Home Gujarat Gujarat Rain Update Valsad 6 Inch Rain Mangrol 12 Inch Rainfall 172 Talukas

આભ ફાટ્યું કે શું? : વલસાડમાં બે કલાકમાં 6 ઈંચ વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ; ગુજરાતના 172 તાલુકા ભીંજાયા

Gujarat Weather news Updates
Image Credit: dd
Published by: Nirali Gohil
Last Updated: Jul 03, 2026, 04:16 AM IST

Gujarat Weather news Updates: ગુજરાતમાં ચોમાસાએ હવે પૂરજોશમાં એન્ટ્રી કરી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 172 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ આજે સવારે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર હાજરી નોંધાવી છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.

બે કલાકમાં વલસાડમાં 6.10 ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ

રાજ્ય સરકારના તાજા વરસાદી આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના સમયગાળામાં વલસાડ તાલુકામાં સૌથી વધુ 155 મીમી એટલે કે 6.10 ઈંચ વરસાદ નોંધાયો છે. આટલા ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. વલસાડ બાદ ડાંગ જિલ્લાના ધ ડાંગ તાલુકામાં 79 મીમી એટલે કે 3.11 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના ગણદેવીમાં 55 મીમી (2.17 ઈંચ), વલસાડના પારડીમાં 54 મીમી (2.13 ઈંચ) અને નાનાપોંઢામાં 52 મીમી (2.05 ઈંચ) વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના મહુવામાં પણ 50 મીમી વરસાદ નોંધાતા દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત રહી છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં 46 મીમી, તાપીના ડોલવણમાં 46 મીમી અને વાપીમાં 42 મીમી વરસાદ નોંધાયો છે. સવારના બે કલાક દરમિયાન રાજ્યના કુલ 29 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાકમાં માંગરોળ અને સુત્રાપાડામાં અતિભારે વરસાદ

ગત 24 કલાકના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સૌથી વધુ કહેર વરસાવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં છેલ્લા 24 કલાક દરમિયાન 321 મીમી એટલે કે 12.64 ઈંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 314 મીમી એટલે કે 12.36 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદમાં 278 મીમી (10.94 ઈંચ), ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 256 મીમી (10.08 ઈંચ) અને જૂનાગઢના માલિયા હાટીનામાં 232 મીમી (9.13 ઈંચ) વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માણાવદરમાં 230 મીમી, મહેસાણાના કડીમાં 225 મીમી અને જામનગરના જામજોધપુરમાં 179 મીમી વરસાદ નોંધાતા રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: મુંબઈમાં ભારે વરસાદનો કહેર! : વૃક્ષ પડતાં 8 લોકો ઘાયલ, પાલઘરમાં દિવાલ તૂટી મહિલાનું મોત

172 તાલુકામાં વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

રાજ્યના કુલ 172 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

વલસાડમાં 101 મીમી, ઉમરગામમાં 89 મીમી, પારડીમાં 86 મીમી અને કપરાડામાં 82 મીમી વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 75 મીમી અને ચીખલીમાં 68 મીમી વરસાદ વરસ્યો છે. સુરતના ઓલપાડમાં 96 મીમી, માંગરોળમાં 47 મીમી અને બારડોલીમાં 27 મીમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો છે.

આજે ક્યાં જિલ્લામાં વરસાદનું એલર્ટ?

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી કલાકો માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રેડ એલર્ટ

અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું : બદ્રીનાથ હાઇવે બંધ, અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં કેવી છે સ્થિતિ

ઓરેન્જ એલર્ટ

પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

યલો એલર્ટ

દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનશે

ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, હાલમાં રાજ્યની આસપાસ એકસાથે પાંચ હવામાન પ્રણાલીઓ સક્રિય છે. તેમાં ટ્રફ લાઇન, શિયર ઝોન, લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ તમામ પરિબળોના કારણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ભારે વરસાદ પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now