Home Gujarat Gujarat 7 Day Rain Alert Imd Warning Map July 2026

આકાશમાંથી ખુલશે અમીધારાનાં દ્વાર : ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

વરસાદી માહોલ
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jul 03, 2026, 07:07 AM IST

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બનતાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અમદાવાદ કેન્દ્રે આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી સાથે જિલ્લાવાર ચેતવણી જાહેર કરી છે. 3 જુલાઈથી 8 જુલાઈ સુધીના વોર્નિંગ મેપ મુજબ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ભારેથી ખૂબ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. હવામાન વિભાગના નકશા અનુસાર આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું સૌથી વધુ જોર રહેવાની શક્યતા છે. ત્યારબાદ વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે, પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના યથાવત રહેશે.

3 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જોખમ

3 જુલાઈના વોર્નિંગ મેપમાં નવસારી, વલસાડ અને સુરત જિલ્લાઓને રેડ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, ભાવનગર અને અમરેલી જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

4 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો પ્રકોપ યથાવત

4 જુલાઈના નકશા મુજબ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રહેશે. સુરત સહિતના દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવની આગાહી : આગામી 3 કલાક માટે IMDનું એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

5 જુલાઈએ પણ દક્ષિણ પટ્ટીમાં ભારે વરસાદ

5 જુલાઈના વોર્નિંગ મેપ અનુસાર વલસાડ અને નવસારી જિલ્લામાં ફરી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, ડાંગ, તાપી અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ દિવસે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટવાની શક્યતા છે, પરંતુ ભાવનગર અને અમરેલી જિલ્લામાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ યથાવત રહેશે.

6 જુલાઈથી વરસાદનું જોર ઘટશે

6 જુલાઈના નકશામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગ્રીન ઝોન જોવા મળે છે, જે સામાન્ય સ્થિતિ દર્શાવે છે. જોકે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિતના વિસ્તારોમાં હજુ પણ ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: આભ ફાટ્યું કે શું? : વલસાડમાં બે કલાકમાં 6 ઈંચ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ; ગુજરાતના 172 તાલુકા ભીંજાયા

7 અને 8 જુલાઈએ રાહતના સંકેત

7 અને 8 જુલાઈના વોર્નિંગ મેપ અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લાઓ ગ્રીન ઝોનમાં જોવા મળે છે. જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને દમણ વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો અથવા ઓરેન્જ એલર્ટ ચાલુ રહેશે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે, પરંતુ અગાઉની સરખામણીએ વરસાદનું પ્રમાણ ઘટી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય : અનેક જિલ્લામાં રેડ એલર્ટ! અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નાગરિકો માટે IMDની મહત્વની સલાહ

હવામાન વિભાગે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે. ખાસ કરીને નદી-નાળાઓની નજીક ન જવું, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવું અને વીજળી પડતી હોય ત્યારે ખુલ્લા મેદાનોમાં ન રહેવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતોને પાકની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ પશુઓને સલામત સ્થળે રાખવા જણાવાયું છે. માછીમારોને દરિયો તોફાની રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે.

રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને પણ સંવેદનશીલ વિસ્તારોમાં બચાવ દળો તૈયાર રાખવા, નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા અને જરૂર પડે ત્યારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે. ચોમાસું આગામી કેટલાક દિવસો સુધી સક્રિય રહેવાની સંભાવના હોવાથી દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો માટે ખાસ સતર્ક રહેવું જરૂરી બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now