Gandhinagar News: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ (CCHFW)ની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બેઠક દરમિયાન દેશના આરોગ્ય ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તનને વધુ વેગ આપવાના હેતુથી આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ આરોગ્ય સેવાઓના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આયુષ્માન ભારત ડિજિટલ મિશનથી આરોગ્ય સેવાઓમાં ડિજિટલ પરિવર્તનને નવી ગતિ સાથે "એનીમિયા મુક્ત ભારત" અભિયાનની સંચાલન માર્ગદર્શિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું, જે કુપોષણમુક્ત અને સ્વસ્થ ભારતના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ આરોગ્ય સેવાઓને વધુ સુલભ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવાના સંકલ્પને વધુ મજબૂતી આપતા આ પ્રયાસોની આ બેઠકમાં પ્રશંસા કરવામાં આવી હતી. CCHFW ની ૧૬મી બેઠક દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગુજરાત અને દેશના આરોગ્ય ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ અનેક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના દર્દીઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની અદ્યતન સારવાર સરળતાથી ઉપલબ્ધ બને તે માટે રાજકોટ સ્થિત એઇમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સુવિધા વિકસાવવાની માંગણી કરી હતી. આ સુવિધા ઉપલબ્ધ થતાં રાજ્યના પશ્ચિમ વિસ્તારના હજારો દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવારનો લાભ મળશે. ફૂડ અને ડ્રગ્સમાં ભેળસેળ કરનાર તત્વો સામે વધુ અસરકારક કાર્યવાહી માટે તેમણે વર્ષ-2006ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (Food Safety and Standards Act, 2006)માં જરૂરી સુધારા કરીને વધુ કડક અને નિરોધાત્મક કાનૂની જોગવાઈઓ લાવવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી, જેથી જનસ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીને ભેળસેળના ગુનાઓ પર અસરકારક નિયંત્રણ સ્થાપી શકાય.
ભાવનગરના શાંતિનગર ગામે સિંહનો આતંક : ગાયનું મારણ, વાછરડી પર હુમલો; વાયરલ થયા CCTV
દેશમાં એન્ટિબાયોટિક દવાઓના વધતા અને અનિયંત્રિત ઉપયોગ અંગે પણ પ્રફુલ પાનશેરીયાએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એન્ટિબાયોટિક્સના અતિરેક ઉપયોગને કારણે દવાઓ સામે પ્રતિકારક ક્ષમતા (Antimicrobial Resistance) જેવી ગંભીર સમસ્યા ઉભી થઈ રહી છે. તેથી દેશવ્યાપી સ્તરે એન્ટિબાયોટિક્સના જવાબદાર અને નિયંત્રિત ઉપયોગ માટે અસરકારક નીતિ તથા કડક અમલીકરણની જરૂરિયાત છે.
આ પ્રસંગે પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દરેક નાગરિક સુધી ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે સતત પ્રતિબદ્ધ છે અને કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે કાર્યરત રહેશે.





