Kutch News: ગુજરાત સરહદેથી દેશમાં નશાનો કારોબાર ફેલાવવા માંગતા આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલરો સામે ન્યાયતંત્રએ લાલ આંખ કરી છે. ભુજની વિશેષ NDPS (કેન્દ્રીય નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) કોર્ટે સમુદ્ર માર્ગે ભારતમાં ₹575 કરોડનું કરોડોનું હેરોઇન ઘુસાડવાના ત્રણ અલગ-અલગ મોટા કેસોમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 18 પાકિસ્તાની અને 1 અફઘાન નાગરિક સહિત કુલ 19 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે કડક વલણ અપનાવતા તમામ ગુનેગારોને વ્યક્તિગત ₹2-2 લાખનો દંડ પણ ફટકાર્યો છે. આ ચુકાદાને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સામે ભારતની એક મોટી કાનૂની જીત તરીકે જોવામાં આવી રહ્યો છે.
દરિયાઈ સરહદે ઘૂસણખોરીનો પર્દાફાશ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત એટીએસ (ATS), ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે સઘન ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન્સ દરમિયાન પકડાયેલા ત્રણ અલગ-અલગ કેસમાં પાકિસ્તાની સરહદેથી દરિયાઈ માર્ગે ભારતમાં મોટા પ્રમાણમાં હેરોઈન ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓ દ્વારા રજૂ કરાયેલા મજબૂત દસ્તાવેજી પુરાવા, ડિજિટલ પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ NDPS કોર્ટના જજ વી. એ. બુધ્ધએ તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.
કોર્ટની ગંભીર ટિપ્પણી: "આ રાષ્ટ્રના માળખાને નબળું પાડવાનું ષડયંત્ર છે"
ચુકાદો આપતી વખતે સ્પેશિયલ કોર્ટે દેશની સુરક્ષા અને યુવાધનના ભવિષ્યને લઈને અત્યંત ગંભીર અને મહત્વની ટિપ્પણીઓ કરી હતી. પ્રોસિક્યુશનના પુરાવાઓને ગ્રાહ્ય રાખતા માનનીય જજે જણાવ્યું કે આરોપીઓએ ભારતના યુવાધનને નિશાન બનાવી દેશના નાગરિકોને ગંભીર વ્યસન તરફ ધકેલવાનું જે કૃત્ય કર્યું છે, તે કોઈ સામાન્ય ગુનો નથી. નશાકારક પદાર્થો સપ્લાય કરીને દેશના આર્થિક અને સામાજિક માળખાને નબળું પાડવાનું આ એક સુનિયોજિત આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હતું. નશો એ માત્ર કોઈ એક વ્યક્તિ કે પરિવારની સમસ્યા નથી, પરંતુ તે દેશની આંતરિક સુરક્ષાને સીધી અસર કરતો ગંભીર મામલો છે."
સ્મગલરોમાં ફફડાટ
ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ કરીને દેશભરમાં નશાની જાળ બિછાવવા માંગતા તત્વો માટે આ ચુકાદો એક મોટો સબક સમાન છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, આ પ્રકારની આકરી સજાથી આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ડ્રગ સિન્ડિકેટના હોસલા તૂટશે અને સુરક્ષા એજન્સીઓનું મનોબળ વધુ મજબૂત થશે.





