કતારમાં જ રહેતા સનીના ભાઈ રવિ પટેલે હોસ્પિટલમાં જઈ પાર્થિવ દેહની ઓળખ કરી હતી. ત્યારબાદ સનીના મૃત્યુના સત્તાવાર સમાચાર સુરત સ્થિત પરિવાર સુધી પહોંચતાં આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું. ભારતીય દૂતાવાસની મદદથી તમામ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સનીનો પાર્થિવ દેહ હવાઈ માર્ગે કતારથી અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો અને ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે સુરતના ભીમપોર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યો.
પરિવારના સપનાઓ સાકાર કરવા વિદેશ ગયો, સાત મહિનામાં જ કરુણ અંત
સની પટેલ આર્થિક રીતે સામાન્ય પરિવારમાંથી આવતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બને અને ઘરનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે તેણે વિદેશમાં નોકરી કરવાનો નિર્ણય લીધો હતો. માત્ર સાત મહિના પહેલાં જ તે કતારમાં નોકરી માટે ગયો હતો અને પરિવાર માટે દિવસ-રાત મહેનત કરી રહ્યો હતો.
પરંતુ જે યુવાન પરિવારના સુખના સપના લઈને વિદેશ ગયો હતો, તેનો પાર્થિવ દેહ કફનમાં વતન પરત ફરતા સમગ્ર ગામની આંખો ભીની થઈ ગઈ હતી. અંદાજે 26થી 27 વર્ષની વયે સનીનું અકાળે અવસાન થતાં પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારનો મુખ્ય કમાઉ સભ્ય ગુમાવતાં તેમના ભવિષ્ય અંગે પણ ચિંતા ઊભી થઈ છે.
આ પણ વાંચો: કરોડોનો ટેક્સ આપતા શાપર-વેરાવળના લોકોની હાલત દયનીય! : પ્રથમ જ વરસાદમાં સર્વિસ રોડ બન્યો તળાવ
ભારતીય દૂતાવાસે ઝડપી કાર્યવાહી કરી
સનીના મૃત્યુ બાદ તેના પાર્થિવ દેહને ભારત લાવવા માટે પરિવારે સરકાર અને ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. કતાર સ્થિત ભારતીય દૂતાવાસે જરૂરી દસ્તાવેજી અને કાયદાકીય પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં સહયોગ આપ્યો હતો. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાર્થિવ દેહને હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદથી સુરતના ભીમપોર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. પરિવારજનોએ દૂતાવાસ અને સંબંધિત તંત્રના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
માતા અને પત્નીના આક્રંદથી ગમગીન બન્યું વાતાવરણ
જ્યારે સનીનો પાર્થિવ દેહ તેના ઘરે પહોંચ્યો ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. પોતાની સંતાનને ગુમાવનાર માતા અને જીવનસાથીને ગુમાવનાર પત્નીનો કરુણ આક્રંદ સાંભળીને ઉપસ્થિત લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પરિવારના સભ્યો સતત શોકમાં ગરકાવ જોવા મળ્યા હતા, જ્યારે ગામના લોકો તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘરના આંગણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ આ દુઃખની ઘડીમાં કોઈની પાસે શબ્દો નહોતા.
આ પણ વાંચો: સુમુલ ડેરી ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો : કોંગ્રેસે કથિત ગેરરીતિમાં સંડોવાયેલા ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવાની કરી માંગ
હજારો લોકોએ આપી અંતિમ વિદાય
સની પટેલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો. સનીના મિલનસાર અને મદદગાર સ્વભાવને કારણે મોટી સંખ્યામાં ગામલોકો, સગા-સંબંધીઓ અને મિત્રો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. અંતિમ દર્શન બાદ ભીમપોરથી તેમની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા. ત્યારબાદ સ્થાનિક સ્મશાનભૂમિ ખાતે ધાર્મિક વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું અને લોકોએ સનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.





