આંગડિયા પેઢીની તિજોરી તોડવાનો પ્રયાસ CCTV માં કેદ; ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી, તપાસનો ધમધમાટ શરૂ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં તસ્કરોએ ફરી એકવાર પોલીસને પડકાર ફેંક્યો છે. શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા હરિઓમ માર્કેટમાં આવેલી કુલ છ દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ એક જ રાત્રે તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે વેપારીઓમાં ચિંતાનો માહોલ ફેલાયો છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, તસ્કરોએ હરિઓમ માર્કેટમાં આવેલી ચાર આંગડિયા પેઢી સહિત અન્ય બે દુકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કેટલીક જગ્યાએ ચોરીનો પ્રયાસ સફળ રહ્યો હતો કે નહીં અને કેટલું નુકસાન થયું છે, તે અંગે પોલીસ દ્વારા વિગતવાર તપાસ ચાલી રહી છે.
આંગડિયા પેઢીની તિજોરી તોડવાનો પ્રયાસ CCTVમાં કેદ
ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તસ્કરો આંગડિયા પેઢીમાં ઘૂસીને તિજોરી તોડવાનો પ્રયાસ કરતા નજરે પડે છે. આ ફૂટેજના આધારે પોલીસ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવા અને તેમની હિલચાલ અંગે તપાસ કરી રહી છે.
વેપારીઓએ સવારે દુકાનો ખોલવા પહોંચતા તાળા તૂટેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી પુરાવાઓ એકત્ર કર્યા હતા.
પોલીસે CCTV કબજે લઈ તપાસ શરૂ કરી
પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV ફૂટેજ કબજે લીધા છે. ઉપરાંત ફોરેન્સિક અને ટેકનિકલ તપાસની મદદથી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચોરી દરમિયાન કેટલો મુદ્દામાલ ગાયબ થયો છે તેની માહિતી વેપારીઓના નિવેદન અને દુકાનોની તપાસ બાદ સ્પષ્ટ થશે.
એક જ વિસ્તારમાં એક સાથે અનેક દુકાનોને નિશાન બનાવવાની ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે કેસના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે અને CCTV સહિતના પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.





