.

ATSને મળેલી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના પારડીમાં રહેતો અને મૂળ રાજસ્થાનના સાદરીનો રહેવાસી પરેશ પારસમલ જૈન લાંબા સમયથી ગેરકાયદેસર ટ્રામાડોલના વેપારમાં સંડોવાયેલો હતો. આ માહિતીના આધારે ATSના અધિકારીઓએ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરતાં માલના પરિવહન અંગે મહત્વપૂર્ણ વિગતો મળી હતી.

બસ મારફતે મોકલાયો હતો ગેરકાયદે જથ્થો

તપાસમાં સામે આવ્યું કે આરોપીએ 25 જૂન, 2026ના રોજ અંકલેશ્વરથી રાજસ્થાનના પાલી માટે ટ્રામાડોલનો જથ્થો અન્ય દવાઓના નામે તૈયાર કરાયેલા ટેક્સ ઇન્વોઇસ સાથે એમ.આર. ટ્રાવેલ્સની લક્ઝરી બસ મારફતે મોકલ્યો હતો. માહિતીના આધારે અમદાવાદના શાહીબાગ સ્થિત ટ્રાવેલ્સ ઓફિસ પાસે ATSએ વોચ ગોઠવી હતી. બસની તપાસ દરમિયાન અધિકારીઓને ખાખીના છ મોટા બોક્સ મળ્યા હતા. આ બોક્સોમાં કુલ 416 નાના બોક્સ હતા, જેમાં "TRAMADOL HYDROCHLORIDE I.P. TABLETS 100 MG – SCOVIDOL-100 TABLETS" લખેલી 4,160 સ્ટ્રીપ મળી આવી હતી. તપાસ બાદ કુલ 2,08,000 ટ્રામાડોલ ટેબલેટ જપ્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી : દાણીલીમડામાંથી ₹81 હજારનું એમડી ડ્રગ્સ જપ્ત, એક આરોપી ઝડપાયો

રાજસ્થાનમાંથી આરોપીની ધરપકડ

દરોડા દરમિયાન મુખ્ય આરોપી રાજસ્થાન ભાગી ગયો હોવાનું જાણવા મળતાં ATSની વિશેષ ટીમને તાત્કાલિક રાજસ્થાન મોકલવામાં આવી હતી. બાદમાં ઉદયપુર જિલ્લાના ગોગુંડા તાલુકામાંથી પરેશ પારસમલ જૈનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનું ATSએ જણાવ્યું છે. પ્રાથમિક પૂછપરછ મુજબ આરોપીએ મે-2026થી અત્યાર સુધી 25 અલગ-અલગ બેચમાં કુલ 62,54,000 ટ્રામાડોલ ટેબલેટ મંગાવી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વેચાણ કર્યું હોવાની કબૂલાત આપી છે. આ દાવાની વધુ તપાસ ચાલી રહી છે.

અગાઉ પણ NDPS કેસોમાં સંડોવણી

ATSના જણાવ્યા અનુસાર આરોપી અગાઉ ઉત્તરાખંડના હરિદ્વાર અને મહારાષ્ટ્રના થાણે ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. પ્રેસ નોટમાં વધુમાં જણાવાયું છે કે વાપીમાં ગત મહિને મેફેડ્રોન કેસમાં ઝડપાયેલા ચાર આરોપીઓ સાથે પણ તેની સંડોવણી બહાર આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ તમામ પાસાઓની વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો: રાજકોટમાં નંદની બોસમીયાના રહસ્યમય મોતનો મામલો ગૂંચવાયો : લિવ-ઇન પાર્ટનર સામે પરિવારના ગંભીર આક્ષેપ; પોલીસ તમામ એંગલથી તપાસમાં

ટ્રામાડોલ કેમ મહત્વનું છે?

ટ્રામાડોલ એક શક્તિશાળી પેઇનકિલર દવા છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ગંભીર પીડાના સારવાર માટે થાય છે. જોકે, તેનો ગેરકાયદે સંગ્રહ, વેચાણ અથવા દુરુપયોગ એનડીપીએસ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ ગંભીર ગુનો બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં ટ્રામાડોલ અને અન્ય સાયકોટ્રોપિક દવાઓના ગેરકાયદે વેપાર સામે વિવિધ એજન્સીઓ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

ગુજરાત સરકારે પણ રાજ્યમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક વલણ અપનાવ્યું છે. ATS, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય તપાસ એજન્સીઓ વચ્ચેના સંકલનથી આવા રેકેટ સુધી પહોંચવામાં મદદ મળી રહી છે. હાલ આ કેસમાં સપ્લાય ચેઇન, દવાનો મૂળ સ્ત્રોત, નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now