Home National Operation Sindoor Martyrs Names Officially Released National War Memorial

પ્રથમ વખત દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા 6 જવાનોના નામ જાહેર : નેશનલ વોર મેમોરિયલમાં મળ્યું અમર સ્થાન

Operation Sindoor Martyrs Names Officially Released
Image Credit: @nabilajamal_
Published by: Nirali Gohil
Last Updated: Jun 27, 2026, 11:39 AM IST

Operation Sindoor Martyrs Names Officially Released: દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા સૈનિકોનું બલિદાન હંમેશા રાષ્ટ્રની સ્મૃતિમાં જીવંત રહે છે. હવે કેન્દ્ર સરકારે ઑપરેશન સિંદૂર દરમિયાન શહીદ થયેલા ભારતીય સશસ્ત્ર દળોના છ જવાનોને સત્તાવાર રીતે રાષ્ટ્રીય સન્માન આપતાં તેમના નામ જાહેર કર્યા છે. આ પહેલીવાર છે જ્યારે સરકારે જાહેર રીતે ઑપરેશન સિંદૂર દરમિયાન થયેલા સૈન્ય નુકસાનને સ્વીકારતાં શહીદ જવાનોની ઓળખ દેશ સમક્ષ મૂકી છે. નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (નેશનલ વોર મેમોરિયલ) ખાતે આવેલા ‘રોલ ઑફ ઑનર’માં હવે આ છ બહાદુર જવાનોનાં નામ સદાય માટે અંકિત કરવામાં આવ્યા છે. દેશની સુરક્ષા માટે આપેલા તેમના સર્વોચ્ચ બલિદાનને આ રીતે ઔપચારિક અને કાયમી સન્માન આપવામાં આવ્યું છે. આ નિર્ણય માત્ર શહીદોના પરિવારજનો માટે ગૌરવની ક્ષણ નથી, પરંતુ સમગ્ર દેશ માટે ગર્વ અને શ્રદ્ધાનું પ્રતિક પણ છે.

નેશનલ વોર મેમોરિયલમાં સામેલ કરાયા શહીદ જવાનોના નામ

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં સ્થાન મેળવનારા છ જવાનોમાં સુબેદાર મેજર પવન કુમાર, હેડક્વાર્ટર 10 ઇન્ફન્ટ્રી બ્રિગેડ સાથે સંકળાયેલા હતા. તેમના ઉપરાંત 4 જમ્મુ એન્ડ કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રીના રાઇફલમેન સુનીલ કુમાર, 5 ફીલ્ડ રેજિમેન્ટના લાન્સ નાયક દિનેશ કુમાર, 851 લાઇટ રેજિમેન્ટના એવિએશન ટેક્નિશિયન મૂડ મુરલીનાયક, 237 ફીલ્ડ વર્કશોપ કંપનીના હવાલદાર સુનીલ કુમાર સિંહ અને ભારતીય વાયુસેનાના સાર્જન્ટ સુરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. આમાંથી રાઇફલમેન સુનીલ કુમારને મરણોત્તર વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે વાયુસેનાના સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને વાયુ સેવા પદક એનાયત કરવામાં આવ્યો હતો. દેશ માટે તેમની અસાધારણ બહાદુરી અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને હવે રાષ્ટ્રીય સ્મારકમાં સદાય માટે સ્થાન મળ્યું છે.

શું હતું ઑપરેશન સિંદૂર?

22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ હુમલા બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી હતી. તેના જવાબમાં ભારતે 7 મે 2025ની વહેલી સવારે ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આવેલા આતંકવાદી માળખાઓ અને તાલીમ કેન્દ્રોને નિશાન બનાવી ચોકસાઈપૂર્વક સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી. ભારતીય સેનાએ આ અભિયાન દરમિયાન અનેક આતંકી ઠેકાણાઓને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો હતો. આ અભિયાન 10 મે સુધી ચાલુ રહ્યું હતું. ત્યારબાદ ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચે થયેલી વાતચીત બાદ જમીન, હવાઈ અને સમુદ્રી મોરચે તમામ પ્રકારની સૈન્ય કાર્યવાહી સ્થગિત કરવા અંગે સહમતિ થઈ હતી.

આ પણ વાંચો: "FIRમાં ચેતનની કોઈ સ્પષ્ટ ભૂમિકા નથી, પોલીસ પાસે કોઈ નક્કર પુરાવા નથી" : ચેતનના વકીલ એડવોકેટ રામ શહાણે નો દાવો

પ્રથમ વખત સત્તાવાર રીતે નોંધાયું સૈન્ય નુકસાન

ઑપરેશન સિંદૂર બાદ અત્યાર સુધી કેન્દ્ર સરકારે જાહેર રીતે શહીદ થયેલા જવાનોની ઓળખ જાહેર કરી નહોતી. જોકે હવે નેશનલ વોર મેમોરિયલની ‘રોલ ઑફ ઑનર’ યાદીમાં તેમના નામ ઉમેરાતા આ અભિયાન દરમિયાન થયેલા સૈન્ય બલિદાનની સત્તાવાર નોંધ લેવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં કોઈપણ જવાનનું નામ સામેલ થવું માત્ર એક સન્માન નથી, પરંતુ તે દેશની સામૂહિક યાદમાં તેમના યોગદાનને અમર બનાવવાનો પ્રયાસ છે. દેશના કરોડો નાગરિકો માટે આ જવાનોની શૌર્યગાથા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

શહીદોના બલિદાનને રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ

ભારતીય સશસ્ત્ર દળોના આ છ જવાનોએ દેશની સુરક્ષા અને આતંકવાદ સામેની લડતમાં પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું. તેમના નામ હવે નેશનલ વોર મેમોરિયલની દિવાલો પર કાયમ માટે અંકિત રહેશે, જ્યાં આવનારી પેઢીઓ તેમના શૌર્ય અને બલિદાનને યાદ કરશે. ઑપરેશન સિંદૂરના આ શહીદોને મળેલું આ સન્માન માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now