સુરતની અગ્રણી સહકારી સંસ્થા સુમુલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પહેલાં નવો વિવાદ સામે આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે ચૂંટણી અધિકારી સમક્ષ ફરી રજૂઆત કરીને કથિત નાણાકીય ગેરરીતિમાં સંડોવાયેલા ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે સહકારી સંસ્થાના નીતિમૂલ્યો અને પારદર્શિતા જાળવવા માટે ગેરરીતિના આક્ષેપોનો સામનો કરી રહેલા ઉમેદવારો અંગે તપાસ અહેવાલના આધારે નિર્ણય લેવો જરૂરી છે.
દર્શન નાયકે જણાવ્યું કે છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાન સુમુલ ડેરી સાથે જોડાયેલા અનેક પશુપાલકો, મંડળીના પૂર્વ હોદ્દેદારો તેમજ તત્કાલીન પ્રમુખ સામે આશરે ₹1000 કરોડના કથિત ગેરવહીવટ અંગે ફરિયાદો કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ આ ફરિયાદો પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી તેમજ રાજ્ય સરકાર સમક્ષ પણ રજૂ કરવામાં આવી હતી અને કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કરોડોનો ટેક્સ આપતા શાપર-વેરાવળના લોકોની હાલત દયનીય! : પ્રથમ જ વરસાદમાં સર્વિસ રોડ બન્યો તળાવ
રાજ્ય સરકારે તપાસ સોંપી હોવાનો દાવો
દર્શન નાયકના જણાવ્યા અનુસાર, ફરિયાદોના આધારે રાજ્ય સરકારે સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો હતો. તેમના દાવા મુજબ રાજ્યના રજિસ્ટ્રાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને નવસારીના જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કલમ-86 હેઠળનો તપાસ અહેવાલ રાજ્ય રજિસ્ટ્રારને મોકલવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે આ જ તપાસ અને પ્રાથમિક ફરિયાદોની નકલ સાથે 17મી તારીખે ચૂંટણી અધિકારી સમક્ષ પ્રથમ વાંધા અરજી કરવામાં આવી હતી. હવે ફરી એક વખત ચૂંટણી અધિકારીને રજૂઆત કરીને કલમ-86 હેઠળ જવાબદારી નક્કી થઈ હોવાનો દાવો ધરાવતા ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ કરવાની માંગ કરવામાં આવી છે.
"પક્ષ નહીં, સહકારી સંસ્થાના મૂલ્યો મહત્વના"
દર્શન નાયકે જણાવ્યું કે આ રજૂઆતનો કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી, પરંતુ સહકારી સંસ્થાની વિશ્વસનીયતા અને નીતિમૂલ્યો જળવાઈ રહે તે મુખ્ય હેતુ છે. તેમણે કહ્યું કે જો કોઈપણ પક્ષ - ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અથવા અન્ય કોઈ પક્ષ સાથે સંકળાયેલ વ્યક્તિ ગેરરીતિમાં સંડોવાયેલી હોય તો તેના વિરુદ્ધ સમાન ધોરણે કાર્યવાહી થવી જોઈએ.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સહકારી સંસ્થાઓ લોકહિત માટે કાર્ય કરતી સંસ્થાઓ છે અને તેમાં પારદર્શિતા તથા જવાબદારી જળવાઈ રહેવી અત્યંત જરૂરી છે. તેથી ચૂંટણી અધિકારીએ ઉપલબ્ધ તપાસ અહેવાલના આધારે કાયદેસર નિર્ણય લેવો જોઈએ.
આ પણ વાંચો: રાજકોટમાં 16 વર્ષના સગીરે સર્જ્યો અકસ્માત : 4 વર્ષની જીયાંશીનું મોત
ચૂંટણી અધિકારીના નિર્ણય પર સૌની નજર
કોંગ્રેસની રજૂઆત બાદ સુમુલ ડેરીની ચૂંટણી ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. હવે ચૂંટણી અધિકારી કલમ-86 હેઠળના તપાસ અહેવાલ અને અન્ય સંબંધિત દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ શું નિર્ણય લે છે તેના પર પશુપાલકો, સહકારી ક્ષેત્ર અને રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે.
જોકે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સંબંધિત ઉમેદવારો અથવા સુમુલ ડેરી તરફથી આ સમાચાર લખાય ત્યાં સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર થઈ નથી. તેમજ કલમ-86ના અહેવાલ અને તેમાં ઉલ્લેખિત જવાબદારીઓ અંગે સત્તાવાર નિર્ણય ચૂંટણી અધિકારી દ્વારા હજુ લેવાયો નથી.





