Home Gujarat Ahmedabad Amit Shah Disha Meeting Gandhinagar Farmers Pmjay Directions

અમિત શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં 'દિશા' બેઠક : ખેડૂતો, શિક્ષણ અને વરિષ્ઠ નાગરિકોના મુદ્દે આપ્યા મહત્વપૂર્ણ નિર્દેશ

amit shah
Published by: Chintan Chavda
Last Updated: Jun 27, 2026, 01:30 PM IST

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ (દિશા)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ ફ્લેગશિપ યોજનાઓના અમલીકરણ, જિલ્લાના વિકાસ કાર્યો અને વિવિધ કલ્યાણકારી યોજનાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને આગામી આયોજન અંગે પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

દરેક ખેડૂત પાસે ઓછામાં ઓછાં બે પશુધન હોય તે માટે સૂચના

અમિત શાહે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકતાં સંબંધિત અધિકારીઓને જિલ્લાના તમામ ખાતેદાર ખેડૂતોનો સર્વે હાથ ધરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં એવો પ્રયાસ થવો જોઈએ કે એકપણ ખેડૂત પશુધન વિના ન રહે અને દરેક ખેડૂતને ઓછામાં ઓછાં બે પશુધન ઉપલબ્ધ થાય. તેમણે વરસાદ ખેંચાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવા તેમજ બિનપિયત વિસ્તારોનો સર્વે કરીને જરૂરી આયોજન કરવાની પણ સૂચના આપી હતી, જેથી ખેડૂતોને સંભવિત મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચો: જેતપર આંદોલનમાં ખેડૂતોની વ્હારે આવી મહિલાઓ : વિશેષ નાટક રજૂ કરીને દર્શાવ્યો પોતાનો વિરોધ

દીકરીઓના શિક્ષણ પર ખાસ ભાર

બેઠક દરમિયાન અમિત શાહે માધ્યમિક કક્ષાએ દીકરીઓના ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવા માટે ત્રણથી ચાર ગામનો ક્લસ્ટર બનાવી નવી શાળાઓ શરૂ કરવાની દિશામાં આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે નવી લાઇબ્રેરીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવાની અને આ લાઇબ્રેરીઓને જિલ્લાકક્ષાની મુખ્ય લાઇબ્રેરી સાથે ડિજિટલ રીતે જોડવાની પણ સૂચના આપી હતી.

મૂળભૂત સુવિધાઓનો સર્વે અને માર્ગ યોજના અંગે સૂચન

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જિલ્લામાં એવા ગામોનો તાત્કાલિક સર્વે કરવાનો નિર્દેશ આપ્યો જ્યાં હજુ ઘરેલુ ગેસ જોડાણ, શૌચાલય, પીવાનું પાણી, સિંચાઈની સુવિધા અથવા વીજળી ઉપલબ્ધ નથી. તેમણે સંબંધિત વિભાગોને આ અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંગે તેમણે સૂચવ્યું કે "ગામ" શબ્દની વ્યાખ્યા વધુ સ્પષ્ટ બનાવવામાં આવે અને ઓછામાં ઓછાં 35 ઘર તથા વીજ જોડાણ ધરાવતા પરા અથવા વસાહતોને પણ માર્ગ સુવિધાના ધોરણોમાં સમાવવાની શક્યતા પર વિચાર કરવામાં આવે.

આ પણ વાંચો: ખેડૂતોને વાવણી માટે મળ્યું આશાનું કિરણ! : IMD એ કરી 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

70 વર્ષથી વધુ વયના તમામ લોકોને PM-JAY કાર્ડ આપવાની સૂચના

અમિત શાહે બેઠક દરમિયાન ખાસ કરીને 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળના કાર્ડ વિના વિલંબ ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સમયસર અને પારદર્શક રીતે લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે કામ કરવું જરૂરી છે.

વિકાસ યોજનાઓની અસરકારક અમલવારી પર ભાર

બેઠક દરમિયાન દિશા સમિતિની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વિકાસ યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય, તેની નિયમિત સમીક્ષા થાય અને લાભાર્થીઓ સુધી તેનો લાભ યોગ્ય રીતે પહોંચે તે માટે દિશા સમિતિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બેઠકમાં લોકસભા સભ્યો, ધારાસભ્યો, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રતિનિધિઓ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now