Home Gujarat Ahmedabad Ahmedabad Nikol Chanakya School Teacher Slaps Student Krishnanagar Police

અમદાવાદની સ્કૂલમાં શિક્ષકની ક્રૂરતા! : લાફો મારતાં વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો

Nikol Chanakya School
Published by: Suman Dabhi
Last Updated: Jun 30, 2026, 02:41 AM IST

Nikol Chanakya School:અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે બનેલી ઘટનાએ શિક્ષણ જગતમાં ચિંતા ઊભી કરી છે. આરોપ છે કે પીટીના પિરિયડ દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતાં તેના ડાબા કાનનો પડદો ફાટી ગયો. હાલ વિદ્યાર્થી ઈએનટી સર્જનની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યો છે અને સ્થિતિમાં સુધારો નહીં થાય તો સર્જરી કરવાની જરૂર પડી શકે છે. સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે.

પીટીના પિરિયડ દરમિયાન શિક્ષકે માર્યો લાફો

પરિવારના જણાવ્યા મુજબ ઘટના શાળાના પીટી પિરિયડ દરમિયાન બની હતી. કેટલાક વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં મસ્તી કરી રહ્યા હતા ત્યારે ઇંગ્લિશ મીડિયમના શિક્ષક લક્ષ્મણભાઈએ કોઈ કારણ વગર વિદ્યાર્થીને ઊભો કરીને જોરદાર લાફો માર્યો હતો.

વાલીનો આક્ષેપ છે કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરે છે અને સંબંધિત શિક્ષક સાથે તેનો કોઈ સીધો શૈક્ષણિક સંબંધ પણ નહોતો. તેમ છતાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો.

કાનનો પડદો ફાટ્યો, સંભળાવામાં તકલીફ

પરિવારનું કહેવું છે કે લાફો એટલો જોરદાર હતો કે વિદ્યાર્થીના ડાબા કાનનો પડદો ફાટી ગયો અને ત્યારથી તેને તે કાને સંભળાવાનું બંધ થઈ ગયું છે.

હાલ બાળકની સારવાર ઈએનટી સર્જનની દેખરેખ હેઠળ ચાલી રહી છે. ડોક્ટરો વિદ્યાર્થીની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. જો સારવાર બાદ પણ સ્થિતિમાં સુધારો નહીં થાય તો સર્જરી કરવાની જરૂર પડી શકે છે.

વાલીએ પોલીસમાં નોંધાવી ફરિયાદ

ઘટના બાદ વિદ્યાર્થીના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવી છે. પોલીસે મામલાની નોંધ લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.

વાલીનું કહેવું છે કે બાળકના સ્વાસ્થ્યને થયેલા નુકસાન માટે જવાબદારો સામે યોગ્ય કાનૂની કાર્યવાહી થવી જોઈએ.

DEOનું નિવેદન, શિક્ષક સસ્પેન્ડ

આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ જણાવ્યું કે પીટીના પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા ત્યારે શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો.

તેમણે જણાવ્યું કે સંબંધિત શિક્ષક ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવે છે અને તેઓ 1 જૂનથી શાળામાં જોડાયા હતા. વાલીની ફરિયાદ બાદ શાળા સંચાલકોએ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે.

ટ્રસ્ટીઓ અને શિક્ષકે સ્વીકારી ભૂલ

ઘટના બાદ વિદ્યાર્થીના પરિવારજનો અને શાળાના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ટ્રસ્ટીઓ તેમજ સંબંધિત શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી હોવાનું પરિવારનું કહેવું છે.

જોકે વિદ્યાર્થીના પિતાએ સ્પષ્ટ કર્યું કે માત્ર માફી માંગવાથી મામલો પૂર્ણ થતો નથી. તેમણે લેખિતમાં માંગ કરી છે કે ભવિષ્યમાં બાળકને કાન સંબંધિત કોઈ કાયમી તકલીફ, બહેરાશ અથવા વધુ સારવારની જરૂર પડશે તો તેની સંપૂર્ણ તબીબી તેમજ આર્થિક જવાબદારી શાળા અને સંબંધિત શિક્ષકની રહેશે.

શિક્ષક સામે કઈ કાનૂની કાર્યવાહી થઈ શકે?

કાયદા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીને લાફો મારવા અથવા શારીરિક સજા આપવાના કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2) લાગુ થઈ શકે છે. આ કલમ હેઠળ એક વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ છે. જો શિક્ષકના મારથી વિદ્યાર્થીને ગંભીર શારીરિક ઈજા થાય અથવા શરીરના કોઈ અંગને કાયમી નુકસાન પહોંચે તો BNSની કલમ 117(2) લાગુ પડી શકે છે. આ કલમ હેઠળ સાત વર્ષ સુધીની જેલ અથવા દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટમાં મેડિકલ ઈમરજન્સી : સુરત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

શારીરિક સજા પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ

શાળા બાળકો માટે સુરક્ષિત અને વિશ્વાસપૂર્ણ વાતાવરણ હોવું જોઈએ. શારીરિક સજા પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ સામે આવવી ચિંતાજનક છે. આ ઘટના માત્ર એક વિદ્યાર્થીની ઈજા પૂરતી મર્યાદિત નથી, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, શિક્ષકોની જવાબદારી અને શારીરિક સજા સામે કડક અમલની જરૂરિયાત પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now