ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધીમી પડેલી ચોમાસાની ગતિવિધિઓ આગામી દિવસોમાં ફરી તેજ બનવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી 2 અને 3 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનવા અને રાજ્યમાંથી ટ્રફ પસાર થવાના કારણે અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય બનશે. તેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે.
આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને છોટાઉદેપુર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેથી નાગરિકોને વૃક્ષો, નબળા માળખાં અને ખુલ્લી જગ્યાઓથી દૂર રહેવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
સ્થાનિક વહીવટી તંત્રને પણ વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમરેલીના કોવાયા ગામે સિંહ હુમલા કેસમાં મોટો ખુલાસો : વન વિભાગની રિપોર્ટમાં સાબિત થયા 'માનવભક્ષી', 4 સિંહોને 'આજીવન કેદ'
દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું પ્રમાણ ઘટ્યું હતું, પરંતુ હવે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનતાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
માછીમારો માટે મહત્વની ચેતવણી
હવામાન વિભાગે અરબી સમુદ્રમાં પવનની ગતિ વધવાની આગાહી સાથે દરિયાકાંઠાના વિસ્તારો માટે વિશેષ ચેતવણી જાહેર કરી છે. 1 જુલાઈના રોજ દરિયામાં પવન વધુ તેજ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં રહેતા લોકોને પણ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને અનાવશ્યક રીતે દરિયાકિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 0.47 ઇંચ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામ અને કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં નોંધાયો હતો. આ ઉપરાંત વલસાડના વાપી અને જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં 0.35 ઇંચ, મહીસાગરના ગોધરામાં 0.31 ઇંચ, વલસાડ શહેરમાં 0.28 ઇંચ, નર્મદાના સાગબારામાં 0.16 ઇંચ તેમજ રાજકોટ, સુરેન્દ્રનગરના ચુડા અને બનાસકાંઠાના દિયોદરમાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
આ પણ વાંચો: સુમુલ ડેરી ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો : કોંગ્રેસે કથિત ગેરરીતિમાં સંડોવાયેલા ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવાની કરી માંગ
ખેડૂતોમાં ખુશીનો માહોલ
ચોમાસાની ગતિવિધિઓ તેજ બનવાની આગાહીથી ખેડૂતોમાં આશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદના કારણે ખેતી માટે જરૂરી ભેજ ઉપલબ્ધ થવાથી વાવણી અને અન્ય કૃષિ કામગીરીને વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેતી આધારિત વિસ્તારોમાં સારો વરસાદ થવાથી ખરીફ પાકને પણ લાભ થવાની સંભાવના છે. જોકે હવામાન વિભાગે વરસાદ સાથે પવનની શક્યતાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાક અને કૃષિ સાધનોની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવાની પણ સલાહ આપી છે.






