Home Gujarat Morbi Hakabha Gadhvi Jetpar Farmers Protest Reaction

ખેડૂતોના સમર્થનમાં ઉતરેલાં હકાભાને જેતપર આવવાની કોણે પાડી ના? : હવનમાં હાડકાં નાંખ્યા બાદ વધુ વકર્યો વિવાદ

હકાભા
Published by: Chintan Chavda
Last Updated: Jul 01, 2026, 12:06 PM IST

મોરબી જિલ્લાના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન દરમિયાન લોકકલાકાર હકાભા ગઢવીને ઉપવાસી છાવણીમાં આવવાની ના પાડવામાં આવી હોવાના મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. હકાભા ગઢવીએ જાહેરમાં જણાવ્યું કે તેમને આગેવાનો તરફથી ફોન પર છાવણીમાં નહીં આવવા કહેવામાં આવ્યું હતું. બીજી તરફ ઉપવાસી નિલેશ એરવાડિયાએ સમગ્ર મામલાને ગેરસમજ ગણાવી હકાભા ગઢવીનું ખુલ્લેઆમ સ્વાગત કરતાં કહ્યું કે આંદોલન બિનરાજકીય છે અને દરેક વ્યક્તિને સમર્થન આપવા માટે આવકારવામાં આવે છે.

હકાભા ગઢવીએ જણાવ્યું કે તેઓ અગાઉ જેતપુરમાં ડાયરો કરવા ગયા હતા અને ત્યારબાદ ખેડૂતોના પ્રેમ અને સમર્થનને કારણે અનેક વખત આંદોલનને સમર્થન આપવા પહોંચ્યા હતા. જોકે, ત્રીજી વખત તેમને આગેવાનો દ્વારા આવવાની ના પાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. તેમના જણાવ્યા મુજબ, ખેડૂતો તરફથી નહીં પરંતુ કેટલાક આગેવાનો તરફથી તેમને રોકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જેતપર ખેડૂત આંદોલનને મળ્યો વેપારી વર્ગનો મોટો ટેકો : મોરબીથી જેતપર કલર એસોસિએશનનો કાર કાફલો પહોંચ્યો

"મને ના પાડી છે એટલે ખેડૂતોને જાણ કરવી જરૂરી હતી"

હકાભા ગઢવીએ કહ્યું કે જો તેમને આવવાની મનાઈ કરવામાં આવી હોય તો ખેડૂતો સુધી આ વાત પહોંચાડવી તેમની ફરજ હતી, જેથી ભવિષ્યમાં ખેડૂતો તેમના પર ખોટો આરોપ ન મૂકે કે તેઓ સ્વેચ્છાએ આંદોલનથી દૂર રહ્યા હતા. તેમણે કહ્યું કે તેમને શા માટે આવવાની ના પાડવામાં આવી તે અંગે કોઈ સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી, પરંતુ કારણ વગર કોઈ નિર્ણય લેવાતો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે આંદોલન સંબંધિત સમિતિની બેઠકો પારદર્શક રીતે યોજાવા જોઈએ. તેમના મતે સમિતિની બેઠક જાહેર હોવી જોઈએ, તેનું જીવંત પ્રસારણ થવું જોઈએ અને ખેડૂતોને ખબર હોવી જોઈએ કે તેમના માટે લડતા આગેવાનો શું ચર્ચા કરી રહ્યા છે. ખેડૂતોના હિતના નિર્ણયો અંગે પારદર્શિતા જળવાય તે જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું.

નિલેશ એરવાડિયા: "હકાભાને ગેરસમજ થઈ હશે"

આ સમગ્ર મામલે ઉપવાસી નિલેશ એરવાડિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે બે-ત્રણ દિવસ પહેલાં હકાભા ગઢવીનો તેમને ફોન આવ્યો હતો. તે સમયે સમિતિની બેઠક ચાલી રહી હતી. તેમના જણાવ્યા મુજબ, વિકાસભાઈ નામના વ્યક્તિએ હકાભાને તે સમયે છાવણીમાં નહીં આવવા કહ્યું હતું, પરંતુ તેઓ સમિતિના સત્તાવાર સભ્ય નથી.

એરવાડિયાએ કહ્યું કે હકાભા ગઢવી શરૂઆતથી જ ખેડૂતોના આંદોલનને ખુલ્લું સમર્થન આપતા આવ્યા છે. તેમણે કાર્યક્રમો દ્વારા પણ આંદોલનને સમર્થન આપ્યું છે અને તેમની હિંમત તથા સહકાર માટે સમિતિ તેમને સન્માન આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે હકાભા ગઢવી જેવા જાણીતા કલાકાર છાવણીમાં આવે ત્યારે તેમનું યોગ્ય સ્વાગત કરવા સમિતિના જવાબદાર આગેવાનો હાજર હોવા જરૂરી હતા. તે સમયે કોઈ જવાબદાર આગેવાન હાજર ન હોવાથી માત્ર તે દિવસ માટે રાહ જોવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ વાતનો ખોટો અર્થ નીકળતાં ગેરસમજ સર્જાઈ હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: સાણંદના ખેડૂત આગેવાન શૈલેષ મેર પર હુમલાના કેસમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ : પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ

સમિતિ વતી માફી અને ખુલ્લું આમંત્રણ

નિલેશ એરવાડિયાએ હકાભા ગઢવીને પોતાના મિત્ર અને પરિવાર સમાન ગણાવતા જણાવ્યું કે જો આ ઘટનાથી તેમને દુઃખ પહોંચ્યું હોય તો તેઓ વ્યક્તિગત રીતે, સમિતિ વતી અને જેતપર ગામ વતી દિલગીર છે. તેમણે હકાભા ગઢવીને ફરીથી ઉપવાસી છાવણીમાં આવવા ખુલ્લું આમંત્રણ આપતાં કહ્યું કે સમગ્ર છાવણી તેમની રાહ જોઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતોનું આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય છે અને ખેડૂતોના હિતમાં સમર્થન આપવા ઇચ્છતા દરેક વ્યક્તિનું સ્વાગત કરવામાં આવે છે. આ ઘટનાને લઈને બંને પક્ષે પોતાની-પોતાની સ્પષ્ટતા આપી છે. એક તરફ હકાભા ગઢવી પારદર્શિતા અને આગેવાનોના નિર્ણય અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ આંદોલનના પ્રતિનિધિઓ સમગ્ર મામલાને માત્ર ગેરસમજ ગણાવી તેને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now