સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા વીજપોલ સ્થાપનના મુદ્દે ચાલી રહેલા આંદોલનને હવે એસપીજી (SPG) ગ્રુપનું જાહેર સમર્થન મળ્યું છે. એસપીજી ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોની જમીનમાં તેમની સંમતિ, યોગ્ય ચર્ચા અને વળતર નક્કી કર્યા વિના વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ગંભીર છે અને સરકાર આ મુદ્દે સંવેદનશીલતા દાખવે તેવી જરૂર છે.
લાલજી પટેલે જણાવ્યું કે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો લાંબા સમયથી આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે અને હાલમાં કેટલાક ખેડૂતો ઉપવાસ આંદોલન પણ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ એસપીજી ગ્રુપના સૌરાષ્ટ્ર પ્રમુખ કલ્પેશ રાંગ અને તેમની ટીમે આંદોલનકારી ખેડૂતોની મુલાકાત લઈને તેમને લેખિત સમર્થન પણ આપ્યું છે.
"ખેડૂતોના પ્રશ્ને SPG હંમેશા સાથે રહેશે"
લાલજી પટેલે જણાવ્યું કે SPG ગ્રુપ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ યુવાનો, દીકરીઓ અને સમાજના જરૂરિયાતમંદ લોકોના પ્રશ્નોમાં પણ હંમેશા તેમની સાથે ઊભું રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ખેડૂતોની જમીનમાં વીજ કંપનીઓ દ્વારા પોલીસના સહયોગથી દબાણપૂર્વક વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો ખેડૂતોની જમીનનો ઉપયોગ જાહેર હેતુ માટે થવાનો હોય તો અગાઉ તેમની સાથે ચર્ચા થવી જોઈએ, યોગ્ય વળતર નક્કી થવું જોઈએ અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ. આ પ્રક્રિયા વિના કાર્યવાહી કરવી યોગ્ય નથી, એમ તેમણે જણાવ્યું.
આ પણ વાંચો: ખેડૂતોને વાવણી માટે મળ્યું આશાનું કિરણ! : IMD એ કરી 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
મુખ્યમંત્રીને લેખિત રજૂઆત
લાલજી પટેલે જણાવ્યું કે એસપીજી ગ્રુપે પોતાના લેટરહેડ પર મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોના પ્રશ્નોના વહેલી તકે ઉકેલ માટે વિનંતી કરી છે. તેમણે કહ્યું કે આ રજૂઆતનો કોઈ રાજકીય હેતુ નથી, પરંતુ ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.
તેમણે જણાવ્યું, "હું પોતે ખેડૂતનો દીકરો છું અને SPGના હજારો કાર્યકર્તાઓ પણ ખેડૂત પરિવારમાંથી આવે છે. તેથી ખેડૂતો પર મુશ્કેલી આવે ત્યારે તેમની સાથે ઊભા રહેવું અમારી ફરજ છે."
"ઉકેલ નહીં આવે તો ખેડૂતોની લડતને સમર્થન"
લાલજી પટેલે સ્પષ્ટ કર્યું કે SPG ગ્રુપ ખેડૂતોના આંદોલનની આગેવાની કરવા માંગતું નથી, પરંતુ ખેડૂતપુત્ર તરીકે તેમની લડતને સમર્થન આપશે. તેમણે કહ્યું કે જો સરકાર દ્વારા પ્રશ્નોનું યોગ્ય અને સમયસર નિરાકરણ નહીં આવે તો SPG સાથે જોડાયેલા હજારો કાર્યકર્તાઓ ખેડૂતોના નિર્ણય અનુસાર તેમની સાથે ઉભા રહેશે. તેમણે જણાવ્યું કે આ લડત માત્ર સૌરાષ્ટ્રના ખેડૂતોની નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિત સાથે જોડાયેલી છે. તેથી રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતોને મળતું સમર્થન સ્વાભાવિક છે.
આ પણ વાંચો: જેતપર આંદોલનમાં ખેડૂતોની વ્હારે આવી મહિલાઓ : વિશેષ નાટક રજૂ કરીને દર્શાવ્યો પોતાનો વિરોધ
સરકારના પ્રતિસાદ પર નજર
હાલ ખેડૂતોની માંગણીઓ અને SPG ગ્રુપની રજૂઆત બાદ હવે રાજ્ય સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. બીજી તરફ, વીજપોલ સ્થાપન અને જમીન સંપાદન અંગે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સંબંધિત સરકારી વિભાગ અથવા વીજ કંપની તરફથી આ સમાચાર લખાય ત્યાં સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.






