રાજકોટમાં આમ આદમી પાર્ટી (AAP)માંથી જેતપુર-નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનાર 23 વર્ષીય નંદની બોસમીયાના રહસ્યમય મોતે અનેક સવાલો ઊભા કર્યા છે. ગોંડલ ચોકડી નજીક આવેલા ફ્લેટમાંથી 22 જૂને નંદનીનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ આત્મહત્યાની દિશામાં આગળ વધી રહી છે, પરંતુ મૃતકના પરિવારજનોએ લિવ-ઇન પાર્ટનર અસલમ હુસેન સમા પર હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જેના કારણે સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બન્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો. સ્થળ પરથી મળેલા પ્રાથમિક પુરાવા અને અન્ય પરિસ્થિતિઓના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, પોલીસનું કહેવું છે કે અંતિમ નિષ્કર્ષ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવા મળ્યા બાદ જ કાઢવામાં આવશે.
લિવ-ઇન સંબંધમાં મતભેદ હોવાનો પ્રાથમિક ખુલાસો
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ નંદની અને તેના લિવ-ઇન પાર્ટનર અસલમ હુસેન છેલ્લા કેટલાક મહિનાથી રાજકોટમાં સાથે રહેતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વારંવાર ઝઘડા થતા હતા. અસલમ પરિણીત હોવાથી તે પોતાની પત્ની અને સંતાનને મળવા જતો રહેતો હતો, જેને કારણે બંને વચ્ચે મતભેદ વધ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ હાલમાં બંનેના મોબાઇલ ફોન, કોલ ડિટેઇલ્સ, ચેટ હિસ્ટ્રી અને અન્ય ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરી રહી છે, જેથી ઘટનાની વાસ્તવિક હકીકત સામે આવી શકે.
આ પણ વાંચો: 27 લાખના 'ચા-નાસ્તા' બાદ હવે '9 લાખનું મિનરલ વોટર' : જંગલેશ્વર ડિમોલિશનમાં અધિકારીઓએ ધરાઇને 'ખાધું-પીધું'!
પરિવારનો સીધો હત્યાનો આક્ષેપ
મૃતકની બહેન રૂપલ બોસમીયાએ પોલીસની પ્રાથમિક થિયરીને નકારી કાઢી છે. પરિવારનો આરોપ છે કે અસલમ નંદનીને સતત માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો. તેમણે એવો પણ દાવો કર્યો છે કે અગાઉ જૂનાગઢમાં અસલમના પરિવારજનોએ નંદની પર હુમલો કર્યો હતો. પરિવારનું કહેવું છે કે અસલમે જ નંદનીની હત્યા કરીને સમગ્ર ઘટનાને આત્મહત્યાનો આકાર આપવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત, ઘટનાના બાદથી અસલમનો સંપર્ક ન થતો હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે. જોકે, આ તમામ આક્ષેપોની પોલીસ દ્વારા હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને તેની તપાસ ચાલી રહી છે.
મોત પહેલાં બહેનને કર્યો હતો અંતિમ મેસેજ
તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. પરિવારના જણાવ્યા મુજબ, મૃત્યુ પહેલાં નંદનીએ પોતાની બહેનને મેસેજ કરીને જણાવ્યું હતું કે હવે તે અસલમ સાથે રહી શકે તેમ નથી. તેણે પોતાના સોનાના દાગીના ગીરવે મૂકી દીધા હોવાનું અને હવે ઘરે પરત ફરવું પણ મુશ્કેલ હોવાનું પણ લખ્યું હતું. આ મેસેજ મળ્યા બાદ પરિવારજનોએ રાજકોટમાં ઓળખીતાઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ સ્થળે પહોંચે તે પહેલાં જ નંદનીનું મોત થઈ ગયું હતું.
આ પણ વાંચો: 'પત્રકારોના નામે પોતાની ભૂલ ન છુપાવો' : જંગલેશ્વર 'નાસ્તા-પાણી' મુદ્દે ભાજપના પૂર્વ કોર્પોરેટરે મનપાને આડે હાથ લીધું!
પોલીસે શું કહ્યું?
રાજકોટ ઝોનના એસીપી બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મુદ્દો સામે આવી રહ્યો છે. જોકે પરિવાર દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિત તમામ વૈજ્ઞાનિક તપાસ કરાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે અસલમના મોબાઇલ લોકેશન, કોલ રેકોર્ડ, ડિજિટલ પુરાવા તેમજ અન્ય તમામ ટેકનિકલ પાસાઓની તપાસ ચાલી રહી છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વિવિધ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. અંતિમ ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે જ નંદનીનું મોત આત્મહત્યા હતું કે હત્યા, તે અંગે સ્પષ્ટતા થશે.
તપાસના પરિણામ પર સૌની નજર
નંદની બોસમીયાનું મોત હાલ રહસ્યમય સંજોગોમાં નોંધાયું છે. એક તરફ પરિવાર ગંભીર આરોપો મૂકી રહ્યો છે, જ્યારે બીજી તરફ પોલીસ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવાનું ટાળી રહી છે. હવે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મોબાઇલ ડેટા અને અન્ય ટેકનિકલ પુરાવાઓ આ કેસમાં સૌથી મહત્વની કડી સાબિત થઈ શકે છે.





