ગાંધીધામ: ગાંધીધામ મહાનગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભા રાજકીય ગરમાવો અને તીખી ચર્ચાઓ વચ્ચે પૂર્ણ થઈ હતી. મેયર દિવ્યા નાથાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિવિધ વહીવટી અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જોકે, વાહનવેરો અમલમાં મૂકવાની દરખાસ્ત અને વિવિધ સમિતિઓની રચનાના મુદ્દે સત્તાપક્ષ અને કોંગ્રેસ વચ્ચે મતભેદો ઉગ્ર બનતાં કોંગ્રેસના સાત કોર્પોરેટરોએ વિરોધ સ્વરૂપે સભામાંથી વોકઆઉટ કર્યું હતું.
સભાની શરૂઆત સ્થાયી અને વિષયવાર સમિતિઓની રચના તેમજ તેમના ચેરમેનોની વરણીની પ્રક્રિયાથી થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ બે સમિતિઓમાં પક્ષને પ્રતિનિધિત્વ આપવાની માંગણી કરી હતી. જોકે, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે નિયમોમાં આવી કોઈ જોગવાઈ ન હોવાનું જણાવતાં માંગણી સ્વીકારવામાં આવી નહોતી. ત્યારબાદ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે સમિતિઓની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરીને વિવિધ સમિતિઓના ચેરમેનના નામ જાહેર કર્યા હતા.
કર્મચારી ભરતી અને વહીવટી પારદર્શિતા મુદ્દે પણ ચર્ચા
ચર્ચા દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર અમિત ચાવડાએ મહાનગરપાલિકામાં કર્મચારીઓની ભરતી, બઢતી અને સંબંધિત નિયમોની વિગતવાર માહિતી માંગતા જણાવ્યું હતું કે સભ્યોને દરેક એજન્ડા સાથે જરૂરી દસ્તાવેજો અને માહિતી અગાઉથી ઉપલબ્ધ કરાવવી જોઈએ, જેથી ચર્ચા વધુ અસરકારક બની શકે. તેના જવાબમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની આ પ્રથમ સામાન્ય સભા હોવાથી કેટલીક પ્રક્રિયાત્મક બાબતો પૂર્ણ થઈ શકી નથી. તેમણે ખાતરી આપી હતી કે આગામી બેઠકોમાં તમામ સભ્યોને એજન્ડા સાથે જરૂરી દસ્તાવેજો અને વિગતવાર માહિતી અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો: ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં 'આદિવાસી મહાસંમેલન'ની તૈયારી : 'આપ'ના ટોચના નેતાઓ રહેશે હાજર
વ્યાજ માફી યોજનાને સર્વાનુમતે મંજૂરી, વાહનવેરા મુદ્દે વિવાદ
સભામાં વ્યાજ માફી યોજના લાગુ કરવાની દરખાસ્ત રજૂ થતાં કોંગ્રેસે તેનો ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો અને સર્વાનુમતે આ યોજના મંજૂર કરવામાં આવી હતી. જોકે, વાહનવેરો લાગુ કરવાની દરખાસ્ત ચર્ચામાં આવતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસના સભ્યોએ દલીલ કરી હતી કે મહાનગરપાલિકાએ નવા કરનો બોજો લાદતા પહેલાં શહેર અને તાજેતરમાં સમાવાયેલા વિસ્તારોમાં માર્ગ, સફાઈ, પાણી અને અન્ય પાયાની સુવિધાઓ મજબૂત કરવી જોઈએ. બીજી તરફ સત્તાધારી પક્ષે મહાનગરપાલિકાના વિકાસ માટે આવકના નવા સ્ત્રોત જરૂરી હોવાનું કહી પોતાની દલીલો રજૂ કરી હતી.
વિરોધ વચ્ચે કોંગ્રેસનો વોકઆઉટ
ચર્ચા દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. કોંગ્રેસના આક્ષેપ મુજબ સત્તાપક્ષના સભ્યોએ મેજ થપથપાવી વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના કારણે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. કોંગ્રેસના શહેર પ્રમુખ અને કોર્પોરેટર ભરત ગુપ્તાએ આ વર્તનની ટીકા કરતાં જણાવ્યું હતું કે ગરીબ અને સામાન્ય નાગરિકોના હિતના મુદ્દાઓને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી. તેમણે વાહનવેરાના પ્રસ્તાવનો વિરોધ નોંધાવતા પોતાના અન્ય છ સાથી કોર્પોરેટરો સાથે સભાનો બહિષ્કાર કરીને વોકઆઉટ કર્યો હતો. જોકે કોંગ્રેસના અમિત ચાવડા સહિત ત્રણ સભ્યો બેઠકમાં અંત સુધી હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ Ketan Agarwal Case સિયા ગોયલનો બચાવ કરવો મહિલા ડેન્ટિસ્ટને પડ્યો ભારે! : #IHateMen લખતા 5 વર્ષ માટે થઈ સસ્પેન્ડ
"પહેલા વિકાસ, પછી નવો કર"
વોકઆઉટ બાદ મીડિયા સાથે વાત કરતાં ભરત ગુપ્તાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના વિસ્તરણ બાદ સમાવાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. અનેક વિસ્તારોમાં વોર્ડ ઓફિસો શરૂ થઈ નથી અને અગાઉની નગરપાલિકાની સરખામણીએ પણ સેવાઓમાં ખાસ સુધારો જોવા મળતો નથી. તેમણે જણાવ્યું કે વિકાસના સ્પષ્ટ આયોજન અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વિના લોકો પર નવા વેરાનો બોજો નાખવો યોગ્ય નથી. તેમણે ઉમેર્યું કે વરસાદી ઋતુ દરમિયાન શહેર અને ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે અને ત્યારબાદ વિકાસના દાવાઓનું મૂલ્યાંકન થઈ શકશે.
કોંગ્રેસના વોકઆઉટ બાદ બાકીના એજન્ડા પર સંક્ષિપ્ત ચર્ચા કરીને સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. પ્રથમ સામાન્ય સભામાં વિકાસ, કરવેરા અને વહીવટી પારદર્શિતા જેવા મુદ્દાઓને લઈને થયેલી રાજકીય ખેંચતાણને જોતા આગામી બેઠકોમાં પણ આ મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.






