ભરૂચ: દેશભરમાં વિવિધ ધાર્મિક સ્થળોને લઈને ચાલી રહેલી કાનૂની ચર્ચાઓ વચ્ચે હવે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે એક નિવેદનમાં ભરૂચની જામા મસ્જિદનો ઉલ્લેખ કરતાં ધાર્મિક સ્થળોના વિવાદોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમના નિવેદન બાદ ભરૂચ જામા મસ્જિદ મામલામાં અરજીકર્તા પક્ષ સાથે સંકળાયેલા સંત મુક્તાનંદ સ્વામીએ તેનો જવાબ આપ્યો છે.
અબ્દુલ બાસિતે પોતાના નિવેદનમાં ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી અને સંભલ સહિત કેટલાક ધાર્મિક સ્થળોના વિવાદોની સાથે ભરૂચની જામા મસ્જિદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે Places of Worship (Special Provisions) Act, 1991નો સંદર્ભ આપતાં કહ્યું હતું કે ઐતિહાસિક દાવા અથવા પુરાવા હોવા છતાં આવા સ્થળોની માલિકી અંગે નવા દાવાઓ ન કરવા જોઈએ.
આ પણ વાંચો: સુરતના 'ભૂતિયા' ડિમોલિશન કેસમાં કાર્યવાહી : 5 એન્જિનિયરો સસ્પેન્ડ, ખાતાકીય તપાસ શરૂ
સંત મુક્તાનંદ સ્વામીનો જવાબ
બાસિતના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં સંત મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, "બહુ જ સ્પષ્ટરૂપથી આ હું કહીશ કે પાકિસ્તાન પાસે અત્યારે કોઈ કામ છે જ નહીં. તેમને પોતાના દેશના વિકાસના સંદર્ભમાં શું કરવું છે, તેના પર વિચાર નથી. તે ક્યાંક ને ક્યાંક દરેક બાબતમાં ભારતના વિષયમાં દખલગીરી કરે છે. તો તે વિષયથી સંબંધિત છે."
તેમણે વધુમાં કહ્યું કે, "1991 વર્કશિપ એક્ટના વિષયમાં જે પ્રકારની વાત તેમના માધ્યમથી કરવામાં આવી છે, તે એએસઆઇ (ASI) મોન્યુમેન્ટ, એટલે કે પુરાતત્વ વિભાગ અંતર્ગત આવતી પ્રોપર્ટીઓમાં સ્પષ્ટરૂપથી તેમાં નિર્દેશ છે કે તેમાં લાગુ નથી થતું. અને રહી વાત કે આ વિષયમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનરની જે વાત છે, તો અમારા માટે તેનું કોઈ મહત્વ નથી. તેઓ કંઈ પણ કહે, પણ અમારો ઉદ્દેશ્ય ભારતના બંધારણના અંતર્ગત અને ભારતના લોઝ (Laws) જે પ્રકારથી કામ કરી રહ્યા છે, અને જે વાસ્તવિકતા છે, તેની સાથે સંબંધિત છે, અમારે કોઈની સાથે લેવા-દેવા નથી."
આ પણ વાંચો: અમદાવાદના જૂના સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સફળ ડિમોલિશન : કામગીરીનો મહત્વનો તબક્કો પૂર્ણ
મામલો હાલ ન્યાયિક વિચારણા હેઠળ
ભરૂચની જામા મસ્જિદને લઈને વિવિધ દાવાઓ અને કાનૂની અરજીઓ હાલ સંબંધિત અદાલતમાં વિચારણા હેઠળ છે. આ મુદ્દે હજુ સુધી કોઈ અંતિમ ન્યાયિક નિર્ણય આવ્યો નથી. તેથી, કેસના તથ્યો અને સંબંધિત કાનૂની પ્રશ્નો અંગે અંતિમ સ્થિતિ અદાલતના નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.






