ગાંધીનગર: બાળકોના સ્વસ્થ, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત સરકારે એક મહત્વાકાંક્ષી અને અનોખી પહેલ શરૂ કરી છે. હવે રાજ્યમાં જન્મથી લઈને 18 વર્ષની ઉંમર સુધીના દરેક બાળક માટે ‘હેલ્થ પાસપોર્ટ’ તૈયાર કરવામાં આવશે. આ હેલ્થ પાસપોર્ટ માત્ર સામાન્ય હેલ્થ કાર્ડ નહીં, પરંતુ બાળકના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી, આરોગ્ય ચકાસણી, પોષણની સ્થિતિ, વિકાસ અને વિવિધ સારવારની માહિતી ધરાવતું એક પ્રમાણભૂત દસ્તાવેજ હશે. સ્કૂલ હેલ્થ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળ શરૂ કરવામાં આવેલી આ પહેલનો ઉદ્દેશ્ય બાળકોના આરોગ્ય પર સતત નજર રાખવાનો, સમયસર રોગોની ઓળખ કરવાનો અને માતા-પિતાને બાળકના આરોગ્ય સંબંધિત તમામ માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો છે. રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત 27 જૂન, 2026ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરી હતી.
દર વર્ષે 1.89 કરોડ બાળકોનું થશે હેલ્થ સ્ક્રીનિંગ
ગુજરાતમાં SH-RBSK યોજના હેઠળ દર વર્ષે અંદાજે 1.89 કરોડ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે છે. આ કામગીરી માટે રાજ્યભરમાં 992 મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે. અત્યાર સુધી બાળકોના આરોગ્ય સંબંધિત રેકોર્ડ ડિજિટલ પોર્ટલ પર ઉપલબ્ધ હતા, પરંતુ માતા-પિતા પાસે તેમની સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી કોઈ પ્રમાણભૂત દસ્તાવેજી માહિતી ઉપલબ્ધ નહોતી.
નવી વ્યવસ્થા હેઠળ હેલ્થ ચેકઅપ પૂર્ણ થતાં જ બાળકને હેલ્થ પાસપોર્ટ આપવામાં આવશે, જેમાં તેના તમામ આરોગ્ય સંબંધિત રેકોર્ડ ક્રમબદ્ધ રીતે નોંધાયેલા રહેશે. આ પાસપોર્ટના કારણે ભવિષ્યમાં સારવાર, રૂટિન ચેકઅપ અને નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવામાં પણ સરળતા રહેશે.
હેલ્થ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા રહેશે સરળ
સરકારે આ સમગ્ર પ્રક્રિયા માતા-પિતાને અનુકૂળ રહે તે રીતે તૈયાર કરી છે. હેલ્થ પાસપોર્ટ મેળવવા માટે કોઈ અલગ અરજી કે વધારાના દસ્તાવેજો આપવાની જરૂર રહેશે નહીં.
SH-RBSKની મોબાઇલ હેલ્થ ટીમો આંગણવાડી, સરકારી અને ખાનગી શાળાઓ, મદરેસા, ગુરુકુલ તેમજ વિશેષ શાળાઓમાં જઈ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરશે. તપાસ બાદ બાળકોની વિગતો ડિજિટલ પોર્ટલમાં નોંધાશે અને સ્થળ પર જ હેલ્થ પાસપોર્ટ આપવામાં આવશે.
દર વર્ષે થશે રિન્યૂ
આ હેલ્થ પાસપોર્ટ સમયાંતરે અપડેટ પણ કરવામાં આવશે. પાંચ વર્ષ સુધીના બાળકો અથવા શાળાએ ન જતા બાળકોના હેલ્થ પાસપોર્ટનું દર વર્ષે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના મેડિકલ ઓફિસર દ્વારા રિન્યૂ કરવામાં આવશે.
બીજી તરફ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હેલ્થ પાસપોર્ટનું રિન્યૂઅલ સંબંધિત શાળાના પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવશે, જેથી બાળકના આરોગ્યનો સતત અપડેટેડ રેકોર્ડ ઉપલબ્ધ રહે.
આ પણ વાંચો: ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં 'આદિવાસી મહાસંમેલન'ની તૈયારી : 'આપ'ના ટોચના નેતાઓ રહેશે હાજર
એક જ દસ્તાવેજમાં મળશે સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી
હેલ્થ પાસપોર્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં બાળકના જન્મથી લઈને 18 વર્ષની ઉંમર સુધીના તમામ આરોગ્ય સંબંધિત રેકોર્ડ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે. આ પાસપોર્ટમાં બાળકની મૂળભૂત વિગતો ઉપરાંત નિયમિત હેલ્થ ચેકઅપ, સારવાર, રસીકરણ, પોષણની સ્થિતિ, ઊંચાઈ-વજનનો વિકાસ, શારીરિક અને માનસિક વૃદ્ધિ સહિત અનેક મહત્વપૂર્ણ વિગતોનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત SH-RBSK હેઠળ ઓળખવામાં આવતી ચાર મુખ્ય શ્રેણી (4D)નો પણ સંપૂર્ણ રેકોર્ડ રહેશે. તેમાં જન્મજાત ખામીઓ (Defects at Birth), વિવિધ બીમારીઓ (Diseases), પોષણની ઉણપ (Deficiencies) અને વિકાસમાં વિલંબ અથવા વિકલાંગતા (Developmental Delays & Disabilities) અંગેની વિગતો સામેલ કરવામાં આવશે.
માતા-પિતા માટે બનશે ઉપયોગી દસ્તાવેજ
હેલ્થ પાસપોર્ટમાં માત્ર મેડિકલ માહિતી જ નહીં પરંતુ બાળક માટે જરૂરી પોષણ માર્ગદર્શન, આરોગ્ય જાળવવા માટેની સલાહ, જીવનશૈલી સંબંધિત સૂચનો અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવશે. કોઈ બાળકને નિષ્ણાત સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હોય તો તેની વિગતો પણ હેલ્થ પાસપોર્ટમાં નોંધાશે. જેના કારણે માતા-પિતા કોઈપણ સમયે બાળકની આરોગ્ય સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકશે.
ડિજિટલ સિસ્ટમ સાથે રહેશે સંપૂર્ણ જોડાણ
આ સમગ્ર વ્યવસ્થાને SH-RBSKના ડિજિટલ પોર્ટલ સાથે સંપૂર્ણ રીતે સંકલિત કરવામાં આવશે. હેલ્થ પાસપોર્ટની ફિઝિકલ કૉપી માતા-પિતા પાસે રહેશે, જ્યારે તમામ માહિતી ડિજિટલ રીતે પણ સુરક્ષિત રહેશે. જો કોઈ કારણસર હેલ્થ પાસપોર્ટ ખોવાઈ જાય અથવા ખરાબ થઈ જાય તો મોબાઇલ હેલ્થ ટીમની મદદથી નવી નકલ સરળતાથી મેળવી શકાશે. આ ડિજિટલ વ્યવસ્થા આરોગ્ય વિભાગ માટે પણ બાળકોના આરોગ્ય સંબંધિત માહિતીનું અસરકારક સંચાલન કરવામાં મદદરૂપ બનશે.
બાળકોના આરોગ્ય માટે લાંબા ગાળાની યોજના
આ પહેલનો મુખ્ય હેતુ માત્ર આરોગ્યનો રેકોર્ડ તૈયાર કરવાનો નથી, પરંતુ બાળકના જન્મથી કિશોરાવસ્થા સુધી તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવાની એક વ્યવસ્થિત પદ્ધતિ વિકસાવવાનો છે. રાજ્ય સરકારનું માનવું છે કે હેલ્થ પાસપોર્ટના કારણે રોગોની વહેલી ઓળખ શક્ય બનશે, સારવાર સમયસર મળી શકશે અને બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસને વધુ અસરકારક રીતે ટ્રેક કરી શકાશે. સાથે જ માતા-પિતા પણ બાળકોના આરોગ્ય સંચાલનમાં વધુ સક્રિય ભાગીદાર બનશે. બાળકોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ પહેલ રાજ્યના જાહેર આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવી રહી છે. આગામી સમયમાં આ હેલ્થ પાસપોર્ટ બાળકોના આરોગ્ય વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.






