આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે કહ્યું – "રામાયણ માત્ર ગ્રંથ નહીં, જીવન જીવવાની માર્ગદર્શિકા"; રાજ્યપાલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવવાહી કથાનું આયોજન
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના છઠ્ઠા દિવસે કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે રામાયણના અત્યંત કરુણ અને ભાવસભર પ્રસંગોનું રસાળ વર્ણન કરીને શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા. શ્રીરામના વનગમન, રાજા દશરથના દેહવિલય અને રામ-ભારતના નિઃસ્વાર્થ ભ્રાતૃપ્રેમના પ્રસંગો દ્વારા તેમણે કર્મફળ, ત્યાગ અને સમર્પણ જેવા જીવનમૂલ્યોને ઉજાગર કર્યા હતા.
કથા દરમિયાન આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામનો વનવાસ માત્ર એક ઐતિહાસિક ઘટના નહોતો, પરંતુ કર્મના અચૂક સિદ્ધાંતનું જીવંત ઉદાહરણ હતો. તેમણે રાજા દશરથ અને શ્રવણકુમારના માતા-પિતાના શ્રાપનો પ્રસંગ વર્ણવતા સમજાવ્યું કે જીવનમાં કરેલા દરેક કર્મનું પરિણામ અવશ્ય મળે છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોને ટાંકતા તેમણે કહ્યું કે મનુષ્ય પોતાના કર્મોથી ક્યારેય બચી શકતો નથી અને સારા કે ખરાબ દરેક કર્મનું ફળ સમય આવ્યે ભોગવવું જ પડે છે.
રામ-ભરતના ત્યાગને સમાજ માટે આદર્શ ગણાવ્યો
આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે ભરતના પાત્રને રામાયણનું શ્રેષ્ઠ આદર્શ ગણાવતા જણાવ્યું કે સાચો ત્યાગ અને સમર્પણ એકતરફી નથી હોતો. જ્યારે ભરતને સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે પોતાની માતા કૈકેયીને પણ કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો અને અયોધ્યાની રાજગાદી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તેઓ શ્રીરામને પરત લાવવા વનમાં પહોંચ્યા હતા, પરંતુ શ્રીરામે પિતાના વચનને સર્વોપરી માનતા અયોધ્યા પરત આવવાનો ઇનકાર કર્યો હતો.
આ પ્રસંગે આચાર્યશ્રીએ પ્રસિદ્ધ પંક્તિ રજૂ કરી – "રાજગાદી કી ગેંદ બનાકર ખેલન લગે ખિલાડી, ઉધર રામ ને ઇધર ભરત ને દોનો ને ઠોકર મારી" – જેના માધ્યમથી તેમણે બંને ભાઈઓના ત્યાગ, વૈરાગ્ય અને આદર્શ જીવનમૂલ્યોનું સુંદર નિરૂપણ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે જ્યાં સત્તા માટે સંઘર્ષ થતો હોય છે, ત્યાં રામ અને ભરત જેવા પાત્રો રાજસિંહાસનનો ત્યાગ કરીને માનવજાતને અનોખો આદર્શ આપે છે.
ચરણ પાદુકાનું પ્રતિક અને જીવન માટેનો સંદેશ
કથાના અંતિમ તબક્કામાં આચાર્યશ્રીએ ભરત દ્વારા શ્રીરામની ચરણ પાદુકાને મસ્તક પર ધારણ કરીને અયોધ્યા પરત ફરવાના પ્રસંગનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ભરતે પ્રતિજ્ઞા લીધી હતી કે જો 14 વર્ષ પૂર્ણ થયા બાદ પણ શ્રીરામ અયોધ્યા પરત નહીં ફરે તો તેઓ અગ્નિમાં પ્રવેશ કરશે. આ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાઓ ભાવુક બની ગયા હતા.
અંતમાં આચાર્યશ્રીએ સંદેશ આપ્યો કે રામાયણ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવનને યોગ્ય દિશા આપતી માર્ગદર્શિકા છે. સમાજમાં જો રામ અને ભરત જેવા ત્યાગ, સમર્પણ, વચનપાલન અને ભાઈચારાના મૂલ્યો અપનાવવામાં આવે તો વિવાદ અને કલેશ માટે કોઈ સ્થાન રહે નહીં.
કાર્યક્રમની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, લોકસભા સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસ, અગ્રણી ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તથા સામાજિક કાર્યકર્તા રામસિંહ કુલહરીના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી. આ પ્રસંગે આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લેડી ગવર્નર દર્શના દેવીજી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આમંત્રિત મહેમાનો, લોકભવન પરિવાર અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યું હતું.










