કતારના એલએનજી (LNG) ગેસ પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામના 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારીયાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. અકસ્માતમાં ગંભીર રીતે દાઝી જતાં તેઓ સારવાર હેઠળ હતા, પરંતુ તબીબોના તમામ પ્રયાસો છતાં તેમનું જીવન બચાવી શકાયું નહોતું.
કિરીટ કણજારીયાના નિધનના સમાચાર વતન પહોંચતા હર્ષદપુર ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. બાદમાં તેમનો પાર્થિવ દેહ વતન પહોંચાડવામાં આવતા પરિવારજનો, સગા-સંબંધીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
પરિવાર માટે વિદેશ ગયા, આઠ મહિનામાં જ કરુણ અંત
કિરીટ કણજારીયા પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા અને પરિવારના ભરણપોષણ માટે આશરે આઠ મહિના પહેલાં રોજગારી માટે કતાર ગયા હતા. તેઓ એલએનજી ગેસ પ્લાન્ટમાં નોકરી કરી રહ્યા હતા. પરંતુ અચાનક સર્જાયેલા ભયાનક બ્લાસ્ટે તેમના પરિવારના તમામ સપનાઓ તોડી નાખ્યા. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, કિરીટ મહેનત કરીને પોતાના પરિવારને સુખી જીવન આપવા માંગતા હતા, પરંતુ નસીબે કંઈક જુદું જ મંજૂર કર્યું હતું.
આ પણ વાંચો: ચોટીલાના નાવા ગામે સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિઓ ઝડપાઈ : પ્રાંત અધિકારીની અચાનક તપાસમાં ચોખા-ખાંડના જથ્થામાં મળી ઘટ
પત્ની અને બે સંતાનો નિરાધાર બન્યા
કિરીટ કણજારીયાના અવસાનથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમની પાછળ પત્ની, છ વર્ષનો પુત્ર અને દોઢ વર્ષની પુત્રી છે. નાની ઉંમરે જ બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા ગામમાં શોકની લાગણી વધુ ગાઢ બની હતી. પરિવારના સભ્યો અને સગા-સંબંધીઓનું આક્રંદ જોઈ અંતિમ દર્શન માટે આવેલા લોકો પણ ભાવુક બની ગયા હતા.
પાર્થિવ દેહ પહોંચતા આખું ગામ ઉમટી પડ્યું
કિરીટ કણજારીયાનો પાર્થિવ દેહ હર્ષદપુર ગામ ખાતે પહોંચતા મોટી સંખ્યામાં ગ્રામજનો, મિત્રો અને સમાજના આગેવાનો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. સતવારા સમાજ સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. અંતિમ દર્શન બાદ ગામમાં શોકમય વાતાવરણ વચ્ચે તેમની અંતિમયાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ધાર્મિક વિધિ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પ્રથમ વખત દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા 6 જવાનોના નામ જાહેર : નેશનલ વોર મેમોરિયલમાં મળ્યું અમર સ્થાન
વિદેશમાં કામ કરતા ગુજરાતીઓની સુરક્ષા ફરી ચર્ચામાં
કતારમાં બનેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર વિદેશમાં કામ કરતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતના શ્રમિકોની સુરક્ષા અંગે ચર્ચા જગાવી છે. રોજગાર માટે વિદેશ જતાં અનેક યુવાનો જોખમી ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરતા હોય છે, જ્યાં અકસ્માતો ગંભીર પરિણામો લાવી શકે છે. કિરીટ કણજારીયાના નિધનથી માત્ર તેમનો પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર હર્ષદપુર ગામ શોકમાં ગરકાવ થયું છે. ગામલોકોએ પરિવારને સાંત્વના પાઠવી સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા પરિવારને શક્ય તમામ સહાય મળે તેવી આશા વ્યક્ત કરી છે.






