Home Gujarat Gujarat Lokbhavan Shri Ram Katha Day 7 Gandhinagar

શ્રી રામ કથાગુજરાત લોકભવનમાં ગુંજ્યો રામકથાનો નાદ : ‘આ ચારની ખરી કસોટી આપત્તિના સમયમાં જ થઈ શકે છે’

Gandhinagar News
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2026, 02:54 PM IST

Gandhinagar News: ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના સાતમા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય કુલદીપજી મહારાજે શ્રીરામનો વનવાસ, ઋષિ-મુનિઓના આશ્રમોની મુલાકાત, સીતા હરણ તથા જટાયુના બલિદાનનું ભાવવાહી વર્ણન કર્યું હતું.

આચાર્યએ જણાવ્યું હતું કે, ભરતને ચરણ પાદુકા સોંપીને અયોધ્યા મોકલ્યા બાદ શ્રીરામ દક્ષિણ તરફ આગળ વધ્યા. વનમાં શ્રીરામ વેદોમાં દર્શાવેલા આદર્શો અનુસાર જીવન જીવતા. તેમનું જીવન વેદોની ઋચાઓનું જીવંત ઉદાહરણ છે. આચાર્યએ ઉમેર્યું કે, અત્રિ ઋષિના આશ્રમમાં સતી અનુસૂયાજીએ માતા સીતાને પતિવ્રત ધર્મનો ઉપદેશ આપ્યો અને જણાવ્યું કે, ધીરજ, કર્તવ્ય, મિત્ર અને જીવનસાથી - આ ચારની ખરી કસોટી સુખના સમયમાં નહીં, પરંતુ આપત્તિના સમયમાં જ થઈ શકે છે. શ્રીરામે ઋષિ-મુનિઓના આશ્રમોની મુલાકાત લીધી અને ઋષિઓની નિર્ભયતા માટે તેમણે તે જગ્યાને રાક્ષસોથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો.

આચાર્યએ શૂર્પણખાના પ્રસંગને વિકારોના પ્રતીક તરીકે સમજાવતા કહ્યું કે, જે વ્યક્તિ દિવ્ય પુરુષ અને સત્યના માર્ગમાં વિકાર લઈને આવે છે, તેની અધોગતિ નિશ્ચિત છે. લક્ષ્મણ દ્વારા શૂર્પણખાના નાક-કાન કાપવા એ કુતર્ક અને અહંકારના વિનાશનું પ્રતીક છે. માતા સીતાના હરણ સમયે જટાયુએ જે અદભુત સાહસ અને વીરતા દર્શાવી, તે કર્તવ્યપાલનનું સર્વોચ્ચ ઉદાહરણ છે.

આચાર્યએ જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ ધર્મના માર્ગ પર ચાલીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે, ત્યારે તેને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે, જેનું ઉત્તમ ઉદાહરણ જટાયુ છે. રામાયણના આ માર્મિક પ્રસંગો અને ભજન-કિર્તનના સૂરથી લોકભવનનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રોતાઓ આ કથા સાંભળીને ભાવવિભોર થઈ ગયા હતા.

આ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા તથા સાંસદ દેવુસિંહ ચૌહાણે દીપ પ્રાગટય કર્યું હતું તથા આચાર્ય કુલદીપજી મહારાજનું ફુલહાર દ્વારા સન્માન કર્યું હતું. લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી અને ગુજરાત વેદ પ્રચાર પ્રસાર સમિતિના અધ્યક્ષ ખુમાનસિંહ વાંસિયા, આમંત્રિત મહેમાનો, લોકભવન પરિવાર તથા નગરજનોએ ઉપસ્થિત રહીને કથાનું રસપાન કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now