Ketan Agarwal Murder Case: પુણેના 26 વર્ષીય રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના રહસ્યમય મોતના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શરૂઆતમાં અકસ્માત માનવામાં આવેલી આ ઘટના હવે પ્રેમપ્રકરણ, વિશ્વાસઘાત અને કાવતરાપૂર્વકની હત્યાના ગંભીર આરોપોમાં ફેરવાઈ ચૂકી છે. સમગ્ર મામલામાં મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ બાદ તપાસ વધુ ગહન બની છે. હવે સત્ય સુધી પહોંચવા માટે પુણે ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે જઈને આખા હત્યાકાંડનું વૈજ્ઞાનિક રીતે પુનઃનિર્માણ કર્યું છે. બુધવારે પોલીસ ટીમ આરોપી ચેતન ચૌધરીને લઈને ઐતિહાસિક લોહગઢ કિલ્લા પર પહોંચી હતી, જ્યાં લગભગ 300 ફૂટ ઊંડી ખાઈમાં મૃતક કેતનના શરીર જેટલી જ ઊંચાઈ અને વજન ધરાવતી ફાઈબર ડમી ફેંકીને સમગ્ર ઘટનાક્રમ ફરીથી દોહરાવવામાં આવ્યો હતો.
લોહગઢ કિલ્લા પર ક્રાઇમ સીનનું રિક્રિએશન
તપાસમાં મહત્ત્વના પુરાવા એકત્ર કરવા માટે પુણે ગ્રામ્ય પોલીસે લોહગઢ કિલ્લા પર ઘટનાસ્થળનું રિક્રિએશન કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મૃતક કેતન અગ્રવાલના શરીર જેવી જ માપની એક વિશેષ ફાઈબર ડમી તૈયાર કરવામાં આવી હતી. પોલીસે આ ડમીને એ જ સ્થળેથી 300 ફૂટ ઊંડી ખાઈમાં ફેંકી હતી, જ્યાંથી કેતનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રયોગનો મુખ્ય હેતુ એ જાણવા હતો કે ઘટનાના સમયે શું બન્યું હશે, શરીર કેવી રીતે નીચે પડ્યું હશે અને આરોપીઓના નિવેદનો હકીકત સાથે કેટલા મેળ ખાતા છે. આ સમગ્ર પ્રક્રિયા આશરે 2 કલાક 40 મિનિટ સુધી ચાલી હતી. તપાસ અધિકારીઓનું માનવું છે કે આ પ્રયોગથી ઘટનાની કડીઓને વૈજ્ઞાનિક રીતે જોડવામાં મદદ મળશે.
આરોપી ચેતન ચૌધરીનું કરાયું 'ગેઇટ એનાલિસિસ'
આ પહેલા પોલીસે આરોપી ચેતન ચૌધરીનું 'ગેઇટ એનાલિસિસ' પણ કરાવ્યું હતું. ગેઇટ એનાલિસિસ એટલે વ્યક્તિના ચાલવાના ઢબ અને હિલચાલનું વૈજ્ઞાનિક વિશ્લેષણ. પોલીસ એ જાણવા પ્રયાસ કરી રહી છે કે, ઘટનાના દિવસે ચેતન કયા માર્ગે ગયો હતો, તેની હરકતો કેવી હતી અને તે ઘટનાસ્થળ સુધી કેવી રીતે પહોંચ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ઘટનાના દિવસે પહેરેલી તેની પેન્ટ પણ કબજે લીધી હોવાનું સામે આવ્યું છે.
તપાસ એજન્સી માટે આ પુરાવાઓ અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા છે, કારણ કે તે ઘટનાની સમયરેખા તૈયાર કરવામાં મદદરૂપ બની શકે છે.
આ પણ વાંચો: હત્યાના એક મહિના પહેલાં ખુશીથી ઝૂમતો દેખાયો કેતન અગ્રવાલ : મંગેતર સિયા ગોયલના પરિવાર સાથેનો VIDEO વાયરલ
મંગેતર સિયા ગોયલ અને પ્રેમી ચેતન પોલીસ કસ્ટડીમાં
કેતન અગ્રવાલ હત્યાકાંડમાં પોલીસે તેની મંગેતર સિયા ગોયલ અને સિયાના પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી છે. બંને પર આરોપ છે કે તેમણે 18 જૂનના રોજ લોહગઢ કિલ્લા પર કેતનને ખાઈમાં ધક્કો મારીને તેની હત્યા કરી હતી. પ્રારંભિક પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ બંને આરોપીઓને વડગાંવ માવળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા બંનેની પોલીસ કસ્ટડીમાં પાંચ દિવસનો વધારો કરવામાં આવ્યો છે. પુણે ગ્રામ્ય પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે તપાસના અનેક મહત્વપૂર્ણ પાસાઓ હજુ બાકી છે અને આરોપીઓની હાજરીમાં ઘટનાસ્થળનું ફરી નિરીક્ષણ કરવું જરૂરી છે.
પાસપોર્ટ ચોરી અને બાળી ટ્રિપ રદ થવાનો ખુલાસો
તપાસ દરમિયાન એક વધુ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર સિયા ગોયલે કથિત રીતે કેતનનો પાસપોર્ટ ચોરી લીધો હતો અને બાદમાં તેને ફાડી નાખીને સળગાવી દીધો હતો. માહિતી મુજબ પરિવાર લગ્ન પહેલા બાલી ફરવા જવાનો હતો, પરંતુ એરપોર્ટ પર કેતનને પોતાનો પાસપોર્ટ ન મળતા સમગ્ર પ્રવાસ રદ કરવો પડ્યો હતો. પોલીસને શંકા છે કે સિયાએ ઈરાદાપૂર્વક આ પગલું ભર્યું હતું જેથી કેતન સાથેની મુસાફરી અટકાવી શકાય. આ કેસમાં જૂથને લઈ જનાર ડ્રાઇવરે પણ પોલીસને જણાવ્યું હતું કે મુસાફરી દરમિયાન સિયા એક વખત પાર્ક કરેલી કાર પાસે એકલી પરત ગઈ હતી અને ત્યાંથી કંઈક સામાન લઈને પાછી આવી હતી.
તપાસમાં હજુ અનેક સવાલોના જવાબ બાકી
પોલીસ હવે હત્યા બાદ થયેલી ફોન પરની વાતચીત, ચેતનની ઘટના બાદની હિલચાલ અને અન્ય ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરી રહી છે. અધિકારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે. આ કેસે સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે ચર્ચા જગાવી છે અને લોકો હવે તપાસના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા છે.





