Home Business Stock Market Bank Holiday Three Days Muharram June 2026

રોકાણકારો અને ગ્રાહકો માટે મહત્વના સમાચાર : આગામી 3 દિવસ નહીં ખૂલે શેરબજાર! બેંકો પણ રહેશે બંધ

Stock Market Holiday, Bank Holiday
Published by: Nirali Gohil
Last Updated: Jun 25, 2026, 12:26 PM IST

Stock Market Holiday: જો તમે શેરબજારમાં ટ્રેડિંગ કરો છો અથવા આગામી દિવસોમાં બેંક સંબંધિત કોઈ મહત્વનું કામ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. શુક્રવારથી શરૂ થઈને રવિવાર સુધી સતત ત્રણ દિવસ શેરબજાર બંધ રહેશે. આ દરમિયાન માત્ર ટ્રેડિંગ જ નહીં, પરંતુ શેર વેચાણની રકમનું સેટલમેન્ટ પણ અસરગ્રસ્ત થઈ શકે છે. બીજી તરફ દેશભરની બેંકોમાં પણ રજાઓ હોવાથી શાખાઓમાં જઈને થતી સેવાઓ ઉપલબ્ધ નહીં હોય. મુહર્રમના અવસર પર શુક્રવારે શેરબજાર અને બેંકોમાં જાહેર રજા રહેશે. ત્યારબાદ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકોમાં નિયમિત રજા રહેશે અને રવિવારે સાપ્તાહિક રજાના કારણે પણ બેંકો બંધ રહેશે. તેથી આગામી ત્રણ દિવસ સુધી ગ્રાહકોએ પોતાના બેંકિંગ અને રોકાણ સંબંધિત કામનું યોગ્ય આયોજન કરવું જરૂરી છે.

શુક્રવારે શેરબજારમાં નહીં થાય કોઈ ટ્રેડિંગ

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના સત્તાવાર હોલિડે કેલેન્ડર અનુસાર મુહર્રમના કારણે શુક્રવાર, 26 જૂન 2026ના રોજ ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્સ અને અન્ય મુખ્ય સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. રોકાણકારો આ દિવસે શેર ખરીદી કે વેચાણ કરી શકશે નહીં. જો તમે ગુરુવારે શેર વેચ્યા હશે તો રજાના કારણે સેટલમેન્ટ પ્રક્રિયા પણ ટ્રેડિંગ કેલેન્ડર મુજબ આગળના કાર્યકારી દિવસે પૂર્ણ થશે.

આ પણ વાંચો: સોના-ચાંદીના ખરીદદારો માટે સારા સમાચાર : ઓલ ટાઇમ હાઇથી સોના ચાંદી સરક્યા, જાણો અમદાવાદથી રાજકોટ સુધી 24K-22Kના લેટેસ્ટ ભાવ

બેંકો પણ રહેશે સતત ત્રણ દિવસ બંધ

મુહર્રમના કારણે શુક્રવારે દેશના મોટા ભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. ત્યારબાદ મહિનાનો ચોથો શનિવાર હોવાથી શનિવારે પણ બેંક શાખાઓમાં કામકાજ નહીં થાય અને રવિવારે નિયમિત સાપ્તાહિક રજાના કારણે પણ બેંકો બંધ રહેશે. જો તમારે ચેક જમા કરાવવો હોય, ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવો હોય અથવા શાખામાં જઈને કોઈ મહત્વનું કામ કરવાનું હોય તો તે અગાઉથી પૂર્ણ કરી લેવું વધુ યોગ્ય રહેશે.

ઓનલાઈન બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે

જોકે બેંકની શાખાઓ બંધ રહેશે, પરંતુ ગ્રાહકો માટે ડિજિટલ બેંકિંગ સેવાઓ યથાવત ઉપલબ્ધ રહેશે. UPI, મોબાઇલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ અને ATM દ્વારા રોકડ ઉપાડવા સહિતની સુવિધાઓનો ઉપયોગ કરી શકાશે. તેથી રોજિંદા ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં કોઈ ખાસ મુશ્કેલી નહીં આવે, પરંતુ શાખા આધારિત સેવાઓ માટે આગામી કાર્યકારી દિવસ સુધી રાહ જોવી પડશે.

આ પણ વાંચો: ત્રણ દિવસમાં ચાંદી રૂ.22,000 સસ્તી : સોનામાં પણ રૂ.16,000 નો ઘટાડો, જાણો આજના નવા ભાવ

શેરબજારની આગામી રજા ક્યારે?

NSE અને BSEના 2026ના હોલિડે કેલેન્ડર મુજબ મુહર્રમ બાદ શેરબજારની આગામી સત્તાવાર રજા 14 સપ્ટેમ્બર 2026ના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે રહેશે. આ દિવસે પણ બંને મુખ્ય સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડિંગ બંધ રહેશે.

રોકાણકારો અને ગ્રાહકો માટે શું કરવું?

નિષ્ણાતોનું કહેવું છે કે, લાંબી રજાઓ પહેલાં રોકાણકારોએ પોતાના ટ્રેડિંગ અને સેટલમેન્ટનું આયોજન કરી લેવું જોઈએ. સાથે જ બેંક ગ્રાહકોએ પણ ચેક ક્લિયરન્સ, RTGS/NEFT અથવા અન્ય શાખા આધારિત કામો સમયસર પૂર્ણ કરી લેવા જોઈએ જેથી રજાઓ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now