Home Gujarat Viksit Gujarat 2047 Implementation Roadmap Launch

વિકસિત ગુજરાત 2047 તરફ નિર્ણાયક પગલું : મુખ્યમંત્રીએ અમલીકરણ રોડમેપ કર્યો જાહેર

cmના કાર્યક્રમની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 01, 2026, 12:43 PM IST

ગાંધીનગર: ગુજરાત સરકારે વર્ષ 2047 સુધી રાજ્યને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ, સ્પર્ધાત્મક, સર્વસમાવેશી અને ટકાઉ વિકાસના મોડેલ તરીકે સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે "વિકસિત ગુજરાત @2047 અમલીકરણ રોડમેપ" જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આ રોડમેપનું અનાવરણ કરતાં તેને માત્ર દસ્તાવેજ નહીં પરંતુ વિકાસના વિઝનને અસરકારક રીતે જમીન પર ઉતારવાનું માર્ગદર્શન ગણાવ્યું હતું. આ રોડમેપ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સફોર્મેશન (GRIT) અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયા, GRITના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ રોડમેપ વર્ષ 2047 સુધીના વિકાસલક્ષી કાર્યક્રમોને સમયબદ્ધ અને જવાબદારી આધારિત રીતે અમલમાં મૂકવા માટેનું માર્ગદર્શક દસ્તાવેજ બનશે.

વિકસિત ભારતના વિઝન સાથે સુસંગત વિકાસ યોજના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "વિકસિત ભારત 2047"ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે વિકાસ માટે માત્ર લક્ષ્યાંકો નક્કી કરવાથી કામ ચાલતું નથી, પરંતુ કોના દ્વારા, ક્યારે અને કેવી રીતે તે લક્ષ્યો હાંસલ કરવાના છે તેની સ્પષ્ટ કાર્યયોજનાની જરૂર હોય છે. આ રોડમેપ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.

તેમણે ઉમેર્યું કે સરકારનો અંતિમ હેતુ નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. મજબૂત માળખાગત સુવિધાઓ, રોજગારની વધુ તકો, સર્વસમાવેશી વિકાસ અને ટકાઉ અર્થવ્યવસ્થા દ્વારા સામાન્ય નાગરિકને વધુ સારી જીવનશૈલી ઉપલબ્ધ કરાવવી એ આ રોડમેપનું મુખ્ય ધ્યેય છે.

આ પણ વાંચો: વીજ પોલ મુદ્દે સરકારનો મોટો સંકેત : જીતુ વાઘાણીએ કહ્યું - 'લાંબા ગાળાની નીતિ આવશે'

ગુણવત્તાયુક્ત ગવર્નન્સ અને માઇક્રો પ્લાનિંગ પર ભાર

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારે "અર્નિંગ વેલ, લિવિંગ વેલ"નો વિકાસ મોડેલ અપનાવ્યો છે અને તેનો સફળ અમલ આ રોડમેપ દ્વારા શક્ય બનશે. તેમણે અધિકારીઓને માત્ર કામગીરી પૂર્ણ કરવાની જગ્યાએ ગુણવત્તા અને પરિણામ આધારિત અમલ પર ભાર મૂકવાની અપીલ કરી હતી. "ચાલશે" જેવી માનસિકતા છોડીને 100 ટકા ગુણવત્તાયુક્ત કાર્ય કરવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્યના તમામ વિભાગો સંકલિત પ્રયાસો કરશે તો વર્ષ 2047 સુધીમાં વિકસિત ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવું શક્ય બનશે. ગુજરાતે વિકાસની સ્પર્ધામાં પોતાની આગેવાની જાળવી રાખવા માટે સતત નવીનતા અને કાર્યક્ષમતાને પ્રાથમિકતા આપવી પડશે, તેમ પણ તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: જૂનાગઢમાં 700 બોગસ સહકારી મંડળીઓનો દાવો : ફરિયાદ મળતા જિલ્લા રજીસ્ટ્રાર કરશે તપાસ; રાજકીય ઘમાસાણ તેજ

સરકાર પાસે સંસાધનોની કમી નહીં, અસરકારક અમલની જરૂર

મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું કે ભારત આજે અભાવમાંથી પ્રભાવ તરફ આગળ વધી રહ્યું છે અને આ પરિવર્તનમાં ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનાવવા આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય સરકાર પાસે નાણાં અથવા સંસાધનોની કોઈ અછત નથી. હવે સાચી નિષ્ઠા, મજબૂત મોનિટરિંગ અને સમયસર સમીક્ષા દ્વારા વિકાસલક્ષી યોજનાઓને પરિણામ સુધી પહોંચાડવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે જિલ્લા કક્ષાના કલેક્ટરથી લઈને વિવિધ વિભાગોના અધિકારીઓ સુધી તમામે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવી પડશે. જો કોઈ વિભાગને વધારાના નાણાં, નીતિમાં ફેરફાર અથવા નવા નિર્ણયો જરૂરી હોય તો રાજ્ય સરકાર તે માટે સંપૂર્ણ સહયોગ આપશે. આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર, બંદરો, પરિવહન સહિતના તમામ ક્ષેત્રોમાં નક્કી કરાયેલા KPI આધારે પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવશે.

આ પણ વાંચો: ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ભારે હોબાળો : વાહનવેરા મુદ્દે કોંગ્રેસનો વોકઆઉટ

26 વિભાગો માટે 900થી વધુ અમલીકરણ પગલાં

GRITના CEO એસ. અપર્ણાએ રોડમેપ અંગે વિગતવાર રજૂઆત કરતાં જણાવ્યું કે જાન્યુઆરી 2024માં રજૂ થયેલા વિકસિત ગુજરાત વિઝન ડોક્યુમેન્ટના આધારે હવે અમલીકરણનો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ 26 વિભાગોના સહયોગથી વર્ષ 2047 સુધી ગુજરાતનું GSDP અંદાજે 3.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ રોડમેપમાં 11 મુખ્ય થીમ, 120 મેક્રો ગોલ અને 55 કી થ્રસ્ટ એરિયાને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિભાગ માટે અંદાજે 900 ચોક્કસ અમલીકરણ પગલાં નક્કી કરવામાં આવ્યા છે. શિક્ષણ, કૃષિ, પ્રવાસન, પાણી પુરવઠા સહિતના ક્ષેત્રોમાં હાલની સ્થિતિ અને આગામી વર્ષોની કાર્યયોજનાને ડિજિટલ ડેશબોર્ડ દ્વારા સતત મોનિટર કરવામાં આવશે.

સ્ટ્રેટેજી રૂમથી થશે પ્રગતિની સતત સમીક્ષા

સામાન્ય વહીવટ વિભાગના આયોજન સચિવ આદ્રા અગ્રવાલે જણાવ્યું કે વિકસિત ગુજરાતના લક્ષ્યાંકોને હાંસલ કરવા ગાંધીનગરમાં GRITની ઓફિસમાં અત્યાધુનિક "સ્ટ્રેટેજી રૂમ" તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ડિજિટલ ડેશબોર્ડના માધ્યમથી વિવિધ વિભાગોની કામગીરી, સમયમર્યાદા અને લક્ષ્યાંકોની પ્રગતિનું નિયમિત મૂલ્યાંકન કરવામાં આવશે. રાજ્ય સરકારના મતે આ વ્યવસ્થા માત્ર આયોજન પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ વિકાસલક્ષી યોજનાઓ સમયસર અને અસરકારક રીતે પૂર્ણ થાય તેની ખાતરી માટે પણ ઉપયોગી બનશે. કાર્યક્રમના અંતે GRITના જોઈન્ટ CEO સ્તુતિ ચારણે આભારવિધિ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now