Home National Ketan Agarwal Murder Case Viral Video With Siya Goyal Family Before Death

Ketan Agarwal Caseહત્યાના એક મહિના પહેલાં ખુશીથી ઝૂમતો દેખાયો કેતન અગ્રવાલ : મંગેતર સિયા ગોયલના પરિવાર સાથેનો VIDEO વાયરલ

Ketan Agarwal Murder Case
Image Credit: reetusharma_official
Published by: Nirali Gohil
Last Updated: Jul 01, 2026, 06:14 AM IST

Pune Murder Case: પુણેના લોહગઢ કિલ્લા પર થયેલા કેતન અગ્રવાલ હત્યા કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં કેતન અગ્રવાલ પોતાની મંગેતર સિયા ગોયલ અને બંને પરિવારો સાથે ખુશીના પળો માણતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલે લોકોમાં વધુ ભાવનાત્મક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. માહિતી મુજબ, આ વીડિયો 7 મેનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે કેતન અગ્રવાલના મોતના લગભગ એક મહિના પહેલાંનો છે. વીડિયોમાં કેતન પરિવારજનો સાથે ડાન્સ કરતો, હસતો અને કાર્યક્રમની મજા માણતો જોવા મળે છે. થોડા જ સમય બાદ તેની હત્યાના આરોપોમાં તેની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત મિત્ર ચેતન ચૌધરીના નામ સામે આવતા કેસે દેશવ્યાપી ચર્ચા જગાવી છે.

પરિવારિક કાર્યક્રમનો વીડિયો બન્યો ચર્ચાનો વિષય

આ વીડિયો ગાયિકા રીતુ શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. ગાયિકાના જણાવ્યા અનુસાર, 7 મેના રોજ પુણેમાં અગ્રવાલ અને ગોયલ પરિવારના એક કાર્યક્રમમાં તેમણે પરફોર્મન્સ આપ્યું હતું. વીડિયોમાં કેતનના પિતા વિશાલ અગ્રવાલ તેમજ સિયા ગોયલના માતા-પિતા પ્રવીણ ગોયલ અને પૂજા ગોયલ અન્ય પરિવારજનો સાથે આનંદમાં ડૂબેલા નજરે પડે છે. વિડિયોના એક ભાગમાં કેતનના પિતા બોલીવુડનું લોકપ્રિય ગીત "યમ્મા યમ્મા" ગાતા જોવા મળે છે, જ્યારે આસપાસ ઊભેલા પરિવારજનો સંગીત પર ઝૂમતા નજરે પડે છે. ગીતની પંક્તિઓ – "બસ આજ કી રાત હૈ જિંદગી, કલ હમ કહાં તુમ કહાં" – હવે સોશિયલ મીડિયા પર લોકોમાં ભાવનાત્મક ચર્ચાનો વિષય બની છે.

બીજા વીડિયોમાં કેતન પોતાની મંગેતર સિયાના પિતા પ્રવીણ ગોયલ સાથે ફિલ્મ ગદરના લોકપ્રિય ગીત "મૈં નિકલા ગડી લઈને" પર ડાન્સ કરતો જોવા મળે છે. વીડિયોમાં બંને પરિવારો વચ્ચેના સ્નેહભર્યા સંબંધો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: "સિયા ચેતનને છોડી કેતન સાથે જ લગ્ન કરવા માંગતી હતી" : ભાઈ સાહિલના દાવાથી ઊભા થયા અનેક સવાલ, જાણો તેણે શું ખુલાસો કર્યો

ગાયિકાની ભાવુક પોસ્ટ

રીતુ શર્માએ વીડિયો શેર કરતાં લખ્યું કે, જ્યારે તેઓ આ કાર્યક્રમમાં હાજર હતા ત્યારે બંને પરિવારો ખૂબ ખુશ હતા અને સૌ ભવિષ્યની ખુશીઓની ઉજવણી કરી રહ્યા હતા. તેમણે કેતનને નિર્દોષ અને ખુશમિજાજ યુવક ગણાવ્યો હતો. ગાયિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "અમે કેતનને પોતાની આંખે જોયો હતો. કેટલો નિર્દોષ બાળક હતો. કોણ જાણતું હતું કે આ સુંદર આત્મા સાથે આવું બનશે." તેમણે વધુમાં કહ્યું કે કોઈ વ્યક્તિને પસંદ ન કરવું એક બાબત છે, પરંતુ તેનો જીવ લઈ લેવાનો કોઈને અધિકાર નથી. તેમણે કેતનના પરિવારને ન્યાય મળવાની માંગણી પણ કરી અને કહ્યું કે એક વ્યક્તિના સ્વાર્થભર્યા નિર્ણયે અનેક લોકોના જીવનમાંથી ખુશીઓ છીનવી લીધી છે.

શું છે સમગ્ર હત્યા કેસ?

પોલીસ તપાસ મુજબ, 18 જૂને પુણેના ઐતિહાસિક લોહગઢ કિલ્લા પર કેતન અગ્રવાલનું મોત થયું હતું. તપાસ એજન્સીઓના દાવા અનુસાર, કેતનને તેની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ કિલ્લાની ઊંચી પહાડી પરથી ધક્કો મારી દીધો હતો. ઘટના બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં બંને પોલીસ કસ્ટડીમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. તપાસ દરમિયાન અનેક ડિજિટલ પુરાવા, ફોન રેકોર્ડ અને પરિવારજનોના નિવેદનોના આધારે કેસ આગળ વધી રહ્યો છે. આ કેસે સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી છે કારણ કે થોડા મહિનાં પહેલાં જ બંને પરિવારો વચ્ચે સગાઈ થઈ હતી અને નવેમ્બર મહિનામાં લગ્ન થવાના હતા.

આ પણ વાંચો: કેતન મર્ડર કેસમાં હવે વૈજ્ઞાનિક તપાસનો સહારો : ચેતનનો દાવો સાચો કે ખોટો? પોલીસના સિક્રેટ ટેસ્ટથી ખુલશે CCTVનું રહસ્ય?

ફેબ્રુઆરીમાં થઈ હતી સગાઈ

માહિતી અનુસાર, કેતન અગ્રવાલ અને સિયા ગોયલની સગાઈ આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી. બંને પરિવારો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા અને નવેમ્બરમાં લગ્ન યોજાવાના હતા. વાયરલ થયેલા વીડિયોમાં પણ બંને પરિવારો વચ્ચેનો નજીકનો સંબંધ સ્પષ્ટ દેખાય છે, જેના કારણે આ ઘટનાએ લોકોમાં વધુ આશ્ચર્ય અને દુઃખની લાગણી ઊભી કરી છે.

સિયાના ભાઈએ શું કહ્યું?

કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો સિયાના ભાઈ સાહિલ ગોયલના નિવેદનથી થયો છે. મીડિયા અહેવાલો મુજબ, સાહિલે સ્વીકાર્યું છે કે તેને સિયા અને ચેતન વચ્ચેની મિત્રતા વિશે જાણ હતી. સાહિલના જણાવ્યા પ્રમાણે, સિયાએ તેને ખાતરી આપી હતી કે તે કેતન સાથે જ જીવન વિતાવવા માંગે છે અને ચેતન સાથેનો સંબંધ આગળ વધારવાનો કોઈ ઈરાદો નથી. તેના કારણે તેણે આ બાબત પરિવારના અન્ય સભ્યોને જણાવી નહોતી. જો કે, પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તપાસમાં એવા સંકેતો પણ મળ્યા છે કે સિયા કેતન સાથે લગ્ન કરવા ઇચ્છતી નહોતી. આ સંજોગોમાં તપાસ એજન્સીઓ હવે સાહિલની ભૂમિકાની પણ તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

માતા-પિતાનો દાવો યથાવત

સિયા ગોયલના માતા-પિતા સતત એવો દાવો કરી રહ્યા છે કે, તેમની દીકરી અને ચેતન વચ્ચે માત્ર મિત્રતા હતી અને તેઓ પ્રેમ સંબંધમાં નહોતા. તેમના જણાવ્યા મુજબ, બંને માત્ર મિત્ર તરીકે એકબીજાને ઓળખતા હતા. સિયાની માતા પૂજા ગોયલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે કેતનને પણ ચેતન વિશે જાણ હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે જો તેમની દીકરી ગુનેગાર સાબિત થાય તો તેને કાયદા અનુસાર કડકમાં કડક સજા થવી જોઈએ.

સોશિયલ મીડિયા પર ઉઠી રહી છે ન્યાયની માંગ

વાયરલ થયેલા વીડિયોએ લોકોમાં ભારે ભાવનાત્મક પ્રતિસાદ જગાવ્યો છે. લાખો લોકોએ વીડિયો જોયો છે અને સોશિયલ મીડિયા પર કેતન અગ્રવાલ માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું છે કે,જે વ્યક્તિ થોડા અઠવાડિયા પહેલાં પોતાના ભવિષ્યના પરિવાર સાથે ખુશીઓ ઉજવી રહ્યો હતો, તે આજે ન્યાયની રાહ જોઈ રહેલા પરિવારની યાદોમાં જ જીવંત છે. બીજી તરફ, પોલીસ તપાસ આગળ વધી રહી છે અને કેસના અનેક પાસાઓ હજુ ખુલવાના બાકી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now