Rajkot News: સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા કેવી રીતે હત્યા સુધી પહોંચી શકે તેનો ચોંકાવનારો કિસ્સો રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળમાંથી સામે આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતી તરીકે ઓળખાણ આપી એક યુવાન સાથે સંબંધ બાંધવામાં આવ્યો હતો. પરંતુ સામેની વ્યક્તિ કિન્નર હોવાનું બહાર આવતાં ત્રણ વર્ષથી ચાલતો વિવાદ અંતે હત્યામાં પરિણમ્યો. રાજકોટ ગ્રામ્ય પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે.
25 જૂનના રોજ રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળ નજીક મસ્કત ફાટક પાસે રેલવેની દીવાલ નજીક સ્ત્રીના વસ્ત્રોમાં અને કોહવાયેલી હાલતમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી.શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં માથામાં ગંભીર ઇજાઓના કારણે હત્યા થયાનું સામે આવતાં પોલીસે તપાસનો દોર બદલ્યો હતો.CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના 20 વર્ષીય પીયુષકુમાર ખરવારને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યાની કબૂલાત કરતાં સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હૈદરાબાદમાં રહેતા સમયે પીયુષનો ફેસબુક પર નિશા કુમાર અને ઇન્સ્ટાગ્રામ પર પૂનમ નામની આઈડી મારફતે ચંદનકુમાર સાથે પરિચય થયો હતો.ચંદને પોતાને યુવતી તરીકે રજૂ કરી વિશ્વાસ જીત્યો હતો અને બંને સાથે રહેવા લાગ્યા હતા. ધાર્મિક માનતાનું કારણ આપી તેણે શારીરિક સંબંધોથી દૂર રહેવાની વાત કરી હતી. દરમિયાન પીયુષે ચંદનની માંગમાં સિંદૂર ભરી લગ્ન જેવો સંબંધ પણ સ્વીકારી લીધો હતો. પરંતુ બાદમાં ચંદન શેવિંગ કરતો હોવાના સમયે પીયુષને જાણ થઈ કે, ચંદન મહિલા નહીં પરંતુ કિન્નર છે. ત્યારબાદ બંને વચ્ચે સતત વિવાદ શરૂ થયો હતો. પીયુષ જ્યાં રોજગારી માટે જતો ત્યાં ચંદન પણ પાછળ પહોંચતો હતો. હૈદરાબાદથી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને અંતે રાજકોટ જિલ્લાના પડવલા સુધી બંને વચ્ચેનો વિવાદ ચાલુ રહ્યો હતો.
ત્યારે ગત 21 જૂનના રોજ પડવલા સ્થિત કારખાનામાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ત્યારબાદ આરોપી પીયુષ ચંદનને રેલવે ટ્રેક નજીક અવાવરુ સ્થળે લઈ ગયો અને મોટા પથ્થરો વડે માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ લાશ પર પથ્થરો ઢાંકી પુરાવા છુપાવવાનો પ્રયાસ કરી આરોપી ફરી કારખાનામાં કામે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ સહિતના ટેક્નિકલ પુરાવા અને અન્ય સાક્ષીઓના નિવેદનોના આધારે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી આરોપી સામે BNS કલમ 103(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધતા પહેલાં તેમની ઓળખ અને વિશ્વસનીયતાની ખાતરી કરવી કેટલી જરૂરી છે, તેનો આ કિસ્સો એક ગંભીર ચેતવણી સમાન બની રહ્યો છે.





