Surendranagar Bridge: ગુજરાત સરકાર ભલે રાજ્યમાં 'વિકાસ'ના મોટા-મોટા દાવા કરતી હોય, પરંતુ સુરેન્દ્રનગરમાંથી વધુ એક વિકાસના કામમાં ભ્રષ્ટાચારનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના બોરાણા નજીક ગ્રામજનોની અવરજવર માટે અત્યંત મહત્વનો ગણાતો એક પુલ લોકાર્પણના માત્ર 36 જ દિવસમાં ધરાશાયી થઈ ગયો છે. પત્તાના મહેલની જેમ તૂટી પડેલા આ પુલને કારણે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત ખુલ્લી પડી ગઈ છે, જેને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માત્ર ૩૬ દિવસમાં જ પોપડા ઉખડ્યા, ભ્રષ્ટાચારની પોલ ખુલી
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બોરાણા નજીક નાળા પર આ પુલ બનાવવામાં આવ્યો હતો. આ પુલ ગ્રામજનો માટે અવરજવરનો મુખ્ય માર્ગ છે. ભારે હોબાળા અને લાંબી રાહ જોયા બાદ આ પુલને માત્ર ૩૬ દિવસ પહેલાં જ જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ નબળી ગુણવત્તાના કામના કારણે ગણતરીના દિવસોમાં જ પુલના પોપડા ઉખડવા લાગ્યા હતા અને જોતજોતામાં આખો પુલ કડડભૂસ થઈને તૂટી પડ્યો હતો. સદનસીબે પુલ તૂટ્યો તે સમયે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ વિકાસના કામોમાં કેવી લાલિયાવાડી ચાલે છે તેનો જીવતો જાગતો પુરાવો આ ઘટના છે.
કોન્ટ્રાક્ટરની નિર્લજ્જતા: 'અમારે ટકાવારી આપવાની હોય એટલે કામ નબળું જ થાય!'
આ મામલે ગ્રામજનોએ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જ્યારે પુલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ મટીરિયલ અત્યંત નબળી ક્વોલિટીનું વપરાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે ગ્રામજનોએ જે-તે સમયે હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી. ગ્રામજનોની રજૂઆત સાંભળીને કોન્ટ્રાક્ટરે અત્યંત નિર્લજ્જ જવાબ આપતા કહ્યું હતું કે, "અમારે ઉપર સુધી ટકાવારી (કમિશન) આપવાની હોય, એટલે કામ તો આવું જ નબળું થશે!"
મહેમદાવાદમાં જુગારની રેડ બાદ પકડાયેલા આધેડનું પોલીસ કસ્ટડીમાં મોત : પરિવારના ગંભીર આક્ષેપોથી હોબાળો
કોન્ટ્રાક્ટરના આ વિવાદાસ્પદ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે. અધિકારીઓ અને નેતાઓને અપાતી 'ટકાવારી'ના ચક્કરમાં જનતાના ટેક્સના પૈસા પાણીમાં વહી રહ્યા છે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.
ગ્રામજનોમાં ભારે રોષ, કડક પગલાંની માંગ
ચાલવા માટેનો મુખ્ય પુલ જ તૂટી જતાં બોરાણા અને આસપાસના ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. "વિકાસના કામોમાં વિનાશ" સમાન આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં તંત્ર સામે ફિટકારની વર્ષા થઈ રહી છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ નબળા કામ માટે જવાબદાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને આંખ આડા કાન કરનારા સરકારી અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાયદાકીય પગલાં લેવામાં આવે અને તેમને જેલ ભેગા કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ ખુલ્લેઆમ થયેલા ભ્રષ્ટાચાર સામે કોઈ કડક એક્શન લે છે કે પછી દર વખતની જેમ તપાસના નામે આ કૌભાંડ પર પણ પડદો પાડી દેવામાં આવશે.





