અમદાવાદના નારોલ વિસ્તારમાં નકલી પોલીસ બની રૂપિયા પડાવવાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી નારોલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ચીરીપાલ કંપનીમાં મજૂર કોન્ટ્રાક્ટનું કામ કરતા કર્મચારીને પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી તેની પાસે રોકડ રકમ પડાવી લીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
નારોલ પોલીસ સ્ટેશનના PI જે.બી. અગ્રાવતે જણાવ્યું હતું કે ફરિયાદી ચીરીપાલ કંપનીમાં મજૂર કોન્ટ્રાક્ટનું કામ કરે છે. ઘટનાના દિવસે સવારે આશરે 11:30 થી 12:00 વાગ્યાની વચ્ચે ફરિયાદી કડિયાળ નાકા પાસે મજૂરોને ચૂકવવાના મહેનતાણાની રકમની ગણતરી કરી રહ્યા હતા. તે દરમિયાન બે વ્યક્તિઓ રિક્ષામાં ત્યાં પહોંચ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં નંદની બોસમીયાના રહસ્યમય મોતનો મામલો ગૂંચવાયો : લિવ-ઇન પાર્ટનર સામે પરિવારના ગંભીર આક્ષેપ; પોલીસ તમામ એંગલથી તપાસમાં
પોલીસની ઓળખ આપી ધમકી
આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું કે તેઓ પોલીસ અધિકારી છે અને તેમની સામે ફરિયાદ છે કે તેઓ મજૂરોને યોગ્ય રીતે પગાર આપતા નથી. આ બહાને ફરિયાદીને ડરાવી-ધમકાવી શરૂઆતમાં રૂ. 45 હજારની માંગણી કરવામાં આવી હતી. બાદમાં બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી રૂ. 10,500 રોકડા પડાવી લેવામાં આવ્યા હોવાનો આરોપ છે. ઘટના બાદ ફરિયાદીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજની તપાસ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી.
બંને આરોપીઓની ધરપકડ
પોલીસે નારોલ વિસ્તારમાંથી અયુબ શાહ અને રવિ રાજપૂતની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અયુબ શાહ સામે અગાઉ નકલી પોલીસ બની લૂંટ ચલાવવાના સહિત કુલ 7 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે રવિ રાજપૂત સામે ઘરફોડ, ચોરી સહિત કુલ 5 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી : દાણીલીમડામાંથી ₹81 હજારનું એમડી ડ્રગ્સ જપ્ત, એક આરોપી ઝડપાયો
અગાઉ પણ ભોગવી ચૂક્યા છે જેલની સજા
પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ અગાઉ પણ સમાન પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે અને તેઓ જેલની સજા પણ ભોગવી ચૂક્યા છે. તેમ છતાં ફરી એકવાર નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી અને ઉઘરાણી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. નારોલ પોલીસ હાલ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિને આ જ રીતે નિશાન બનાવવામાં આવ્યા છે કે નહીં તેમજ આ પ્રકારના અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.





