રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી મેગા ડિમોલિશન કાર્યવાહી દરમિયાન થયેલા ખર્ચને લઈને વિવાદ સતત ઘેરો બની રહ્યો છે. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયેલા રૂ. 27 લાખથી વધુના જમણવાર અને રિફ્રેશમેન્ટના બિલને પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું. હવે આ વિવાદ વચ્ચે પાણી, ચા અને મંડપના ખર્ચને લગતા બિલો પણ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.
આ સમગ્ર મામલે હવે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મુખ્ય દંડક વિનુભાઈ ધવાએ પણ રાજકોટ મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે ડિમોલિશન દરમિયાન ભોજન અને ચા-પાણીના નામે લાખો રૂપિયાના ખોટા બિલ તૈયાર કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ થવી જોઈએ.
"અમારે ત્રણ દિવસ ભોજન આપ્યું, ખર્ચ માત્ર રૂ. 5.5 લાખ થયો"
વિનુભાઈ ધવાએ જણાવ્યું કે તેમની સંસ્થા સહિત અનેક સેવાભાવી સંસ્થાઓએ ડિમોલિશન દરમિયાન સતત ત્રણ દિવસ સુધી ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી. તેમના જણાવ્યા મુજબ, ત્રણ દિવસના ફૂડ પેકેટ, છાશ, ઠંડાં પીણાં અને નાસ્તા સહિતનો કુલ ખર્ચ અંદાજે રૂ. 5.5 લાખ થયો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે અનેક સામાજિક સંસ્થાઓ નિઃશુલ્ક સેવા આપી રહી હતી ત્યારે મહાનગરપાલિકા તરફથી રૂ. 27 લાખનું ફૂડ બિલ કેવી રીતે તૈયાર થયું? તેમના મતે આ ખર્ચની વિગતવાર તપાસ થવી જરૂરી છે. વિનુભાઈ ધવાએ વધુમાં એવો પણ દાવો કર્યો કે ઘણા સરકારી કર્મચારીઓ પોતાનું ટિફિન લઈને આવતા હતા અથવા વિવિધ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા ભોજનનો લાભ લેતા હતા. તેથી દર્શાવાયેલા ખર્ચ અંગે અનેક શંકાઓ ઊભી થાય છે.
આ પણ વાંચો: રાજકોટ મનપામાં 'ચા-નાસ્તા કાંડ'? : જંગલેશ્વર ડિમોલેશન સમયે અધિકારીઓએ ₹27 લાખનો કર્યો નાસ્તો, બિલ ના થયું પાસ
ચા, પાણી અને મંડપના બિલ પર પણ સવાલ
પૂર્વ કોર્પોરેટરે ચાના બિલ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ સામાન્ય રીતે રૂ. 10થી 12માં મળતી ચાના બદલે બિલમાં પ્રતિ કપ રૂ. 22નો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જે યોગ્ય લાગતું નથી. આ ઉપરાંત પાણીના ખર્ચ અને ડિમોલિશન સ્થળે ઊભા કરાયેલા મંડપના લાખો રૂપિયાના બિલને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમના મતે સમગ્ર ખર્ચનું વિજિલન્સ દ્વારા ઓડિટ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
"પત્રકારોના નામે પોતાની ભૂલ ન છુપાવો"
તાજેતરમાં આરોગ્ય વિભાગના એક અધિકારીએ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો માટે કાજુ કતરી અને અન્ય મીઠાઈ મંગાવવામાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું. આ મુદ્દે વિનુભાઈ ધવાએ પણ વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે પત્રકારો શું પીરસવું તે નક્કી કરતા નથી અને આવી બાબતો માટે મીડિયાનું નામ આગળ ધરી પોતાની ભૂલો ઢાંકવાનો પ્રયાસ ન થવો જોઈએ. તેમના જણાવ્યા મુજબ વર્ષોથી યોજાતી પત્રકાર પરિષદોમાં સામાન્ય ચા-નાસ્તાની જ વ્યવસ્થા થતી આવી છે.
આ પણ વાંચો: 27 લાખના 'ચા-નાસ્તા' બાદ હવે '9 લાખનું મિનરલ વોટર' : જંગલેશ્વર ડિમોલિશનમાં અધિકારીઓએ ધરાઇને 'ખાધું-પીધું'!
વિજિલન્સ તપાસની માંગ
વિનુભાઈ ધવાએ રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને સમગ્ર મામલે વ્યક્તિગત રસ લઈને વિજિલન્સ તપાસ કરાવવાની માંગ કરી છે. તેમણે સ્વતંત્ર કમિટીની રચના કરીને તમામ બિલોની ચકાસણી કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ફૂડ, પાણી અને અન્ય ખર્ચ અંગે કરવામાં આવેલા આક્ષેપો હાલ જાહેર નિવેદનો પર આધારિત છે. રાજકોટ મહાનગરપાલિકા અથવા સંબંધિત અધિકારીઓ તરફથી આક્ષેપો અંગે વિગતવાર સત્તાવાર સ્પષ્ટતા જાહેર થવાની બાકી છે. સ્ટેન્ડિંગ કમિટીએ હાલ સંબંધિત બિલોને પેન્ડિંગ રાખ્યા હોવાથી તપાસ અને આગામી નિર્ણય પર સૌની નજર છે.





