Home Gujarat Bharuch Mk College Shram Sanyojak Recruitment Exam Cancelled

ભરૂચની એમ.કે. કોલેજમાં શ્રમ સંયોજક ભરતી પરીક્ષામાં હોબાળો : ઉમેદવારોના વિરોધ બાદ પરીક્ષા રદ

એમ.કે. કોલેજ
Published by: Chintan Chavda
Last Updated: Jul 03, 2026, 06:08 AM IST

ભરૂચ: ભરૂચની એમ.કે. કોલેજ ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠ સંચાલિત શ્રમ સંયોજકની ભરતી પ્રક્રિયા અંતર્ગત યોજાયેલી લેખિત પરીક્ષા દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. પરીક્ષા શરૂ થવામાં થયેલા વિલંબ અને પ્રશ્નપત્ર સમયસર ઉપલબ્ધ ન થતાં ઉમેદવારોએ ગેરરીતિની શંકા વ્યક્ત કરી પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. આખરે ઉમેદવારોના વિરોધ બાદ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ઉમેદવારોના જણાવ્યા અનુસાર કોલ લેટરમાં સવારે 11 વાગ્યે રિપોર્ટિંગનો સમય દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં કોલેજ મેનેજમેન્ટ દ્વારા લગભગ બપોરે 12 વાગ્યે રિપોર્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે 1 વાગ્યે પરીક્ષા શરૂ થવાની હતી, પરંતુ ઉમેદવારોને ક્લાસરૂમમાં બેસાડ્યા બાદ પણ લગભગ 1:48 વાગ્યા સુધી પ્રશ્નપત્ર આપવામાં આવ્યા નહોતા. જેના કારણે પરીક્ષા પ્રક્રિયા અંગે ઉમેદવારોમાં શંકા અને અસંતોષ ફેલાયો હતો.

આ પણ વાંચો: જ્યાં ગટર લાઇન નાખવી હતી અશક્ય, ત્યાં ડાંગે શોધ્યો અનોખો ઉકેલ : 95% ઘરોમાં 'ટ્વિન-પિટ'થી સ્વચ્છતાની ક્રાંતિ

ઉમેદવારોએ ગેરરીતિની આશંકા વ્યક્ત કરી

ઉમેદવાર નિધિ પટેલે આક્ષેપ કર્યો કે લાંબા વિલંબને કારણે પ્રશ્નપત્રની ગોપનીયતા અંગે શંકા ઊભી થઈ હતી. તેમના જણાવ્યા મુજબ મેનેજમેન્ટે પ્રશ્નપત્રને સીલ કરવાની અને અન્ય પ્રક્રિયાના કારણે વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું. જોકે ઉમેદવારોનું કહેવું છે કે જો પ્રશ્નપત્ર સરકાર અથવા સત્તાવાર એજન્સી દ્વારા મોકલવામાં આવ્યા હોય તો સ્થળ પર પ્રિન્ટિંગ અને સીલિંગ કરવાની જરૂરિયાત કેમ ઉભી થઈ તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ.

ઉમેદવારોએ માંગ કરી હતી કે રદ કરાયેલી પરીક્ષાનો લેખિત નિર્ણય તમામ ઉમેદવારોની સહી સાથે કોલેજની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે જેથી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે. ઉમેદવારોનો આક્ષેપ હતો કે સ્થળ પર હાજર સરકારી અધિકારીઓ પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવા માટે કેબિનમાંથી બહાર આવ્યા નહોતા.

સંસ્થાએ આપ્યો વહીવટી કારણોનો ખુલાસો

નેત્રંગ નૂતન ગ્રામ વિદ્યાપીઠ વિકાસ મંડળના પ્રમુખ યોગેશ જોશીએ સમગ્ર ઘટનાને વહીવટી કારણોસર સર્જાયેલી પરિસ્થિતિ ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ ભરતી પ્રક્રિયા માટે અલગ-અલગ વિષય નિષ્ણાતો દ્વારા ત્રણ અલગ પ્રશ્નપત્ર તૈયાર કરાવવામાં આવ્યા હતા. પરીક્ષાના દિવસે સવારે પ્રશ્નપત્ર ખોલીને એમ.કે. કોલેજમાં જ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું કે કુલ 102 ઉમેદવારોને કોલ લેટર મોકલવામાં આવ્યા હતા, જ્યારે પરીક્ષા કેન્દ્ર પર માત્ર 56 ઉમેદવારો હાજર રહ્યા હતા. તેમ છતાં તમામ 102 ઉમેદવારો માટે પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયાના કારણે સમય લાગ્યો હતો. વિલંબની ભરપાઈ કરવા માટે પરીક્ષાનો સમય વધારવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી, પરંતુ ઉમેદવારો પરીક્ષા આપવા સંમત ન થતા અંતે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવની આગાહી : આગામી 3 કલાક માટે IMDનું એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

CCTV ફૂટેજ સરકારને મોકલાશે

યોગેશ જોશીએ સ્પષ્ટ કર્યું કે પ્રશ્નપત્ર ફૂટ્યાના આક્ષેપો સાથે સંસ્થા સહમત નથી. સમગ્ર પ્રિન્ટિંગ પ્રક્રિયા સીસીટીવીમાં રેકોર્ડ થઈ હોવાનું તેમણે જણાવ્યું અને આ ફૂટેજ શિક્ષણ કમિશનરને મોકલવામાં આવશે જેથી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ સમીક્ષા થઈ શકે.

તેમણે વધુમાં જણાવ્યું કે હવે ભરતી પ્રક્રિયા નવેસરથી શરૂ કરવામાં આવશે. નવા પ્રશ્નપત્ર તૈયાર કરાશે, નવી પરીક્ષા તારીખ જાહેર થશે અને ઉમેદવારોને ફરી કોલ લેટર મોકલવામાં આવશે. ઉમેદવારોએ ભરેલી પરીક્ષા ફી પરત આપવા માટે સંસ્થા તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું.

નવી પરીક્ષા તારીખની રાહ

પરીક્ષા રદ થતાં ઉમેદવારોમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. હવે ભરતી પ્રક્રિયા ક્યારે ફરી શરૂ થશે અને નવી પરીક્ષાની તારીખ ક્યારે જાહેર થશે તે અંગે ઉમેદવારો શિક્ષણ વિભાગ અને સંસ્થાની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. સમગ્ર ઘટનાએ ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને પરીક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now