Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો નોંધાતા ખરીદદારો અને રોકાણકારો બંનેનું ધ્યાન કિંમતી ધાતુઓના બજાર તરફ ગયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના તાજા આંકડા મુજબ, માત્ર ત્રણ દિવસમાં ચાંદીની કિંમતમાં લગભગ રૂ.22 હજાર પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ પ્રતિ 10 ગ્રામ રૂ.2 હજારથી વધુ સસ્તું થયું છે. છેલ્લા પાંચ મહિનામાં ચાંદી તેના સર્વોચ્ચ ભાવથી લગભગ રૂ.1.70 લાખ પ્રતિ કિલો તૂટી ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાર નિષ્ણાતોનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટેલી ભૂરાજકીય અનિશ્ચિતતા, મજબૂત અમેરિકી ડોલર અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદર સંબંધિત સંકેતોને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણમાંથી બહાર નીકળતા સોના અને ચાંદીના ભાવમાં સતત નરમાઈ જોવા મળી રહી છે.
આજે સોના અને ચાંદીના નવા ભાવ
IBJAના જણાવ્યા અનુસાર, આજે 24 કેરેટ સોનાની કિંમતમાં રૂ.2,156નો ઘટાડો નોંધાયો છે. હવે 10 ગ્રામ 24 કેરેટ સોનું રૂ.1,40,022 પર આવી ગયું છે, જ્યારે અગાઉ તેનો ભાવ રૂ.1,42,178 હતો.
બીજી તરફ, એક કિલો ચાંદીના ભાવમાં આજે રૂ.6,550નો ઘટાડો નોંધાયો છે અને તેનો ભાવ રૂ.2,15,485 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે માત્ર ત્રણ દિવસમાં ચાંદી લગભગ રૂ.22 હજાર પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે.
કેરેટ પ્રમાણે સોનાના તાજા ભાવ
24 કેરેટ: રૂ.1,40,022 પ્રતિ 10 ગ્રામ
22 કેરેટ: રૂ.1,28,260 પ્રતિ 10 ગ્રામ
18 કેરેટ: રૂ.1,05,017 પ્રતિ 10 ગ્રામ
14 કેરેટ: રૂ.81,913 પ્રતિ 10 ગ્રામ
દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાના ભાવ
દેશના મોટા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવ લગભગ સમાન રહ્યા છે.
દિલ્હી – રૂ.1,40,280
મુંબઈ – રૂ.1,40,130
કોલકાતા – રૂ.1,40,130
જયપુર – રૂ.1,40,280
ભોપાલ – રૂ.1,40,180
પટના – રૂ.1,40,180
લખનઉ – રૂ.1,40,280
રાયપુર – રૂ.1,40,130
અમદાવાદ – ₹1,40,180
પાંચ મહિનામાં સોના-ચાંદીમાં કેટલો ઘટાડો?
વર્ષ 2026ની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા હતા. 29 જાન્યુઆરીએ સોનું રૂ.1,76,121 પ્રતિ 10 ગ્રામના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. હાલ તે ભાવથી લગભગ રૂ.36 હજાર જેટલું સસ્તું થઈ ગયું છે. ચાંદીમાં તો વધુ મોટો ઘટાડો નોંધાયો છે. 29 જાન્યુઆરીએ ચાંદી રૂ.રૂ.3,85,933 પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. આજે તેનો ભાવ ઘટીને રૂ.2,15,485 રહ્યો છે. એટલે કે લગભગ 147 દિવસમાં ચાંદીના ભાવમાં રૂ.1.70 લાખ પ્રતિ કિલોનો ઘટાડો થયો છે.
સોના-ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે?
તાજેતરના ઘટાડા પાછળ અનેક આંતરરાષ્ટ્રીય અને આર્થિક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. સૌથી મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો યુદ્ધવિરામ કરાર છે. પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતા રોકાણકારોએ સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોના અને ચાંદીમાંથી નફો બુક કરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદર ઘટાડવાની સંભાવના ઓછી દર્શાવતા અમેરિકી ડોલર વધુ મજબૂત બન્યો છે. સામાન્ય રીતે ડોલર મજબૂત થાય ત્યારે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની માંગ ઘટે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, તાજેતરમાં કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ મોટા રોકાણકારોએ નફાવસૂલી પણ કરી છે. સાથે જ ગોલ્ડ અને સિલ્વર ETFમાં ભારે વેચવાલી થતાં કિંમતો પર વધુ દબાણ આવ્યું છે.
સોનું ખરીદતા પહેલા આ બે બાબતોનું રાખો ધ્યાન
જો તમે હાલના ઘટાડા વચ્ચે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. સૌપ્રથમ, હંમેશા BIS હોલમાર્કવાળું પ્રમાણિત સોનું જ ખરીદો. હોલમાર્ક સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે. બીજું, ખરીદી કરતા પહેલા અલગ-અલગ વિશ્વસનીય સ્ત્રોતો પરથી તે દિવસના સોનાના ભાવની ચકાસણી કરો. 24, 22 અને 18 કેરેટના સોનાના ભાવ અલગ-અલગ હોય છે, તેથી યોગ્ય માહિતી મેળવીને જ ખરીદી કરવી વધુ ફાયદાકારક બની શકે છે.





