Home Gujarat Saurashtra Heavy Rain Bhesan Rajula Flood 35 Goats Swept Away

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, રાજુલામાં પૂરમાં 35 બકરા તણાતા રડ્યો માલધારી : "મારું કોઈ નથી, મારી પાસે કંઈ નથી, સરકાર મદદ કરો"

Gujarat Rainfall Updates
Published by: Vishal Dave
Last Updated: Jul 01, 2026, 12:36 PM IST

Gujarat Rainfall Updates: સૌરાષ્ટ્રમાં ચોમાસાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં બુધવારે પડેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચાડી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની ચેતવણી જાહેર કરી છે, ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી તાંડવના દ્રશ્યો સામે આવ્યા છે.

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પંથકમાં માત્ર બે કલાકમાં અંદાજે સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણીના ધસમસતા પ્રવાહ જોવા મળ્યા હતા. સ્થાનિક નાળા અને નાના જળસ્ત્રોતોમાં પણ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો.

રાજુલામાં રાયડી નદીમાં ઘોડાપૂર, માલધારીના 35 બકરા પૂરમાં તણાયા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભારે વરસાદને કારણે રાયડી નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. આ દરમિયાન એક ગરીબ માલધારી પોતાના બકરાં સાથે પસાર થઈ રહ્યો હતો ત્યારે પાણીના જોરદાર પ્રવાહમાં તેના 35 જેટલા બકરાં તણાઈ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે કરુણતા ફેલાવી છે. પીડિત માલધારીએ જણાવ્યું કે, "હું પુલ નીચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પૂરનું પાણી ધસમસતું આવ્યું. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે હું પોતે પણ તેમાં ફસાઈ ગયો અને બેભાન થઈ ગયો. જ્યારે ભાન આવ્યું ત્યારે મારા 35 બકરાં પાણીમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું. હું અત્યંત ગરીબ માણસ છું. આ બકરાં જ મારા પરિવારની આજીવિકાનો આધાર હતા. હવે મારી પાસે કંઈ બચ્યું નથી. સરકાર મારી આર્થિક મદદ કરે તેવી હાથ જોડીને વિનંતી કરું છું."

આ પણ વાંચોઃ ખેડૂતોના સમર્થનમાં ઉતરેલાં હકાભાને જેતપર આવવાની કોણે પાડી ના? : હવનમાં હાડકાં નાંખ્યા બાદ વધુ વકર્યો વિવાદ

તંત્ર એલર્ટ મોડમાં, નદી-નાળા નજીક ન જવા અપીલ

ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર અને ગ્રામજનો પીડિત પરિવારની મદદ માટે દોડી આવ્યા હતા. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નદી, નાળા અને કોઝવે પરથી પસાર ન થવા તેમજ પૂરનાં પાણીમાં પ્રવેશ ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી કલાકોમાં પણ ભારે વરસાદ, ગાજવીજ અને 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વીજળી પડવાની સંભાવના પણ ઊંચી હોવાથી ખુલ્લા મેદાનોમાં ન જવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.

ખેડૂતો અને પશુપાલકો માટે ચિંતાનો વિષય

સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. ખેતરોમાં પાણી ભરાવા ઉપરાંત પશુધનને પણ જોખમ ઊભું થયું છે. રાજુલાની ઘટના દર્શાવે છે કે ભારે વરસાદ દરમિયાન નદી અને પાણીના પ્રવાહને હળવાશથી લેવું જીવલેણ સાબિત થઈ શકે છે. નિષ્ણાતો અને તંત્ર બંને લોકોને વરસાદી માહોલ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now