અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વર્ષ 2024માં બનેલી રૂ. 1.51 કરોડની ફાયરિંગ સાથેની લૂંટના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. ઝોન-3 એલસીબી અને ખાડિયા પોલીસની સંયુક્ત કામગીરીમાં આ હાઈ-પ્રોફાઇલ લૂંટનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. કેસમાં મુખ્ય આરોપીની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીમાંથી એરફોર્સના કોર્પોરલ દીપક પ્રતાપસિંહની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી એક પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે સમગ્ર કાવતરું અને ગુનાની પદ્ધતિ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
ખૂબ જ ચાલાકીથી આચર્યો હતો ગુનો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ગુનો આચરતી વખતે પોતાની ઓળખ અને પુરાવા છુપાવવા માટે ખાસ સાવચેતી રાખી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળે ફિંગરપ્રિન્ટ ન રહી જાય તે માટે આરોપીએ અત્યંત સાવચેતીપૂર્વક સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો. તેમ છતાં ટેકનિકલ સર્વેલન્સ, માનવ ગુપ્તચર માહિતી અને વિવિધ પુરાવાઓના આધારે ઝોન-3 એલસીબી અને ખાડિયા પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
આ પણ વાંચો: 27 લાખના 'ચા-નાસ્તા' બાદ હવે '9 લાખનું મિનરલ વોટર' : જંગલેશ્વર ડિમોલિશનમાં અધિકારીઓએ ધરાઇને 'ખાધું-પીધું'!
વધુ તપાસ ચાલુ
હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. લૂંટની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં, લૂંટાયેલી રકમનું શું થયું અને ઘટનાના અન્ય પાસાઓ અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ આગામી દિવસોમાં વધુ ખુલાસા કરે તેવી શક્યતા છે.





