અમદાવાદ: બાવળા તાલુકામાં ખેડૂત અને સામાજિક આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. સાણંદ તાલુકાના ડરણ ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાંથી પરત ફર્યા બાદ કેરાળા ગામ નજીક બે અજાણ્યા શખ્સોએ કથિત રીતે તેમનું અપહરણ કરી ચાલતી કારમાં છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શૈલેષ મેર હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હુમલામાં તેમના હાથમાં ગંભીર ઇજા થતાં 18 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના બાદ વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મોડી રાત સુધી આરોપીઓની ધરપકડ ન થતાં 300થી વધુ ખેડૂતો કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાંથી વધારાનો પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો.
ડરણ ખેડૂત આંદોલન પછી બની ઘટના
સાણંદ તાલુકાના ડરણ ગામમાં આશરે રૂ.77 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવાના પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતો છેલ્લા દસ દિવસથી વિરોધ કરી રહ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ હતો કે ખેતરોમાંથી લાઇન પસાર થવાથી તેમની જમીન અને ખેતીને નુકસાન પહોંચશે.
આંદોલન દરમિયાન સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ અને સાણંદ APMCના ચેરમેન ખેંગારભાઈએ સ્થળ પર પહોંચી ખેડૂતોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ આંદોલન પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ખેડૂત આગેવાન શૈલેષ મેર અને તેમના સાથી પિન્ટુભાઈએ સરકાર તરફથી લેખિત બાહેંધરીની માંગ કરી હતી. લેખિત ખાતરી ન મળતાં તેમણે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી, જેના કારણે ત્યાં ઉગ્ર ચર્ચા અને વિવાદ સર્જાયો હતો.
'ગાડીમાં બેસો, નાસ્તો કરીએ' કહી અપહરણનો આરોપ
માહિતી અનુસાર, ઘટનાના એક દિવસ પહેલાં શૈલેષ મેરને અજાણ્યા વ્યક્તિઓના ફોન આવ્યા હતા. ફોન કરનારાઓએ તેમના કામના વખાણ કર્યા હતા અને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સોમવારે સાંજે શૈલેષ મેર બાવળાથી પશુઓ માટે ખોળ ખરીદીને પોતાના ગામ કેરાળા તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કેરાળા-નળસરોવર રોડ પર આવેલી એક હોટલ નજીક નંબર પ્લેટ વગરની બ્રેઝા કારમાં આવેલા બે વ્યક્તિઓએ તેમને મળીને ગાડીમાં બેસવા કહ્યું.
શૈલેષ મેરના જણાવ્યા મુજબ, તેઓ કારમાં પાછળની સીટ પર બેઠા કે તરત જ બંનેએ તેમને પકડી લીધા હતા. તેમણે બચવાનો પ્રયાસ કરતાં કારનું સ્ટીયરિંગ પકડી લીધું હતું. ત્યારબાદ હુમલાખોરોએ તેમના હાથ પર છરી વડે હુમલો કર્યો હતો. કારની ગતિ ધીમી થતાં તેમણે દરવાજો ખોલીને બહાર કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો.
રિક્ષાચાલકે બચાવ્યો જીવ
ચાલતી કારમાંથી બહાર કૂદ્યા બાદ રસ્તેથી પસાર થઈ રહેલા એક રિક્ષાચાલકે શૈલેષ મેરને મદદ કરી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હુમલામાં તેમના પગમાં પણ ઈજાઓ પહોંચી હોવાનું જણાવાયું છે. શૈલેષ મેરે આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે ધારાસભ્યનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે, આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને પોલીસ દ્વારા પણ આ દિશામાં કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
ખેડૂતોમાં ભારે આક્રોશ
હુમલાની જાણ થતાં જ બાવળા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂત આગેવાન પિન્ટુભાઈએ પોલીસને આરોપીઓને ઝડપવા માટે એક કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. મોડી રાત સુધી કોઈ ધરપકડ ન થતાં 300થી વધુ ખેડૂતો કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ખેડૂતોનું કહેવું હતું કે આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ પોલીસ સ્ટેશન છોડશે નહીં. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ તેજ
પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે. હુમલાખોરોની ઓળખ માટે આસપાસના CCTV ફૂટેજ, મોબાઇલ લોકેશન અને અન્ય ટેક્નિકલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે હુમલાનું ચોક્કસ કારણ, તેમાં સંડોવાયેલા લોકો અને કોઈ કાવતરું હતું કે નહીં તે તમામ મુદ્દાઓની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુધી કોઈ સત્તાવાર ધરપકડની જાહેરાત કરવામાં આવી નથી. આ હુમલાએ માત્ર ખેડૂત સમાજમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ખેડૂતો હવે આ કેસમાં ઝડપી અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.





