Home Gujarat Ahmedabad Ahmedabad Nikol Chanakya School Teacher Slaps Student Cctv

અમદાવાદની સ્કૂલમાં શિક્ષકની ક્રૂરતાના CCTV સામે આવ્યા! : વિદ્યાર્થીને મારેલા લાફાથી કાનનો પડદો ફાટ્યાનો આક્ષેપ

Chanakya School Student Assault
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jun 30, 2026, 06:34 AM IST

Chanakya School Student Assault: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ગંભીર ચર્ચા જગાવી છે. ધોરણ-10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિસ્તના નામે શિક્ષકે જાહેરમાં ઊભો રાખીને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારના દાવા મુજબ આ માર એટલો જોરદાર હતો કે વિદ્યાર્થીના ડાબા કાનનો પડદો ફાટી ગયો અને તેને સાંભળવામાં તકલીફ થવા લાગી છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં શિક્ષક વિદ્યાર્થીને ઊભો રાખીને લાફો મારતા હોવાનું દેખાઈ રહ્યું છે. આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, શારીરિક સજા પર પ્રતિબંધ અને શિક્ષકોની જવાબદારી જેવા મુદ્દાઓને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.

માસ ડ્રિલ દરમિયાન બની ઘટના

માહિતી મુજબ 27 જૂનના રોજ શાળામાં ધોરણ-9 અને ધોરણ-10ના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે માસ ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે ઊભા ન રહેતા હોવાનું કહેવામાં આવે છે. આરોપ છે કે, પીટીના પિરિયડ દરમિયાન સંબંધિત શિક્ષકે એક વિદ્યાર્થીને અલગ ઊભો રાખીને તેના ગાલ પર જોરદાર લાફો માર્યો હતો. વાલીઓના જણાવ્યા અનુસાર ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે, જ્યારે આરોપી શિક્ષક અંગ્રેજી માધ્યમ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. પરિવારનો આક્ષેપ છે કે, વિદ્યાર્થી સાથે શિક્ષકનો કોઈ સીધો શૈક્ષણિક સંબંધ ન હોવા છતાં તેની સામે શારીરિક સજા અપનાવવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલમાં શિક્ષકની ક્રૂરતા! : લાફો મારતાં વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો

કાનનો પડદો ફાટ્યાનો દાવો, સારવાર હેઠળ વિદ્યાર્થી

વિદ્યાર્થીના પરિવારના જણાવ્યા અનુસાર લાફાના કારણે વિદ્યાર્થીના ડાબા કાનને ગંભીર ઈજા પહોંચી છે. હાલમાં બાળકની સારવાર ઈએનટી નિષ્ણાતોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. પરિવારનો દાવો છે કે, ઘટનાના બાદથી બાળકને કાનમાં સંભળાવામાં મુશ્કેલી પડી રહી છે. ડોક્ટરો દ્વારા હાલ સારવાર આપવામાં આવી રહી છે અને જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો સર્જરી કરવાની જરૂર પડી શકે છે. આ ઘટનાએ વાલીઓમાં પણ ચિંતા ઊભી કરી છે, કારણ કે શારીરિક સજાના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

CCTV ફૂટેજ સામે આવ્યા, પોલીસમાં નોંધ

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં શિક્ષક વિદ્યાર્થીને ઊભો રાખીને લાફો મારતા હોવાનું સ્પષ્ટપણે દેખાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘટના બાદ વિદ્યાર્થીના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી નોંધાવી છે. પોલીસે પ્રાથમિક માહિતી મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પરિવારનું કહેવું છે કે, બાળકના સ્વાસ્થ્યને થયેલા નુકસાન માટે જવાબદાર લોકો સામે કડક કાનૂની પગલાં લેવાં જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદમાં AMCનું એક્શન! : સરખેજમાં બિનપરવાનગીના ધાર્મિક બાંધકામ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર

DEOનું નિવેદન, શિક્ષકને સસ્પેન્ડ કરાયા

આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ જણાવ્યું છે કે પીટીના પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે શિસ્ત જાળવવાના પ્રયાસ દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હતો. NDEOના જણાવ્યા અનુસાર, સંબંધિત શિક્ષક ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવે છે અને તેઓ તાજેતરમાં જ 1 જૂનથી શાળામાં જોડાયા હતા. વાલીઓની ફરિયાદ બાદ શાળા સંચાલકોએ પ્રાથમિક તબક્કે શિક્ષકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

ટ્રસ્ટીઓ અને શિક્ષકે સ્વીકારી ભૂલ

ઘટના બાદ વિદ્યાર્થીના પરિવારજનો, શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. પરિવારના જણાવ્યા મુજબ આ બેઠક દરમિયાન ટ્રસ્ટીઓ તેમજ સંબંધિત શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી હતી. પરંતુ વિદ્યાર્થીના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે, માત્ર માફી માંગવાથી મામલો સમાપ્ત થતો નથી. તેમણે માંગ કરી છે કે ભવિષ્યમાં બાળકને સાંભળવામાં કાયમી તકલીફ, બહેરાશ અથવા વધારાની સારવારની જરૂર પડે તો તેની સંપૂર્ણ જવાબદારી શાળા અને સંબંધિત શિક્ષક દ્વારા ઉઠાવવામાં આવે.

શારીરિક સજા સામે કાયદો શું કહે છે?

શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને શારીરિક સજા આપવી પ્રતિબંધિત છે. કાયદા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો કોઈ વિદ્યાર્થીને શારીરિક નુકસાન પહોંચાડવામાં આવે તો ભારતીય ન્યાય સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો ઈજાના કારણે ગંભીર શારીરિક નુકસાન થાય અથવા શરીરના કોઈ અંગને કાયમી અસર પહોંચે તો કડક કાનૂની કાર્યવાહી શક્ય બને છે.

શિક્ષણ સંસ્થાઓમાં સુરક્ષાનો પ્રશ્ન ફરી ચર્ચામાં

આ ઘટના માત્ર એક વિદ્યાર્થીને થયેલી ઈજા સુધી મર્યાદિત નથી, પરંતુ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, શિક્ષકોની જવાબદારી અને શારીરિક સજા સામેના કાયદાના અમલ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. વિદ્યાર્થીઓ માટે શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર જ નહીં પરંતુ સુરક્ષિત અને વિશ્વાસપૂર્ણ વાતાવરણ હોવું જોઈએ. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો દ્વારા વધુ સંવેદનશીલતા અને જવાબદારી દાખવવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now