Home Gujarat Surat Surat Nasirnagar Demolition Community Hall Rehabilitation

નાસીરનગર ડિમોલિશનના 28 દિવસ બાદ આશ્રય મળ્યો : છતાં અસરગ્રસ્તોનો સુવિધાના અભાવનો આક્ષેપ

મહિલાઓ
Published by: Chintan Chavda
Last Updated: Jun 27, 2026, 07:29 AM IST

સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશનના 28 દિવસ બાદ અસરગ્રસ્ત પરિવારોને સુરત મહાનગરપાલિકા દ્વારા ભરીમાતા રોડ પર આવેલા કોમ્યુનિટી હોલમાં અસ્થાયી આશ્રય આપવામાં આવ્યો છે. જોકે, અહીં પહોંચેલા પરિવારોનું કહેવું છે કે આશ્રય તો મળ્યો છે, પરંતુ રહેવા માટે જરૂરી મૂળભૂત સુવિધાઓનો ગંભીર અભાવ હોવાથી તેઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ, કોમ્યુનિટી હોલમાં શરૂઆતમાં વીજળી અને પંખાની પણ યોગ્ય વ્યવસ્થા નહોતી. ઉપરાંત ટોયલેટ અને બાથરૂમમાં પાણીના નળ કાર્યરત નથી અને પીવાના પાણીની પણ પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જેના કારણે મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી રહી છે.

આ પણ વાંચો: વડોદરાના તાંદલજામાં મોહરમના તાજિયા જુલૂસ દરમિયાન વિવાદ : પોલીસના કથિત વર્તન સામે વિરોધ

28 દિવસ કાટમાળ વચ્ચે વિતાવ્યાનો દાવો

અસરગ્રસ્ત સલીમા ખાતૂને જણાવ્યું કે તેઓ છેલ્લા લગભગ 50 વર્ષથી નાસીરનગર વિસ્તારમાં રહેતા હતા. તેમના જણાવ્યા અનુસાર, ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પરિવાર પાસે રહેવા માટે કોઈ સ્થળ બચ્યું નહોતું. તેમણે દાવો કર્યો કે છેલ્લા 28 દિવસથી અનેક પરિવારો નાના બાળકો સાથે કાટમાળ અને ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા. હાલ કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરાયા બાદ પણ પાણી, સ્વચ્છતા અને અન્ય જરૂરી સુવિધાઓના અભાવને કારણે મુશ્કેલીઓ યથાવત છે. તેમણે સરકારને કાયમી આવાસની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે, જેથી પરિવારો સુરક્ષિત રીતે રહી શકે.

"આશ્રય મળ્યો, પરંતુ જરૂરી સુવિધાઓ નથી"

અસરગ્રસ્ત જાવેદ શાહે જણાવ્યું કે નાસીરનગર ડિમોલિશન મામલો હાલમાં હાઈકોર્ટમાં વિચારાધીન છે. તેમના કહેવા મુજબ, કોર્ટની કાર્યવાહી બાદ મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્તોને કોમ્યુનિટી હોલમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે કોમ્યુનિટી હોલમાં શરૂઆતમાં વીજળી અને પંખા પણ કાર્યરત નહોતા. ઉપરાંત ટોયલેટ અને બાથરૂમમાં પાણીની વ્યવસ્થા ન હોવાની સાથે પીવાના પાણીની પણ અછત છે. તેમણે જણાવ્યું કે હાલમાં અનેક જરૂરિયાતો એનજીઓ અને સ્થાનિક લોકોની મદદથી પૂર્ણ થઈ રહી છે.

આ પણ વાંચો: સુરતમાં ગોઝારો અકસ્માત : કાળમુખા ડમ્પરે માતા-બાળકીને કચડ્યા, બંનેના મોત

એનજીઓ અને સ્થાનિકો બન્યા સહારો

અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો અને સ્થાનિક લોકો ભોજન, પીવાનું પાણી તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડી રહ્યા છે. તેમના સહકારથી અસરગ્રસ્ત પરિવારોની રોજિંદી જરૂરિયાતો આંશિક રીતે પૂરી થઈ રહી છે. સ્થાનિક લોકોનું માનવું છે કે અસ્થાયી આશ્રયની સાથે સ્વચ્છ પાણી, સ્વચ્છતા, આરોગ્ય અને સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.

અસરગ્રસ્તોની મુખ્ય માંગ – કાયમી પુનર્વસન

અસરગ્રસ્ત પરિવારોની મુખ્ય માંગ છે કે તેમને માત્ર અસ્થાયી આશ્રય નહીં પરંતુ કાયમી રહેણાંકની વ્યવસ્થા કરવામાં આવે. તેઓનું કહેવું છે કે વરસાદી મોસમ દરમિયાન લાંબા સમય સુધી કોમ્યુનિટી હોલ અથવા ખુલ્લી જગ્યામાં રહેવું શક્ય નથી.

આ મામલે સુરત મહાનગરપાલિકાનો સત્તાવાર પક્ષ અથવા અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે કોઈ વિગતવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હાઈકોર્ટમાં કેસ વિચારાધીન હોવાથી આગામી દિવસોમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now