Home National Dentist Muskan Soni Suspended Five Years For Siya Goyals Defense Ihate Men Ketan Agarwal Case

Ketan Agarwal Caseસિયા ગોયલનો બચાવ કરવો મહિલા ડેન્ટિસ્ટને પડ્યો ભારે! : #IHateMen લખતા 5 વર્ષ માટે થઈ સસ્પેન્ડ

Ketan Agarwal Murder Case
Image Credit: @Shoneekapoor/x
Published by: Nirali Gohil
Last Updated: Jul 01, 2026, 09:48 AM IST

Dentist Suspended Ffor 5 Years: પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ મધ્ય પ્રદેશની મહિલા ડેન્ટિસ્ટ માટે ભારે પડી છે. આરોપી સિયા ગોયલના સમર્થનમાં કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અને #IHateMen હેશટેગના ઉપયોગને લઈને ડૉક્ટરોની અગ્રણી સંસ્થા ઓલ ઇન્ડિયા ડેન્ટલ સ્ટુડન્ટ્સ એન્ડ સર્જન્સ એસોસિએશન (AIDSA) એ કડક કાર્યવાહી હાથ ધરી છે. એસોસિએશને મધ્ય પ્રદેશ ટીમની ખજાનચી ડૉ. મુસ્કાન સોનીને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દીધી છે અને તેમની પ્રાથમિક સભ્યતા આગામી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધી છે. સંસ્થાએ પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, ડૉ. મુસ્કાન સોનીની સોશિયલ મીડિયા પોસ્ટ તબીબી વ્યવસાયની નૈતિકતા, સંવેદનશીલતા અને વ્યાવસાયિક ગૌરવની વિરુદ્ધ હતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ડૉક્ટરોની જવાબદારી અને જાહેર નિવેદનો અંગે ફરી ચર્ચા જગાવી છે.

સિયા ગોયલના સમર્થનમાં પોસ્ટથી શરૂ થયો વિવાદ

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ડૉ. મુસ્કાન સોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુણેના હાઇપ્રોફાઇલ કેતન અગ્રવાલ હત્યાકાંડને લગતી એક સ્ટોરી શેર કરી હતી. આ કેસમાં કેતન અગ્રવાલની મંગેતર સિયા ગોયલ પર હત્યાનો આરોપ છે. ડૉ. મુસ્કાને પોતાની પોસ્ટમાં કથિત રીતે મુખ્ય આરોપી સિયા ગોયલનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે મૃતક કેતન અગ્રવાલના ટાલ પડેલા માથા અને શારીરિક દેખાવને લઈને મજાક પણ ઉડાવી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ જોવા મળ્યો હતો. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, "જો તમે આવું ખોટું બોલશો તો સ્વાભાવિક છે કે તમારું મોત થશે." આ સાથે તેમણે #IHateMen (મને પુરુષોથી નફરત છે) હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: ચેતન ચૌધરીને લોહગઢ કિલ્લા પર લઈ પહોંચી પોલીસ : ફરી સર્જાયો હત્યાકાંડનો ઘટનાક્રમ; કરાયું ગેઈટ એનાલિસિસ

સોશિયલ મીડિયા પર ભારે વિરોધ

ડૉ. મુસ્કાન સોનીની પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક લોકોએ મૃતક અંગે આવી અસંવેદનશીલ ટિપ્પણી કરવા બદલ તેમની ટીકા કરી હતી અને તબીબી સંસ્થાઓને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. લોકોનું માનવું હતું કે, એક ડૉક્ટર તરીકે સમાજમાં સંવેદનશીલતા જાળવવાની જવાબદારી હોય છે અને આવા નિવેદનો સમાજમાં ખોટો સંદેશ આપે છે.

માફી માંગી છતાં એસોસિએશને ન સ્વીકારી

વિવાદ વધતા ડૉ. મુસ્કાન સોનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને પોતાના નિવેદન બદલ જાહેરમાં માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે તેમનો હેતુ કોઈની લાગણી દુભાવવા કે અપમાન કરવાનો નહોતો અને તેમના શબ્દોની પસંદગી અયોગ્ય હતી. જોકે, ઓલ ઇન્ડિયા ડેન્ટલ સ્ટુડન્ટ્સ એન્ડ સર્જન્સ એસોસિએશન (AIDSA) ની શિસ્ત સમિતિએ તેમની માફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સંસ્થાએ પોતાના સત્તાવાર આદેશમાં જણાવ્યું કે, ડૉ. મુસ્કાનની ટિપ્પણીઓ અત્યંત આપત્તિજનક, આક્રમક અને અપમાનજનક હતી. એક તબીબ તરીકે તેમની પાસેથી વધુ જવાબદારીપૂર્ણ વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે.

પાંચ વર્ષ માટે સભ્યપદ સસ્પેન્ડ

એસોસિએશને ડૉ. મુસ્કાન સોનીને તેમના પદ પરથી હટાવી દીધા છે અને આગામી પાંચ વર્ષ સુધી માટે તેમની પ્રાથમિક સભ્યતા પણ સસ્પેન્ડ કરી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર આ નિર્ણય માત્ર શિસ્ત જાળવવા માટે નહીં, પરંતુ ભવિષ્યમાં કોઈપણ સભ્ય આવી પ્રકારની વિવાદાસ્પદ અને અસંવેદનશીલ ટિપ્પણીઓ ન કરે તે માટે એક કડક સંદેશ તરીકે લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હત્યાના એક મહિના પહેલાં ખુશીથી ઝૂમતો દેખાયો કેતન અગ્રવાલ : મંગેતર સિયા ગોયલના પરિવાર સાથેનો VIDEO વાયરલ

કેતન અગ્રવાલ હત્યાકાંડ હજુ ચર્ચામાં

ઉલ્લેખનીય છે કે પુણેના ઉદ્યોગપતિ કેતન અગ્રવાલ હત્યાકાંડ છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસમાં તેમની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેના કારણે આ કેસ સતત ચર્ચામાં રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now