રાજપીપળા/ડેડિયાપાડા: આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં 2 જુલાઈએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના પીઠા ગામે યોજાનારા 'આદિવાસી મહાસંમેલન'ને સફળ બનાવવા માટે પાર્ટીએ તૈયારીઓ તેજ કરી છે. કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના રાજ્યસ્તરીય નેતાઓ હાજર રહેશે.
રાજપીપળામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પાર્ટીના નેતાઓએ દાવો કર્યો કે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના વિવિધ આદિવાસી સંગઠનો અને સમાજના આગેવાનો પણ આ મહાસંમેલનમાં જોડાશે. પાર્ટીનો દાવો છે કે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.
ચૈતર વસાવા સામેની કાર્યવાહીનો વિરોધ
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ચૈતર વસાવા સામે નોંધાયેલી એફઆઈઆર અને તેમને થયેલી સજાનો વિરોધ કરવા માટે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીએ આ કેસને રાજકીય પ્રેરિત ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ચૈતર વસાવા આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને તેમના વિરુદ્ધ થયેલી કાર્યવાહીને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: સુરતના 'ભૂતિયા' ડિમોલિશન કેસમાં કાર્યવાહી : 5 એન્જિનિયરો સસ્પેન્ડ, ખાતાકીય તપાસ શરૂ
ભાજપ પર ગંભીર આક્ષેપો
ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે ભાજપે ચૈતર વસાવાને રાજકીય રીતે નિશાન બનાવ્યા છે. તેમણે દાવો કર્યો કે આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવવાના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે પાર્ટીએ ચૈતર વસાવાના સમર્થનમાં રાજ્યભરમાં અંદાજે 400 રેલીઓ યોજી છે અને કેસને લઈને હાઈકોર્ટમાં અપીલ પણ દાખલ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે ચૈતર વસાવાના પરિવાર સાથે અન્યાય થયો છે અને એક મહિલા પોતાના નાના બાળક સાથે જેલમાં હોવાનું પણ જણાવ્યું. આ મુદ્દે તેમણે સરકારની ટીકા કરી હતી.
મનોજ સોરઠિયાનો સરકાર પર પ્રહાર
સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ પણ પત્રકાર પરિષદમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ચૈતર વસાવા આદિવાસી સમાજના હિતના પ્રશ્નો માટે સતત લડતા રહ્યા છે અને તેમની લોકપ્રિયતાને કારણે રાજકીય દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. સોરઠિયાએ કહ્યું કે મહાસંમેલન માત્ર રાજકીય કાર્યક્રમ નહીં પરંતુ આદિવાસી સમાજની એકતા અને ન્યાયની માંગ વ્યક્ત કરવાનો પ્રયાસ છે. તેમણે દાવો કર્યો કે રાજ્યના વિવિધ વિસ્તારો ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ સમાજના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં જોડાશે.
આ પણ વાંચો: "પાકિસ્તાન પાસે અત્યારે કોઈ કામ છે જ નહીં." : જામા મસ્જિદ વિવાદમાં સંત મુક્તાનંદ સ્વામીનો પાકિસ્તાનને વળતો જવાબ
મહાસંમેલન પર સૌની નજર
ડેડિયાપાડામાં યોજાનારા આ મહાસંમેલનને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે કે નહીં અને ત્યારબાદ રાજકીય પરિસ્થિતિ પર તેની શું અસર પડે છે તેના પર સૌની નજર રહેશે.
ચૈતર વસાવા સામેનો કેસ હાલ ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે. આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સત્તાધારી પક્ષ તરફથી આ સંદર્ભમાં તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.






